જેસલમેરમાં ભારત-પાક સરહદ પર એન્ટી ટેન્ક સુરંગો મળી
જેસલમેર, રાજસ્થાનના જેસલમેર વિસ્તારમાં ભારત પાક સરહદે ટેંક ઊડાવી દે એવી ચાર સુરંગો મળી આવતાં સનસનાટી મચી ગઇ હતી. બોર્ડર સિક્યોરિટી ફોર્સના અધિકારીઓ તત્કાળ ત્યાં પહોંચી ગયા હતા. ઓએનજીસીના મજૂરો જે સ્થળે કામ કરતાં હતા ત્યાં આ એન્ટી ટેન્ક માઇન્સ મળી આવી હતી. તરત આ બાબતની જાણ પોલીસને કરવામાં આવી હતી અને લશ્કરી પ્રવક્તાને પણ વાકેફ કરાયા હતા. 1965 અને 1971 બંને વરસે ભારત પાક યુદ્ધ દરમિયાન મહત્ત્વનું સ્થળ રહેલા લોંગેવાલામાં આ માઇન્સ મળી હતી. સંબંધિત વિભાગના લશ્કરી અધિકારીઓ આ સુરંગો તપાસી રહ્યા હતા. હાલ વધુ વિગતો જાહેર કરાઇ નથી.
આ પહેલાં નવેંબર માસમાં જેસલમેરમાં ટ્રેનિંગ દરમિયાન લોડિંગ કરતાં કરતાં એક જવાન ટી -90 ટેંકની નીચે દબાઇ જતાં એનું અકાળ મૃત્યુ થયું હતું એમ લશ્કરી પ્રવક્તાએ કહ્યું હતું.