ખાણ વ્યવસાયીને હેરાન ન કરવા રૂ.5 લાખ લેતા સરપંચ પતિ સહિત બે ઝડપાયા
પ્રતિકાત્મક
અમદાવાદ (પ્રતિનિધિ) દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં કાળા પથ્થરની ખાણ ચલાવતા વ્યવસાયી પાસેથી લાંચ માંગવાના મામલે એન્ટી કરપ્શન બ્યુરોએ સફળ ટ્રેપ ગોઠવી બે વ્યક્તિઓને ઝડપી પાડ્યા છે.
ફરિયાદી અને તેના ભાગીદારની ખાણની કામગીરીમાં હરીપર ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો દ્વારા ખોટી હેરાનગતિ નહીં કરવામાં આવે તે માટે મોટી રકમની માંગણી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. શરૂઆતમાં રૂ.30 લાખની માંગણી કરવામાં આવી હતી, જે બાદ રકઝકના અંતે રૂ.20 લાખમાં સોદો નક્કી થયો હતો.
ફરિયાદ મુજબ હરીપર ગ્રામ પંચાયતના સરપંચના પતિ ડાયાભાઈ અરજણભાઈ પરમાર અને જીવાભાઈ અરજણભાઈ પરમારે ફરિયાદી પાસે લાંચની રકમની માંગણી કરી હતી. રૂ.20 લાખના નક્કી થયેલા સોદામાંથી પ્રથમ હપ્તા તરીકે રૂ.5 લાખ તાત્કાલિક ચૂકવવા દબાણ કરવામાં આવ્યું હતું.
ફરિયાદી લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ એ.સી.બી. દ્વારા કલ્યાણપુર મામલતદાર કચેરી સામે આવેલી દ્વારકાધીશ કોમ્પ્લેક્સમાં ટ્રેપ ગોઠવવામાં આવ્યો હતો.
ટ્રેપ દરમિયાન બંને આરોપીઓએ ફરિયાદી અને સાક્ષી સાથે હેતુલક્ષી વાતચીત કરીને રૂ.5 લાખની લાંચની રકમની માંગણી કરી હતી. ફરિયાદી પાસેથી રકમ સ્વીકારતાની સાથે જ એ.સી.બી.ની ટીમે બંને આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
સ્થળ પરથી રૂ.5 લાખની સંપૂર્ણ રકમ કબજે લેવામાં આવી હતી. જામનગર એ.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર. ગોહિલના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ હતી. સમગ્ર ઓપરેશનનું સુપરવિઝન મદદનીશ નિયામક જે.ડી. મેવાડા અને નાયબ નિયામક બલદેવસિંહ વાઘેલાએ કર્યું હતું.
