Western Times News

Gujarati News

ભારતનું ડેલિગેશન બાંગ્લાદેશની મુલાકાતે: ભારતના વિદેશ સચિવનું કડક વલણ

બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર જે હુમલા થઈ રહ્યા છે તે યોગ્ય નથી

નવી દિલ્હી, ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ બાંગ્લાદેશના હિન્દુઓ પર જે અત્યાચાર થઈ રહ્યો છે તેને લઈ બાંગ્લાદેશ સાથે કડક વલણ અપનાવ્યું છે. બાંગ્લાદેશમાં તેમણે હિન્દુઓ અને અલ્પસંખ્યકોની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું, “આ હુમલાઓ સહન નહીં થાય.

તેમની સુરક્ષા તમારે કરવી જોઈએ.” વિદેશ સચિવે બાંગ્લાદેશના વિદેશ સલાહકારને કહ્યું કે, “ભારત સકારાત્મક, રચનાત્મક અને હિતપૂર્ણ સંબંધ ઈચ્છે છે. જેથી બાંગ્લાદેશે પણ તેવી જ પ્રતિક્રિયા આપવી જોઈએ.”

બાંગ્લાદેશના વિદેશ સલાહકાર તૌહીદ હુસૈન સાથે વાતચીત કર્યા બાદ વિદેશ સચિવે કહ્યું કે, “અમે હાલના ઘટનાક્રમ પર પણ ચર્ચા કરી અને મેં અલ્પસંખ્યકોની સુરક્ષાને લઈને તેમને અવગત કર્યા.” સાથે જ તેમણે કહ્યું કે, “અમે સાંસ્કૃતિક અને ધાર્મિક સંપત્તિઓ પર જે હુમલો થયો તેને લઈને પણ વાત કરી હતી.” અગાઉ પણ વિદેશ સચિવે બાંગ્લાદેશના વિદેશ સલાહકાર સાથે હાઈલેવલ મીટિંગ કરી હતી.

વિદેશ સચિવે કહ્યું કે, “મેં આજે બાંગ્લાદેશની સરકારને ભારતની ઈચ્છા જણાવી દીધી છે. તેમની સાથે મળીને કામ કરવાની ઈચ્છા છે.” શેખ હસીનાની સરકાર ઉથલી ગયા બાદ પહેલી વાર ભારતનું કોઈ ડેલિગેશન બાંગ્લાદેશ ગયું છે. આ મુલાકાત એટલા માટે મહત્વની છે કારણ કે ભારત અને બાંગ્લાદેશના સંબંધો સતત ખરાબ થઈ રહ્યા છે અને ત્યાં હિન્દુઓ પર હુમલાની ઘટનાઓ પણ વધી રહી છે.

અગાઉ સપ્ટેમ્બરમાં વિદેશમંત્રી અને બાંગ્લાદેશના વિદેશ મામલાઓના સલાહકાર મોહમ્મદ તૌહીન હુસૈન વચ્ચે ન્યૂયોર્કમાં મુલાકાત થઈ હતી. તે સમયે જયશંકર સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભાગ લેવા પહોંચ્યા હતા. એવી પણ માહિતી સામે આવી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશની વચગાળાની સરકારના પ્રમુખ વચ્ચે મુલાકાત થઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.