Western Times News

Gujarati News

ખેડા જિલ્લાના શિલ્પાબેન પંડ્યા કુદરતી શરબતના વ્યવસાયમાંથી મેળવે છે વાર્ષિક 10 લાખની આવક

નેનપુર ગામના શિલ્પાબહેને પંચામૃત, લીંબુ, સ્ટ્રોબેરી અને જામફળ જેવી ફ્લેવરમાં રંગો ઉમેર્યા વિના કુદરતી શરબત બનાવીને અન્ય મહિલાઓને પણ રોજગારી પૂરી પાડે છે.

ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના નેનપુર ગામના શિલ્પાબેન પંડ્યા તેમના ફૂડ પ્રોસેસિંગ એકમ દ્વારા સફળ લખપતિ દીદી બન્યા છે. તેઓ માર્ચ 2010થી શિલ્પા સખીમંડળ સાથે સંકળાયેલા છે, અને હાલમાં તેઓ નેનપુર વિલેજ ઓર્ગેનાઇઝેશન (VO) અને ક્લસ્ટર લેવલ ફેડરેશન (CLF) માં આ સખીમંડળના પ્રેસિડેન્ટ તરીકે સેવા આપી રહ્યા છે. શિલ્પાબહેને પોતાના સ્વ-સહાય જૂથને રિવોલ્વિંગ ફંડ મળ્યા પછી પંચામૃત, લીંબુ, સ્ટ્રોબેરી અને જામફળ જેવી ફ્લેવરમાં રંગો ઉમેર્યા વિના કુદરતી શરબત બનાવવાનું શરૂ કર્યું.

રૂરલ સેલ્ફ-એમ્પ્લોયમેન્ટ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (R-SETI) એટલે કે ગ્રામીણ સ્વ-રોજગાર તાલીમ સંસ્થાઓમાંથી ફૂડ પ્રોસેસિંગની તાલીમ મેળવ્યા પછી, તેઓએ પોતાના આ સાહસનો વધુ વિસ્તાર કર્યો. આજે તેમનું આ ફૂડ પ્રોસેસિંગ એકમ માત્ર તેના પરિવાર માટે નાણાકીય સ્થિરતા જ નહીં પરંતુ અન્ય મહિલાઓ માટે આજીવિકાની તકો પણ ઉભી કરે છે, અને મહિલાઓના નેતૃત્વ હેઠળના આર્થિક સશક્તિકરણમાં યોગદાન આપે છે.

ગુજરાતની લખપતિ દીદીઓના આ તો થોડાંક જ ઉદાહરણો છે. રાજ્યભરમાં આવી હજારો લખપતિ દીદીઓ છે, જેઓ સતત પ્રગતિ કરી રહી છે, વધુ ને વધુ આવક મેળવી રહી છે અને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની દૂરંદેશીપૂર્ણ પહેલ એવી આ લખપતિ દીદી યોજના ગ્રામીણ સ્તરે પરિવર્તનની એક સશક્ત પહેલ બનીને ઉભરી છે. આ યોજના મહિલાઓને ‘આત્મનિર્ભર ભારત’ અને ‘વિકસિત ભારત’ ના વિઝનમાં યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કરે છે.

PM મોદીના વડાપ્રધાન તરીકેના 12 વર્ષ: લખપતિ દીદી યોજના  ગ્રામીણ મહિલાઓની આવક સર્જન, ઉદ્યોગ સાહસિકતા અને નેતૃત્વની ક્ષમતાને આપી રહી છે નવી દિશા

ગુજરાતમાં 5.96 લાખથી વધુ લખપતિ દીદીઓ, મહિલા આર્થિક સશક્તિકરણમાં રાજ્યની નોંધપાત્ર પ્રગતિ

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગત 12 વર્ષોમાં મહિલાઓ ભારતની વિકાસયાત્રાનો એક અભિન્ન ભાગ બની છે. વડાપ્રધાનશ્રીએ સ્વચ્છ ભારત અભિયાન, પ્રધાનમંત્રી જન ધન યોજના, ઉજ્જવલા યોજના, પીએમ મુદ્રા યોજના, પીએમ આવાસ યોજના અને બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન જેવી પહેલો દ્વારા ‘વીમેન-લેડ ડેવલપમેન્ટ’ એટલે કે મહિલાઓના નેતૃત્વમાં વિકાસના વિઝનને સતત આગળ ધપાવ્યું છે.

આ તમામ પહેલોએ ઉદ્યોગસાહસિકતા, નાણાકીય સશક્તિકરણ અને જીવનનિર્વાહની વધુ સારી તકો દ્વારા નારીશક્તિને સશક્ત બનાવી છે. આ પહેલોમાં, ‘લખપતિ દીદી યોજના’ ગ્રામીણ મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા, તેમને ટકાઉ આવક મેળવવા માટે પ્રોત્સાહિત કરવા, નાણાકીય સ્વતંત્રતા અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવા માટે એક મુખ્ય પગલા તરીકે ઉભરી આવી છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ, ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપનીએ રાજ્યમાં 10 લાખ સંભવિત લખપતિ દીદીઓની ઓળખ કરી છે, જેમાંથી 5.96 લાખ મહિલાઓ હાલ લખપતિ દીદી બની ચૂકી છે. આ સિદ્ધિ રાજ્યભરમાં મહિલા-કેન્દ્રિત વિકાસની વધતી શક્તિ અને મહિલાઓના આર્થિક સશક્તિકરણની સફળતાને પ્રતિબિંબિત કરે છે.

રાજ્ય સરકારે જિલ્લા અને તાલુકા સ્તરે 124 માસ્ટર ટ્રેનર્સની નિમણૂક કરી છે, જેમને રાષ્ટ્રીય સ્તરના રિસોર્સ પર્સન્સ દ્વારા તાલીમ આપવામાં આવી છે. આ માસ્ટર ટ્રેનરોએ કૃષિ સખીઓ, પશુ સખીઓ અને બેંક સખીઓ સહિત 10,000થી વધુ કોમ્યુનિટી રિસોર્સ પર્સન્સ (CRPs)ને તાલીમ આપી છે, જેનાથી આ યોજનાનું જમીની સ્તરે અમલીકરણ મજબૂત બન્યું છે.

શું છે લખપતિ દીદી યોજના?

લખપતિ દીદી યોજના એ ભારત સરકારના દીનદયાળ અંત્યોદય યોજના – રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM) હેઠળ મહિલાઓ દ્વારા સંચાલિત ગ્રામીણ આજીવિકા કાર્યક્રમ છે. આ યોજનાનો ઉદ્દેશ ગ્રામીણ ક્ષેત્રની મહિલાઓને જૂથમાં સંગઠિત કરીને તેઓને આવશ્યક તાલીમ, આર્થિક સહાય, ધિરાણ અને બજાર વ્યવસ્થા ઉપલબ્ધ કરાવીને આર્થિક રીતે પગભર કરવાનો છે.

આ યોજના અંતર્ગત, સ્વ-સહાય જૂથોમાં કામ કરતી એવી મહિલાઓ જેમના પરિવારોની વાર્ષિક આવક ₹1 લાખથી વધુ છે, તેમને લખપતિ દીદી તરીકે ઓળખવામાં આવે છે. ગ્રામીણ વિકાસ મંત્રાલય ગ્રામીણ ભારતમાં SHGs દ્વારા આ યોજનાનો અમલ કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, DAY-NRLM માળખા હેઠળ ગુજરાત દેશમાં આ યોજના હેઠળ સક્રિય રાજ્યોમાંના એક તરીકે ઉભરી આવ્યું છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.