Western Times News

Gujarati News

પાક. કબ્જાના કાશ્‍મીરમાં (PoK) પરિસ્‍થિતિ કાબુ બહાર થઈ: 120 લોકોના મોત

પાકિસ્‍તાન રેન્‍જર્સ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં એક પ્રદર્શનકારીનું મોત થયું હતું. તેના અંતિમ સંસ્‍કાર માટે શોક સભા યોજાઈ હતી.

નવી દિલ્‍હી, પાકિસ્‍તાન કબજા હેઠળના કાશ્‍મીરમાં પરિસ્‍થિતિ કાબુ બહાર થઈ ગઈ છે. પાકિસ્‍તાની સેનાએ પ્રદર્શનકારીઓની શોક સભા માટે ભેગા થયેલા લોકો પર ગોળીબાર કર્યો હતો. આ સીધી કાર્યવાહીમાં ન્‍યુઝ ૧૮ના અહેવાલ મુજબ ૧૨૦ના મોત થયા છે. અને ૩૦૦ થી વધુ લોકો ઘાયલ થયા છે.

આ વિસ્‍તારમાં બંધના એલાન અને વિરોધ પ્રદર્શન દરમિયાન હિસા ફાટી નીકળ્‍યા બાદ, જમ્‍મુ અને કાશ્‍મીર જોઈન્‍ટ આવામી એક્‍શન કમિટી એ પાકિસ્‍તાની સેના અને સુરક્ષા દળો પર ગંભીર આરોપો લગાવ્‍યા છે.

JAAC ના જણાવ્‍યા મુજબ, શાહઝૈબ હબીબ નામના એક પ્રદર્શનકારીના અંતિમ સંસ્‍કાર માટે શોક સભા યોજાઈ હતી. સંગઠનનો આરોપ છે કે પાકિસ્‍તાન રેન્‍જર્સ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં શાહઝૈબ હબીબનું મોત થયું હતું. સુરક્ષા દળોએ ગોળીબાર કર્યો ત્‍યારે તેમના અંતિમ સંસ્‍કાર માટે મોટી સંખ્‍યામાં લોકો એકઠા થયા હતા, જેના કારણે પરિસ્‍થિતિ હિસક બની ગઈ.

PoK માં હાલની અશાંતિનું મૂળ ઓક્‍ટોબર ૨૦૨૫ માં હસ્‍તાક્ષર કરાયેલ કહેવાતા મુઝફફરાબાદ કરાર હોવાનું માનવામાં આવે છે. આ કરાર પાકિસ્‍તાન સરકાર, PoK વહીવટીતંત્ર અને JAAC વચ્‍ચે ગયા વર્ષના હિસક વિરોધ પ્રદર્શનો બાદ થયો હતો.

તે સમયે, ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો અને આર્થિક કટોકટી વચ્‍ચે, સરકારે ઘણી મુખ્‍ય માંગણીઓ સ્‍વીકારવાનું વચન આપ્‍યું હતું. આ કરારમાં ઘઉં અને વીજળી પર સબસિડી, વિરોધ પ્રદર્શનોમાં માર્યા ગયેલા લોકોના પરિવારોને વળતર, વહીવટી સુધારા, માળખાકીય વિકાસ, શિક્ષણ અને આરોગ્‍ય સેવાઓમાં સુધારો અને સ્‍થાનિક લોકોના અધિકારોને મજબૂત બનાવવા જેવી જાહેરાતોનો સમાવેશ થતો હતો.

તે સમયે, આ કરારને પીઓકેમાં લાંબા સમયથી ચાલતી આર્થિક અને રાજકીય ફરિયાદોના ઉકેલમાં એક મોટી સફળતા માનવામાં આવતી હતી.

હવે, JAAC નો આરોપ છે કે કરારમાં આપવામાં આવેલા મોટાભાગના વચનો કાં તો પૂરા થયા નથી અથવા અવગણવામાં આવ્‍યા છે. તેનો આંશિક રીતે અમલ કરવામાં આવ્‍યો છે. સંગઠન કહે છે કે વારંવાર ખાતરી આપવા છતાં, માળખાકીય સુધારા, સબસિડી, જાહેર સેવાઓ, સ્‍થાનિક અધિકારો અને વિકાસ પ્રોજેક્‍ટ્‍સ પર કોઈ નક્કર પ્રગતિ થઈ નથી.

આ કારણોસર, સંગઠને ૯ જૂનથી સમગ્ર પ્રદેશમાં હડતાળ અને નવા આંદોલનનું એલાન કર્યું હતું. JAAC કહે છે કે જનતાને રાહત આપવાને બદલે, સરકારે વિલંબ કરવાનું ચાલુ રાખ્‍યું છે, જેનાથી જાહેર ગુસ્‍સો ભડક્‍યો છે. જો કે, પાકિસ્‍તાની અધિકારીઓ અન્‍યથા દાવો કરે છે. સરકારનું કહેવું છે કે JAAC ની મોટાભાગની માંગણીઓ પહેલાથી જ સ્‍વીકારાઈ ગઈ છે. જોકે, સ્‍થાનિક સ્‍વાયત્તતા, અનામત વિધાનસભા બેઠકો, રાજકીય વિશેષાધિકારો અને લાંબા ગાળાની સબસિડી વ્‍યવસ્‍થા જેવા મુદ્દાઓ પર મતભેદો હજુ પણ છે.

PoK ના ઘણા વીડિયો અને નિવેદનો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. એકમાં, એક યુવાન કાશ્‍મીરી છોકરી પાકિસ્‍તાની વહીવટીતંત્રને પ્રશ્ન કરતી જોવા મળે છે. તે કહે છે, અમે તમારી પાસે ઘઉં અને વીજળી માંગી હતી, પરંતુ તમે અમને ગોળીઓ આપી. આ કેવા પ્રકારની લોકશાહી વ્‍યવસ્‍થા છે?


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.