૧૩ હજાર પાક વીમા સામે માત્ર ૩૫ ખેડૂતોને પાક વીમા વળતર ચુકવતા ખેડુતોમાં રોષ
ભિલોડા: ચાલુ વર્ષે અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો જેના કારણે જિલ્લાના કેટલાય ખેડૂતોના પાક નષ્ટ થઈ ગયા હતા. અને વ્યાપક નુકશાન ખેડૂતોને ભોગવવાનો વારો આવ્યો હતો. કેટલાક ખેડૂતોને તો બિયારણ ખરીદયુ હતું તેટલા નાણાં પણ ખેત પેદાશમાંથી મળી શક્યા નથી. ત્યારે ધરતીના તાતને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે જિલ્લાના કેટલાય ખેડૂતોને ભારે નુકશાન થયું હતું. માલપુર તાલુકામાં કેટલાક ખેડૂતોએ તંત્ર સામે હોબાળો કર્યો હતો. મોંઘાદાટ બિયારણો અને દવાઓ વાપરીને ખેડૂતો રાત દિવસની જહેમત બાદ પાક તૈયાર કરતા હોય છે. પરંતુ કેટલીક વાર કુદરત પણ ખેડૂતો સાથે મજાક કરતો હોય તેમ કુદરતી આફતો આવી પડતી હોય છે.
બીજી બાજુ કેટલાય ખેડૂતોએ સરકારની પાક વીમા યોજના માટે અરજીઓ કરી છે પરંતુ અસંખ્ય ખેડૂતોને પાક વીમાની રકમ મળવાની બાકી છે. હાલના સંજોગોમાં એક તરફ રવિ સીઝનની વાવણી પણ શરૂ થઈ ગઈ છે પરંતુ પાક વીમાની રકમ ન મળતાં કેટલાય ખેડૂતો હજુ બિયારણ કે દવાઓ ખરીદી શક્યા નથી.
ત્યારે તંત્ર સામે ખેડૂતોએ બુધવારના રોજ હોબાળો કર્યો હોવાનું સામે આવ્યું હતું. જ્યારે પાક વીમો ચુકવવાનો તો શરૂ થઈ ગયો છે પરંતુ કરોડોની નુકશાની સામે માત્ર 2.25 લાખની જ સહાય હજુ સુધી ચુકવવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.
ખેતીમાં નુકશાની જાય તો ખેડૂતોને વીમા કવચ આપવાનું સરકારે નક્કિ કર્યું હતું. ત્યારે જિલ્લાના કેટલાય ખેડૂતોએ પાક વીમો લઈ લીધો હતો. પરંતુ વીમા કંપનીઓ જાણે ખેડૂતો સાથે મજાક કરતી હોય તેમ હજુ સુધી અસંખ્ય ખેડૂતોને પાક વીમો ચુકવ્યો નથી. જેના કારણે ધરતીપુત્રોમાં ભારે રોષ ફેલાયો છે. કેટલાક ખેડૂતોએ જણાવ્યું હતું કે અરવલ્લીમાં ૧૩ હજાર પાક વીમા માટે અરજીઓ કરવામાં આવી છે પરંતુ અત્યાર સુધી જિલ્લામાં માત્ર ૩૫ ખેડૂતોને જ પાક વીમાનું વળતર મળ્યું છે.
અરવલ્લી જિલ્લામાં સેકડો ખેડૂતોએ પાક વીમો લઈ પોતાનો પાક સુરક્ષીત કરી દીધો હતો. પાકમાં નુકશાની જાય તો પણ વીમો લેવાના કારણે વળતર મળી રહેશે તેવી આશાએ પાક વીમો તો લઈ લીધો હતો. પરંતુ હજુ સુધી માલપુર તાલુકામાં માત્ર બે ખેડૂતોને જ પાક વીમાની રકમ મળી હોવાનું જાણવા મળ્યું હતું.
જીલ્લાના ખેડૂતોની ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી માલપુર તાલુકાના કેટલાક ખેડૂતોએ જણાવ્યું હતું કે તંત્ર દ્વારા જો ખેડૂતોને ન્યાય નહીં મળે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. મહામહેનતે રાત દિવસ જોયા વગર ખેડૂતો ખેતરોમાં મજૂરી કરી અને વીમા કંપનીઓ પણ ખેડૂતોને હેરાન કરે તે ખેડૂતોથી સાંખી નહીં લેવાય.