Western Times News

Gujarati News

બોપલ- ઘૂમાની અનેક સોસાયટીઓમાં વહીવટદારોની કામગીરી સામે રહીશોમાં રોષ

જીલ્લા રજીસ્ટ્રારને વારંવાર રજૂઆત છત્તા સમસ્યા ઠેરની ઠેર: વહીવટદારોની કામગીરી શંકાના વમળમાંઃ સ્થાનિક પરિબળો સાથે મીલીભગતના આક્ષેપ

બોપલની ખોડિયાર ઉપવન તથા સ્ટર્લિંગ સીટી કો.ઓ. હાઉસિંગ સોસાયટીનાં પ્રશ્નોનો ઉકેલ ક્યારે આવશે? રહીશોમાં આક્રોશ

વહીવટદારો પર કામનો બોજો: અમુક સોસાયટીઓમાં વહીવટદારોનો અડીંગો, ચૂંટણીઓ યોજી કમિટી બનાવવામાં જવાબદારીપૂર્વકની બેજવાબદારી, સોસાયટીના સભ્યોમાં નારાજગી

અઠવાડિયામાં એક વખત ગણતરીના કલાકો માટે વહીવટદારોની “હવાઈ મુલાકાત” – સાંસદો, ધારાસભ્યો, કોર્પોરેટરોનું સ્થાનિકોના પ્રશ્નો પ્રત્યે ઉપેક્ષિત વલણ ?

(પ્રતિનિધિ) અમદાવાદ, “યે બેચારા, કામ કે બોજ કા મારા” વર્ષો પહેલા આપણે ટીવીમાં આ જાહેરાત જોતા હતા. જાહેરાતમાં બતાડનાર વ્યક્તિની કામના બોજા હેઠળ કેવી હાલત થાય છે તેનો ખ્યાલ આવે છે. આજકાલ અમદાવાદના બોપલ-ઘૂમા વિસ્તારમાં અનેક સોસાયટીઓમાં જીલ્લા રજીસ્ટ્રાર દ્વારા મૂકાયેલા વહીવટદારોની હાલત આવી થઈ છે. એક સાથે જુદી-જુદી સંખ્યામાં સોસાયટીઓની જવાબદારીથી કામના ભારણ હેઠળ વહીવટદાર દબાઈ ગયાં છે.

સોસાયટીના પ્રશ્નો ઉકેલવા તેમની પાસે પૂરતો સમય રહેતો નહી હોવાથી અનેક સોસાયટીઓનાં મહત્વના કામો ટલ્લે ચડી જતા હોવાના આક્ષેપો સ્થાનિક સોસાયટીના સભ્યો દ્વારા થઈ રહયા છે. જીલ્લા રજીસ્ટ્રારને અનેક વખત વર્ષોથી રજૂઆત કરીને સોસાયટીવાળા થાકી ગયા છે. પરંતુ જીલ્લા રજીસ્ટ્રાર કક્ષાએથી આ દિશામાં કોઈ સુધારાત્મક પગલા લેવાતા નથી. પરિણામે સોસાયટીના રહીશો શાસક પક્ષના સાંસદો, ધારાસભ્યો અને કોર્પોરેટરો પર આશાની મીંટ માંડી છે.

પરંતુ કોણ જાણે આ વિસ્તારની સોસાયટીના પ્રશ્નો પ્રત્યે દુર્લક્ષ સેવવામાં આવી રહયુ હોવાની પ્રતિતિ રહીશોને થઈ રહી છે. ચૂંટણીના સમયે મત માટે આવતા રાજકીય આગેવાનો સોસાયટીના પ્રશ્નો પ્રત્યે કેમ આંખ આડા કાન કરી રહયા છે તે કોઈને સમજાતુ નથી. વહીવટદારોને સોસાયટીઓમાં કામ માટેનો સમયગાળો મર્યાદિત હોવાથી મોટાભાગના કામ પેન્ડિંગ પડયા રહે છે. જો વહીવટદાર વ્યવસ્થિત કામ ન કરે તો નાગરિકો જીલ્લા રજીસ્ટ્રાર સમક્ષ રાવ માટે જાય છે.

