1 લાખનો પગારની ખાનગી નોકરી કરતાં યુવક સાથે સગાઈનો ઈન્કાર કરતી યુવતી
જીવનસાથીની પસંદગીમાં યુવતીઓના માપદંડનો ઉંચો જઈ રહેલો ગ્રાફ ચિંતાજનક-સારી નોકરી, ઉંચો પગાર, પોતાનું મકાન-ગાડી અગર તો વ્યવસાય, લુક્સ થોડું ઓછુ હશે તો ચાલશે.. નો નવો ફંડા
(પ્રતિનિધિ) અમદાવાદ, આજકાલ આધુનિક યુગમાં લગ્નો ખૂબ જ ખર્ચાળ બની ગયા છે. સામાન્ય-મધ્યમ વર્ગને માટે તો એક તરફ વ્યવહાર કરવો પડે છે તો બીજી તરફ તોતિંગ ખર્ચા કરીને આગળ વધવુ પડતુ હોય છે. આશ્ચર્યની વાત તો એ છે કે ભણેલા-ગણેલા યુવાનો-યુવતીઓ મોટેભાગે સાદગીથી લગ્ન કરવાની જગ્યાએ ઝાકમઝોળમાં પડે છે આતશબાજી, જમણવારમાં ખાવાની મોંઘી ડીશ, ડી.જે. લગ્નની આગળની રાત્રે પાર્ટી વીથ ગરબા, સહેજે ૧૦ થી ૧પ લાખ તો સામાન્ય બની ગયા છે.
સામે પક્ષે લગ્નમાં હવે યુવતીઓનું જીવનસાથીની પસંદગીમાં ધોરણોના માપદંડનો ગ્રાફ ઊંચો જઈ રહયો છે. ખાનગી નોકરી કરતા યુવકો માટે તો લગ્નના બંધનમાં બંધાવુ મુશ્કેલ થઈ રહયુ છે.
યુવતીઓમાં સરકારી નોકરી, પોતાનું મકાન, વેપાર-ધંધો અગર તો ખાનગીમાં ઉંચા પગારની આશા રાખવામાં આવે છે ખાનગી પેઢી- સંસ્થાઓમાં પગાર ધોરણ કેટલા હોય છે તે સૌ કોઈ જાણે છે. જોકે યુવતીઓ એ ભૂલી જાય છે કે જયારે તેઓ તેમના ભાઈ માટે યુવતીની પસંદગી કરે છે ત્યારે સામે પક્ષે આવુ વિચારે તો ?!
તાજેતરમાં ઉત્તરપ્રદેશમાં ફરૂખાબાદમાં એક કિસ્સો બન્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. વાત જાણે એમ છે કે એક યુવતીના વિવાહ યુવક સાથે નક્કી થયા હતા. પરંતુ યુવતીએ તેની નોકરીને લઈને પ્રશ્ન ઉઠાવ્યા. યુવકના કુટુંબીજનોએ તેની પગાર સ્લીપ બતાવી જેમાં તેને લાખ રૂપિયા પગાર હતો તેમ જણાયું હતું. પરંતુ તેમ છતા યુવતીએ ઈન્કાર કરતા મહેમાનો સહિત સૌ કોઈ અવાચક થઈ ગયા હતા.
જોકે પાછળથી ખબર પડી કે યુવકે પોતે સરકારી નોકીર કરતો હોવાનું જણાવ્યું હતું. અહીંયા જો આ વાત સાચી હોય તો યુવકની મોટી ભૂલ ગણી શકાય. પરંતુ લાખ રૂપિયા પગાર કંઈ ઓછો ન કહેવાય. પરંતુ યુવતીઓ આજકાલ વેલસેટલ યુવાનોને વધારે પસંદ કરે છે. લુકસમાં યુવાન ન હોય તો ચાલે. પરંતુ ગાડી- બંગલો, પગાર સહિતની એશો આરામની સુવિધા જરૂરી છે
બધા કિસ્સામાં આવુ હોતુ નથી એ પણ હકીકત છે તેમ છતાં એવરેજ યુવતીઓ જીવનસાથીની પસંદગીમાં આ બધી બાબતોને ધ્યાનમાં રાખે છે. અગર કહીએ તો પ્રાયોરીટી આપે છે. ગુજરાત સહિત દેશભરમાં મોટી સંખ્યામાં યુવાનો લગ્નથી વંચિત રહે છે તે ચિંતાનો વિષય છે. ચોક્કસ સમાજોમાં તો છોકરીઓ મળતી નહીં હોવાથી બહારના રાજયોમાંથી યુવતીઓ કાયદેસર શોધીને લગ્ન કરાઈ રહયા છે. શહેરી વિસ્તાર છોડીને ગામડામાં જવા પણ યુવતીઓ તૈયાર થતી નથી આ એક કડવી વાસ્તવિકતા છે.