૧લી ફેબ્રુઆરીથી મોંઘી થશે રેલવેમાં મુસાફરી
નવી દિલ્હી, રેલવેમાં મુસાફરી કરતાં લોકો માટે ટૂંક જ સમયમાં રેલવે ખરાબ સમાચાર આપી શકે છે. રેલવે બોર્ડે ટિકિટ દરોમાં વધારા માટે નિર્ણય લઇ ચૂકયું છે. જે મુજબ રેલવે સબઅર્બન ટ્રેનોથી માંડીને મેલ-એકસપ્રેસના દરેક કલાસના ભાડામાં વધારો કરવા જઇ રહ્યું છે. આ વધારો પાંચ પૈસાથી લઇને ચાલીસ પૈસા પ્રતિ કિમી વધી શકે છે. ટકાવારીમાં જોઇએ તો દરેક કલાસના ભાડામાં ૧૫થી ૨૦ ટકાનો વધારો થશે. જાણકારી મુજબ આ વધારાની જાહેરાત ડિસેમ્બરના અંત સુધી કરી દેવાની સંભાવના છે અને પહેલી ફેબ્રુઆરી ૨૦૨૦થી આ નવા દર લાગુ કરવામાં આવશે.
આ પહેલા રેલવેએ૨૦૧૪માં આ જ સમયગાળા દરમિયાન ભાડામાં ૧૫ ટકાનો વધારો કર્યો હતો. વર્તમાન સમયમાં રેલવેમાં ખર્ચથી સરેરાશ ૪૩ ટકા ઓછુ ભાડુ વસૂલવામાં આવે છે. જો અલગ-અલગ કલાસની વાત કરીએ તો રેલવેને સબઅર્બન ટ્રેનોના દર પર આશરે ૬૪ ટકા નુકસાન ઉઠાવવું પડે છે, જયારે નોન સબઅરબ્ન ટ્રેનોમાં ૪૦ ટકા નુકસાન વેઠી રહ્યું છે. એસી ટાયર-૧ પર ૨૪ ટકા, ટાયર-૨ પર ૨૭ ટકા, સ્લીપર કલાસ પર ૩૪ ટકા નુકસાન અને ચેર કાર પર ૧૬ ટકા નુકસાન ઉઠાવી રહ્યું છે. તાજેતરમાં આવેલા રિપોર્ટ મુજબ રેલવેનો નેટ રેવન્યુ સરપ્લસ ૬૬ ટકા સુધી દ્યટ્યો છે. ૨૦૧૬-૧૭માં ૪૯૧૩ કરોડ રુપિયા જયારે ૨૦૧૭-૧૮માં ઘટીને ૧૬૬૫.૬૧ કરોડ રુપિયા થઇ ગયો હતો. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે રેલવેની પોતાની આવક પણ ત્રણ ટકા ઘટી છે. સીએજી મુજબ રેલવે ઓપરેટિંગ રેશિયો ૯૮.૪૪ થયો છે એટલે કે ૧૦૦ રુપિયા કમાવવા માટે રેલવે ૯૮ રુપિયા ખર્ચ કરી રહ્યું છે.