પરંતુ ત્યાંથી પણ સકારાત્મક પ્રત્યુત્તર ન મળે તો છેવટે સોસાયટીના રહીશો શાસક પક્ષ પ્રત્યે કમસેકમ તેમના પ્રશ્નોની બાબતમાં ઉકેલની આશા રાખી શકે છે તેમાં ખોટુ પણ નથી. વહીવટદારોને માટે તો “ઓછા હાથ ઝાઝા કામ”ની સ્થિતિનું નિર્માણ થાય છે. ઓછા વહીવટદારોની સામે સંખ્યાબંધ સોસાયટીઓ વહીવટદારો હસ્તક મૂકવામાં આવી હોવાથી ઘણી બધી મુશ્કેલીઓ આવી બધી સોસાયટીઓમાં નડી રહી છે.

બીજી તરફ એવુ પણ જાણવા મળેલ છે કે વહીવટદારો દ્વારા સોસાયટીઓને અમુક સમય સુધીમાં તેનો ખાડે ગયેલો વહીવટ અને બીજા પ્રશ્નોને સુવ્યવસ્થિત કરીને સોસાયટીઓનું તંત્ર સીધા પાટે લાવીને જે તે સોસાયટીઓમાં રહેતા સભ્યોની કમિટી બનાવીને તેમને વહીવટ સોંપી દેવાની કાર્યપધ્ધતિને આવા વહીવટદારો દ્વારા જવાબદારીપૂર્વક કરાતી નથી અને તેને કારણે સોસાયટીઓની સંખ્યામાં સતત ઉમેરો થયા કરે છે.

વહીવટદારોને સંખ્યાબંધ સોસાયટીઓની જવાબદારી માથે આવી પડે છે પરિણામે વહીવટદારોને અઠવાડિયામાં ફકત એક કે બે દિવસ દરેક સોસાયટી દીઠ કામ કરવાની જવાબદારી આવે છે. તેમાં પણ અઠવાડિયામાં ફકત અમુક કલાકો માટે તેઓ કામગીરી અર્થે આવે છે આવી પરિસ્થિતિમાં તેઓ કેવી રીતે પ્રશ્નોનો ઉકેલ લાવી શકે ? જીલ્લા રજીસ્ટ્રારે આ દિશામાં લાંબી કવાયત કરવી પડે તેમ છે. સોસાયટીઓના પ્રશ્નોનો નિકાલ ન થાય તો છેવટે દોષનો ટોપલો ઉચ્ચ આસન પર બિરાજમાન અધિકારીઓના માથે આવે તે સ્વાભાવિક છે.

સોસાયટીઓનાં ખાડે ગયેલા તંત્રને પાટા પર લાવવા માટે વહીવટદારોની નિમણૂંક થાય છે પરંતુ મોટાભાગની સોસાયટીઓમાં વહીવટદારોના વહીવટ સામે મેમ્બર્સ દ્વારા નારાજગી દર્શાવાય છે. જો જીલ્લા રજીસ્ટ્રાર આ દિશામાં અસરકારક પગલા લે તો તે એક દિશાસૂચક સાબિત થઈ શકે છે. બોપલ-ઘૂમા વિસ્તારની અનેક સોસાયટીઓમાં આવી પરિસ્થિતિનું નિર્માણ થયેલ છે

તે સોસાયટીઓના સભ્યો દ્વારા વારંવાર જીલ્લા રજીસ્ટ્રારને લેખિતમાં ફરિયાદો કરવા છતાં કોઈ પગલાં લેવાયા નથી આ ફરિયાદોનું કોઈ નિરાકરણ નહી લાવીને જીલ્લા રજીસ્ટ્રાર શું દર્શાવવા માંગે છે ? કહેવાય છે કે “આગ લાગે ત્યાં ધૂમાડો જરૂર હોય છે” અમુક સોસાયટીના સભ્યો તો એવુ પણ કહેતા સાંભળવા મળ્યા છે

કે તેમની સોસાયટીના વહીવટદારને ઘણો મોટો કથિત વહીવટ ચાલતો હોવાથી તે લોકો તે સોસાયટીઓનાં કોઈ પ્રશ્નનું નિરાકરણ નહિ લાવીને પોતાનો અડીંગો જમાવીને બેઠા છે. સ્થાનિકોના આક્ષેપો અનુસાર કેટલેક ઠેકાણે તો તેઓ મોટા માથાઓના હાથા બનીને સોસાયટીઓનાં સભ્યોની નવી કમિટીઓ કે ચૂંટણીઓ પણ યોજતા નથી કાં યોજવા દેતા નથી તો તેનો રેલો છેક જીલ્લા રજીસ્ટ્રારની ઓફિસ સુધી પહોંચતો હોવાનાં આક્ષેપો થઈ રહયા છે.

