નાગરિક બિલ : આસામમાં સ્થિતિ વણસી : સંચારબંધી અમલી કરાઈ
ગુવાહાટી: નાગરિક સુધારા બિલ સંસદમાં પાસ કરવામાં આવ્યા બાદ આની સામે જારદાર દેખાવો દેશના કેટલાક ભાગોમાં જારી છે. આજે આસામ અને ત્રિપુરાના કેટલાક ભાગોમાં સંચારબંધી લાગુ કરવાની ફરજ પડી હતી. વિસ્ફોટક સ્થિતિ વચ્ચે આજે ગુવાહાટીમાં લોકોએ સંચારબંધીનો ભંગ કર્યો હતો. રાજ્યમાં વિસ્ફોટક સ્થિતિ વચ્ચે સેનાએ ફ્લેગમાર્ચ કરીને વિશ્વાસ જગાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ અધિકારીઓની બદલીઓનો દોર પણ શરૂ થયો છે. પોલીસ કમિશનરને દૂર કરવામાં આવ્યા છે. હિંસાને રોકવા માટે પોલીસને ઘણી જગ્યાએ ગોળીબાર કરવાની ફરજ પડી હતી.
ગુવાહાટીમાં પોલીસ કમિશનર દિપકકુમારને દૂર કરવામાં આવ્યા છે તેમની જગ્યાએ મુન્નાપ્રસાદ ગુવાહાટીના નવા પોલીસ કમિશનર બન્યા છે. બીજી બાજુ આસામના એડિશનલ પોલીસ મહાનિર્દેશક મુકેશ અગ્રવાલને એડીજીપી (સીઆઈડી) તરીકે બદલી દેવામાં આવ્યા છે. ઇન્ટરનેટ ઉપર પ્રતિબંધ મુકાયો છે. આજે પોલીસને ગોળીબાર કરવાની પણ ફરજ પડી હતી. ભાજપના નેતાઓના આવાસ ઉપર પણ હુમલા કરવામાં આવ્યા હતા. ભાજપ અને આસામ ગણ પરિષદના નેતાઓના આવાસ પર હુમલા કરાયા હતા. ડિબ્રુગઢમાં સંચારબંધી લાગૂ કરવામાં આવી છે. નાગરિક સુધારા બિલને લઇને જારી વિરોધ પ્રદર્શન અને વ્યાપક હિંસા વચ્ચે કાનુન અને વ્યવસ્થાની સ્થિતી વણસી રહી છે ત્યારે સ્થિતીને કાબુમાં લેવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. સ્થિતિને કાબુમાં લેવા માટે સૈનાની બે ટુકડી પણ તૈનાત કરવામાં આવી છે. આસામના ૧૦ જિલ્લામાં મોબાઇલ ઇન્ટરનેટ સેવા પણ પૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવી છે.
બીજી બાજુ ત્રિપુરામાં પણ હાલત કફોડી બની રહી છે. ત્રિપુરામાં વિરોધ પ્રદર્શન જારી છે. આસામ રાઇફલ્સના જવાનોને ત્યાં તૈનાત કરવામાં આવ્યા છે. આસામ રાઇફલની એક એક ટુકડીને ત્રિપુરાના કંચનપુરા અને મનુમાં તૈનાત કરવામાં આવી છે. પરીક્ષાને સ્થગિત કરવામાં આવી છે. સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. આસામમાં તો કેટલીક ફ્લાઇટો રદ કરવામાં આવી છે.
નાગરિક સુધારા બિલને લઇને દેશના કેટલાક ભાગોમાં વિરોધ પ્રદર્શન અને હિંસા જારી છે. આસામમાં સૌથી વિસ્ફોટક સ્થિતિ સર્જાઈ ગઈ છે. પ્રદર્શન વધુ તીવ્ર બનતા અનેક ટ્રેનોને રદ કરવામાં આવી છે. સેનાને પણ બોલાવવાની ફરજ પડી છે. ગુવાહાટીથી પ્રાપ્ત અહેવાલ મુજબ પ્રદર્શન દરમિયાન રાજ્ય સચિવાલયની પાસે વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે હિંસક અથડામણ થઇ હતી. પોલીસે દેખાવકારો ઉપર ટીયરગેસના સેલ છોડ્યા હતા. ડિબ્રુગઢમાં સેનાને બોલાવવાની ફરજ પડી હતી. અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે. કેટલીક ટ્રેનોના રુટ બદલી દેવામાં આવ્યા છે.
લીડો ગુવાહાટી ઇન્ટરસિટી, ડિબ્રુગઢ ઇન્ટરસીટી સહિતની ટ્રેનો રદ કરવામાં આવી છે. સચિવાલયની પાસે હિંસક અથડામણ થઇ હતી. જારહાટ, ગોલાઘાટ, ડિબ્રુગઢ, તીનસુકિયા, શિવસાગર, સોનીતપુર સહિતના વિસ્તારોમાં લોકો હિંસા ઉપર ઉતરી આવ્યા હતા. નાગરિક સુધારા બિલને લઇને વિરોધ પ્રદર્શન હાલ જારી રહે તેવી શક્યતા છે.
આસામ ઉપરાંત દેશના અન્ય ભાગોમાં પણ વિરોધ પ્રદર્શન જારી છે. સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા કર્ણાટકે આજે બેંગ્લોરમાં આ બિલની સામે દેખાવો કર્યા હતા. પૂર્વોત્તરના રાજ્યોની સાથે સાથે અન્ય કેટલાક હિસ્સાઓમાં પણ વિરોધ પ્રદર્શન જારી છે. બિલનો વિરોધ કરી રહેલા ઓલ આસામ સ્ટુડન્ટ યુનિયનનું કહેવું છે કે, તેની સામે સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરવામાં આવશે. મુખ્ય સલાહકાર ભટ્ટાચાર્યએ કેન્દ્રની ભાજપ સરકારની આકરી ટિકા કરી છે અને કહ્યું છે કે, ઉત્તરપૂર્વના લોકો આને કોઇ કિંમતે સ્વીકારશે નહીં. નાગરિક સુધારા બિલ સામે લડવા કાયદાકીય રસ્તાને અપનાવવામાં આવશે.
સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરવામાં આવશે. ડિબ્રુગઢમાં સ્થિતિ વણસી ગઇ છે. પોલીસે દેખાવકારો ઉપર રબરની ગોળીઓ ચલાવી હતી. લાઠીચાર્જ પણ કર્યો હતો. દરમિયાન કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરમાં તૈનાત કરવામાં આવેલા અર્ધલશ્કરી દળના જવાનોને પરત બોલાવવાની શરૂઆત કરી દીધી છે. આ જવાનોને આસામ મોકલી દેવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીરમાં તૈનાત રહેલી સીઆરપીએફની ૧૦ કંપનીઓને આસામ મોકલી દેવામાં આવી છે. જમ્મુ કાશ્મીરમાંથી ૨૦ કંપનીઓને આસામ મોકલવાનો નિર્ણય કરાયો છે. સુરક્ષા દળોની સરળ પહોંચને શક્ય બનાવવા ખાસ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે.