AMCનું ‘વોટર રિયુઝ મોડેલ’ : ટ્રીટેડ વોટરના પુનઃ ઉપયોગથી પાણી બચાવવાની અનોખી પહેલ
AI Image
ટ્રીટેડ વોટરના પુનઃઉપયોગ દ્વારા દર વર્ષે 1 થી 1.25 લાખ કરોડ લિટર પીવાલાયક પાણીની બચત
અમદાવાદ (પ્રતિનિધિ), અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ વિભાગ દ્વારા જળ સંરક્ષણ, ગંદા પાણીના શુદ્ધિકરણ અને તેના પુનઃઉપયોગના ક્ષેત્રમાં નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરનાર વોટર રિયુઝ મોડલને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યા છે. શહેરમાં ઉત્પન્ન થતા ગંદા પાણીને ટ્રીટ કરીને તેનો મહત્તમ પુનઃ ઉપયોગ થઈ શકે તે માટે સતત આયોજનબદ્ધ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
અમદાવાદ શહેરમાં 18 સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) કાર્યરત છે, જેની કુલ ટ્રીટમેન્ટ ક્ષમતા 1367 MLD છે. શહેરમાંથી દરરોજ આશરે 1320 થી 1350 MLD ગંદુ પાણી એકત્રિત થાય છે, જેનું સેકન્ડરી ટ્રીટમેન્ટ સુધીનુ શુદ્ધિકરણ કરીને વિવિધ સેકન્ડરી ઉપયોગો માટે ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
હાલમાં દરરોજ આશરે 300 થી 350 MLD ટ્રીટેડ પાણીનો ઉપયોગ સિંચાઈ, ગાર્ડનિંગ, વોશિંગ, વાહનોના ધોવાણ, ટોયલેટ ફ્લશિંગ અને ડીસિલ્ટિંગ કામગીરીમાં કરવામાં આવે છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની ક્ષમતામાં 377 MLD નો વધારો કરવામાં આવ્યો છે. ઉપરાંત રોજના 4 થી 6 MLD ટ્રીટેડ પાણીનો પુરવઠો ઔદ્યોગિક એકમોને પણ કરવામાં આવે છે, જેના કારણે ભૂગર્ભ જળ પરનો આધાર ધીમે ધીમે ઓછો કરી શકાશે. વોટર રિયુઝ મોડલના પરિણામે સાબરમતી નદીના જળસ્તરને જાળવી રાખવામાં મદદ મળી રહેશે,
ભૂગર્ભ જળનું સંરક્ષણ થઈ રહ્યું છે તેમજ દર વર્ષે આશરે 1 થી 1.25 લાખ કરોડ લિટર પીવાલાયક પાણીની બચત થવાથી પાણીના સંસાધનોનું વધુ અસરકારક સંચાલન શક્ય બન્યું છે. આ ઉપરાંત ટ્રીટેડ પાણીના પુનઃઉપયોગથી ઊર્જા-સઘન પમ્પિંગની જરૂરિયાતમાં ઘટાડો થવાથી અને ગ્રીનહાઉસ ગેસ (GHG) ઉત્સર્જનમાં ઘટાડો થવાથી કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવામાં પણ મહત્વપૂર્ણ યોગદાન મળે છે.
ક્લાઈમેટ સિટી એક્શન પ્લાનમાં વોટર રિયુઝ મોડલને કેન્દ્રસ્થાને રાખવામાં આવ્યું છે. આ મોડેલ ગંદા પાણીના શુદ્ધિકરણ અને પુનઃઉપયોગ દ્વારા મીઠા પાણીના ઉપયોગમાં ઘટાડો કરે છે, ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન ઓછું કરે છે.
ભવિષ્યને ધ્યાનમાં રાખીને AMC દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં 8 નવા STP પ્રોજેક્ટ્સ પર કામગીરી ચાલી રહી છે. જેમાં વાસણામાં 375 MLD, પીરાણામાં 424 અને 200 MLD, વિંઝોલમાં 250 અને 75 MLD, સોલામાં 30 MLD, જગતપુરમાં 15 MLD, ફતેહવાડીમાં 150 MLD ક્ષમતાના નવા પ્લાન્ટોનું નિર્માણ થઈ રહ્યું છે. આ તમામ પ્રોજેક્ટ્સ પૂર્ણ થયા બાદ આગામી પાંચ વર્ષમાં 8 STP મારફતે શહેરની ટ્રીટમેન્ટ ક્ષમતામાં આશરે 1519 MLDનો વધારો કરવામાં આવશે.
