Western Times News

Gujarati News

ચીખલી તાલુકાના નોગામા ગામના ભાવનાબેન કેન્ટીન ચલાવી મેળવી રહ્યા છે વાર્ષિક 10 લાખની આવક

ભાવનાબેન નવસારીમાં કલેક્ટર ઓફિસમાં એક કેન્ટીન ચલાવે છે અને સખી મંડળના અન્ય સભ્યો સાથે કેટરિંગ સેવાઓ પૂરી પાડે છે.

નવસારી,  જિલ્લાના ચીખલી તાલુકામાં આવેલા નોગામા ગામના ભાવનાબેન પટેલ આજે ગુજરાતના સફળ લખપતિ દીદી બન્યા છે, જેઓ આજીવિકા માટેની અનેકવિધ પ્રવૃત્તિઓ થકી વાર્ષિક લગભગ ₹10.16 લાખની કમાણી કરે છે. તેઓ વર્ષ 2014થી ગાયત્રી સખીમંડળ સાથે સંકળાયેલા છે,

જેના કારણે તેઓને ‘રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન’ હેઠળ યોજાતી મીટિંગો, વર્કશોપ અને જાગૃતિ કાર્યક્રમો દ્વારા વિવિધ સરકારી યોજનાઓ અને આજીવિકાની તકો વિશે જાણકારી મળી. મિશન મંગલમ પહેલથી પ્રેરિત થઈને અને તેઓના સ્વસહાય જૂથ એટલે કે ગાયત્રી સખીમંડળની સહાયથી તેમણે કેન્ટીન અને કેટરિંગ સેવાઓ આપવાનું કામ શરૂ કર્યું.

આજે, ભાવનાબેન નવસારીમાં કલેક્ટર ઓફિસમાં એક કેન્ટીન ચલાવે છે અને સખી મંડળના અન્ય સભ્યો સાથે કેટરિંગ સેવાઓ પૂરી પાડે છે. તેમની વાર્ષિક આવકમાં કેન્ટીન વ્યવસાયમાંથી ₹2 લાખ, કેટરિંગ સેવાઓમાંથી ₹5 લાખ, કૃષિમાંથી ₹1 લાખ અને અન્ય સ્ત્રોતોમાંથી ₹2.16 લાખનો સમાવેશ થાય છે, જેના કારણે તેમની કુલ વાર્ષિક કમાણી ₹10.16 લાખ થઈ ગઈ છે.

તેમણે અન્ય સરકારી યોજનાઓનો પણ લાભ મેળવ્યો છે, જેમકે લેપટોપ ખરીદવા માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પાસેથી લોન અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાસેથી આયુષ્માન કાર્ડ પણ મેળવ્યું છે. સખીમંડળમાં જોડાવાને કારણે ભાવનાબેનને આર્થિક સ્થિરતા મળી છે, તેમનું જીવનધોરણ સુધર્યું છે અને તેમનો આત્મવિશ્વાસ વધ્યો છે. હવે લખપતિ દીદી તરીકે તેઓ અન્ય મહિલાઓને આત્મનિર્ભરતા અને આર્થિક સશક્તિકરણ માટેની પ્રેરણા આપી રહ્યા છે.

PM મોદીના વડાપ્રધાન તરીકેના 12 વર્ષ: લખપતિ દીદી યોજના  ગ્રામીણ મહિલાઓની આવક સર્જન, ઉદ્યોગ સાહસિકતા અને નેતૃત્વની ક્ષમતાને આપી રહી છે નવી દિશા

ગુજરાતમાં 5.96 લાખથી વધુ લખપતિ દીદીઓ, મહિલા આર્થિક સશક્તિકરણમાં રાજ્યની નોંધપાત્ર પ્રગતિ

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગત 12 વર્ષોમાં મહિલાઓ ભારતની વિકાસયાત્રાનો એક અભિન્ન ભાગ બની છે. વડાપ્રધાનશ્રીએ સ્વચ્છ ભારત અભિયાન, પ્રધાનમંત્રી જન ધન યોજના, ઉજ્જવલા યોજના, પીએમ મુદ્રા યોજના, પીએમ આવાસ યોજના અને બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન જેવી પહેલો દ્વારા ‘વીમેન-લેડ ડેવલપમેન્ટ’ એટલે કે મહિલાઓના નેતૃત્વમાં વિકાસના વિઝનને સતત આગળ ધપાવ્યું છે.

આ તમામ પહેલોએ ઉદ્યોગસાહસિકતા, નાણાકીય સશક્તિકરણ અને જીવનનિર્વાહની વધુ સારી તકો દ્વારા નારીશક્તિને સશક્ત બનાવી છે. આ પહેલોમાં, ‘લખપતિ દીદી યોજના’ ગ્રામીણ મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા, તેમને ટકાઉ આવક મેળવવા માટે પ્રોત્સાહિત કરવા, નાણાકીય સ્વતંત્રતા અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવા માટે એક મુખ્ય પગલા તરીકે ઉભરી આવી છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ, ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપનીએ રાજ્યમાં 10 લાખ સંભવિત લખપતિ દીદીઓની ઓળખ કરી છે, જેમાંથી 5.96 લાખ મહિલાઓ હાલ લખપતિ દીદી બની ચૂકી છે. આ સિદ્ધિ રાજ્યભરમાં મહિલા-કેન્દ્રિત વિકાસની વધતી શક્તિ અને મહિલાઓના આર્થિક સશક્તિકરણની સફળતાને પ્રતિબિંબિત કરે છે.

રાજ્ય સરકારે જિલ્લા અને તાલુકા સ્તરે 124 માસ્ટર ટ્રેનર્સની નિમણૂક કરી છે, જેમને રાષ્ટ્રીય સ્તરના રિસોર્સ પર્સન્સ દ્વારા તાલીમ આપવામાં આવી છે. આ માસ્ટર ટ્રેનરોએ કૃષિ સખીઓ, પશુ સખીઓ અને બેંક સખીઓ સહિત 10,000થી વધુ કોમ્યુનિટી રિસોર્સ પર્સન્સ (CRPs)ને તાલીમ આપી છે, જેનાથી આ યોજનાનું જમીની સ્તરે અમલીકરણ મજબૂત બન્યું છે.

શું છે લખપતિ દીદી યોજના?

લખપતિ દીદી યોજના એ ભારત સરકારના દીનદયાળ અંત્યોદય યોજના – રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM) હેઠળ મહિલાઓ દ્વારા સંચાલિત ગ્રામીણ આજીવિકા કાર્યક્રમ છે. આ યોજનાનો ઉદ્દેશ ગ્રામીણ ક્ષેત્રની મહિલાઓને જૂથમાં સંગઠિત કરીને તેઓને આવશ્યક તાલીમ, આર્થિક સહાય, ધિરાણ અને બજાર વ્યવસ્થા ઉપલબ્ધ કરાવીને આર્થિક રીતે પગભર કરવાનો છે.

આ યોજના અંતર્ગત, સ્વ-સહાય જૂથોમાં કામ કરતી એવી મહિલાઓ જેમના પરિવારોની વાર્ષિક આવક ₹1 લાખથી વધુ છે, તેમને લખપતિ દીદી તરીકે ઓળખવામાં આવે છે. ગ્રામીણ વિકાસ મંત્રાલય ગ્રામીણ ભારતમાં SHGs દ્વારા આ યોજનાનો અમલ કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, DAY-NRLM માળખા હેઠળ ગુજરાત દેશમાં આ યોજના હેઠળ સક્રિય રાજ્યોમાંના એક તરીકે ઉભરી આવ્યું છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.