Western Times News

Gujarati News

ભારે વાહનની પાછળ લક્ઝરી બસ ઘૂસી: ડ્રાયવરને પતરા કાપી કાઢવો પડ્યો

બસ એટલી તીવ્ર ગતિમાં હતી કે આગળ જઈ રહેલા એક અજાણ્યા ભારે વાહનની પાછળ તે ધડાકાભેર ઘૂસી ગઈ 

સાબરકાંઠા, સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતો હિંમતનગર-શામળાજી નેશનલ હાઈવે ફરી એકવાર રક્તરંજિત બન્યો છે. હિંમતનગરના નવલપુર અને ભાટોડા ગામની સીમ નજીકથી પસાર થઈ રહેલી એક ખાનગી લક્ઝરી બસને ભયાનક અકસ્માત નડ્યો છે.

બસ એટલી તીવ્ર ગતિમાં હતી કે આગળ જઈ રહેલા એક અજાણ્યા ભારે વાહનની પાછળ તે ધડાકાભેર ઘૂસી ગઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બસના આગળના ભાગના અને ખાસ કરીને ડ્રાઈવર કેબિનના ફૂરચેફૂરચા ઊડી ગયા હતા. અકસ્માતને પગલે બસમાં સવાર મુસાફરોમાં ભારે કલ્પાંત અને ચીસાચીસ મચી ગઈ હતી.

આ ભયાનક દુર્ઘટનામાં બસમાં સવાર આશરે ૧૫ જેટલા મુસાફરોને શરીરે નાની-મોટી અને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જો કે, સૌથી કપરી સ્થિતિ બસના ચાલકની થઈ હતી.

અકસ્માત બાદ ડ્રાઈવર સ્ટીયરીંગ અને કેબિનના લોખંડના પતરા વચ્ચે ખરાબ રીતે ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ગાંભોઈ પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે સમયસૂચકતા વાપરીને તાત્કાલિક ‘ફાચર ટીમ’ (રેસ્ક્્યુ ટીમ) ને બોલાવી હતી.

ગેસ કટર અને આધુનિક સાધનો વડે બસના લોખંડના પતરા કાપીને આશરે અડધા કલાકની ભારે જહેમત બાદ લોહીલુહાણ હાલતમાં ડ્રાઈવરને બહાર કાઢી શકાયો હતો. ગંભીર ઈજાઓના કારણે બસ ચાલકની હાલત હાલમાં નાજુક હોવાનું તબીબો જણાવી રહ્યા છે.

સ્થાનિક લોકો અને પોલીસની મદદથી તમામ ૧૫ ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હિંમતનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તબીબોની ટીમ દ્વારા યુદ્ધના ધોરણે તેમની સારવાર શરૂ કરી દેવામાં આવી છે.

પ્રાથમિક અનુમાન મુજબ રાત્રિના સમયે ડ્રાઈવરને જોકું આવી જતાં અથવા સ્પીડ વધુ હોવાના કારણે આ અકસ્માત સર્જાયો હોઈ શકે છે. અકસ્માત સર્જાયા બાદ જે ભારે વાહનની પાછળ બસ અથડાઈ હતી, તેનો ચાલક વાહન લઈને ફરાર થઈ ગયો છે. ગાંભોઈ પોલીસે આ મામલે કાયદેસરનો ગુનો નોંધી, હાઈવેના સીસીટીવી ફૂટેજના આધારે તે અજાણ્યા વાહનને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા છે. પતરા કાપીને ડ્રાઈવરને બહાર કઢાયો


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.