હોમગાર્ડના બે જવાનોએ ૧૫ કિલો ડુંગળી ચોરી! ધરપકડ કરાઇ

પ્રતિકાત્મક
મૈનપુરી, ઉત્તર પ્રદશના મૈનપુરી જનપદમાં ડુંગળી ચોરી કરનારા હોમગાર્ડના બે જવાનોને જેલ મોકલી દેવામાં આવ્યા છે. મૂળે, કુસમરાના યાદવનગર ચાર રસ્તા પર ડ્યૂટી દરમિયાન હોમગાર્ડોએ દુકાનના તાળા તોડીને ડુંગળીની સાથે રોકડની ચોરી કરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ત્યારબાદ દુકાનદારની ફરિયાદ પ પોલીસે રિપોર્ટ નોંધીને આરોપી બંને હોમગાર્ડની ધરપકડ કરી જેલ મોકલી દીધા.
મળતી જાણકારી મુજબ, કિશની પોલીસ સ્ટેશનની હદના કુસમરા કસ્બામાં યાદવ નગર ચાર રસ્તા પર હોમગાર્ડ જિતેન્દ્રસિંહ અને કલેક્ટર સિંહ યાદવની ડ્યૂટી લાગેલી હતી. સોમવારની રાત્રે આ બંનેએ ચાર રસ્તાની પાસે શાકની દુકાનના તાળા તોડીને ત્યાંથી ૧૫ કિલો ડુંગળી ચોરી લીધી. દુકાનમાં રાખવામાં આવેલી રોકડ પણ તેમને ચોરી લીધી. સમગ્ર ઘટના દુકાનમાં લગાવવામાં આવેલા સીસીટીવીમાં કેદ થઈ હતી. દુકાનદારે બીજા દિવસ સવારે જ્યારે સીસીટીવી ફુટેજ જોયાં તો તેમાં યૂનિફોર્મમાં સજ્જ ચોર જોવા મળ્યા.
પોલીસે દુકાનદાર અરવિંદની ફરિયાદ પર રિપોર્ટ નોંધી કાર્યવાહી શરૂ કરી. ડુંગળી ચોરી કરનારા હોમગાર્ડના જવાન જિતેન્દ્ર સિંહ અને કલેક્ટર સિંહ યાદવની પોલીસે ધરપકડ કરી જેલ મોકલી દીધા. આ કાર્યવાહીથી પોલીસ વિભાગ તો શરમમાં મૂકાયો જ છે ઉપરાંત ખાકી યૂનિફોર્મ પર મૂકવામાં આવતા ભરોસા ઉપર પણ સવાલો ઊભા થયા છે. નોંધનીય છે કે, બંને જવાનો દ્વારા શાકભાજીની દુકાનમાં ચોરી કરવાનો સીસીટીવી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો. ત્યારબાદ પોલીસ પર દબાણ ઊભું થયું અને દુકાનદારની ફરિયાદના આધારે કેસ નોંધી બંને આરોપી હોમગાર્ડની વિરુદ્ધ કાર્યવાહી કરી તેમની ધરપકડ કરવામાં આવી.