જીલ્લા રજીસ્ટ્રારો દ્વારા અમુક સમયમર્યાદામાં વહીવટને ઠેકાણે લાવીને ચૂંટણીઓ કરવાનું અને સોસાયટીનાં નવા ચૂંટાયેલા સભ્યોને વહીવટ સોંપીને પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ બીજી નવી જવાબદારી સ્વીકારવાની વ્યવસ્થા કરવી જોઈએ. તેના બદલે અડીંગો જમાવીને બેઠેલા વહીવટદારો જુદા-જુદા પ્રકારના બહાના હેઠળ જીલ્લા રજીસ્ટ્રારનાં આદેશોને પણ અવગણીને જેતે સોસાયટીઓમાં વહીવટ પોતાના હસ્તક રાખી

અને જુદા-જુદા કામો હેઠળ ઘી-કેળાં તો કરતા નહી હોય ને તેવી આશંકા સ્થાનિકોમાં ઉભી થઈ રહી છે. બોપલની અમુક મોટી સોસાયટીઓમાં થયેલા કેટલાક કથિત ગેરકાયદે કામોમાં આ વહીવટદારો દ્વારા કોઈ પગલાં કેમ લેવાતાં નથી ? આ કથિત ગેરકાયદે કામો કરનાર લોકો શું અન્ય માર્ગે જે તે વહીવટદારો પર પોતાનો પ્રભાવ પાડી રહયા છે ??

સોસાયટીઓમાં યેનકેન પ્રકારે નવી કમિટી કે મેમ્બર્સ ચૂંટાઈને ઉભા ન થાય તેવું વાતાવરણ અને કામગીરી કરતા હોવાની આશંકા સ્થાનિક સોસાયટીઓના મેમ્બર્સમાં મજબૂત થઈ રહી છે. હવે સમય આવ્યો છે કે શાસિત સરકાર આ બધી સોસાયટીઓનાં સભ્યોની નારાજગી દૂર કરે. નહી તો આવનારી ચૂંટણીમાં પ્રજાની નારાજગીની ધરી ઉભી થાય અને તકલીફો ઉભી થાય તે પ્રકારનું વાતાવરણ સર્જાવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. પ્રજાની નારાજગી દૂર કરવાની સત્તાધીશોની પ્રાથમિક ફરજ છે અને આ દિશામાં ઝડપથી કામ થાય તેવી અપેક્ષા સ્થાનિકો રાખી રહયા છે.

ગઈ ચૂંટણીમાં પણ બોપલની અમુક સોસાયટીનાં સભ્યોએ તેમના વિસ્તારના ઉમેદવારોને આ બાબતે રજૂઆત કરી હતી અને તેનો ઉકેલ લાવી આપવાની ખાતરી પણ મેળવી હતી. તેમ છતાય ચૂંટણી પતી ગયાને ઘણો સમય થયો હોવા છતાં હજુ સુધી કોઈ સુધારો થયો નથી અને સુધારો થાય તેવી પરિસ્થિતિ દેખાતી નથી. જેને કારણે આ વિસ્તારની સોસાયટીના સભ્યોમાં વ્યાપક નારાજગી પ્રવર્તી રહી છે

આવી સોસાયટીઓમાં બોપલની ખોડિયાર ઉપવન સોસાયટી, સ્ટર્લીંગ સોસાયટી જેવી મોટી સોસાયટીઓ પણ આ સમસ્યાથી બાકાત નથી રહી, સોસાયટીઓના રહીશો આ બાબતે સતત પ્રયત્નશીલ રહેવા છતાંય વહીવટદારો તેમને કોઈ દાદ દેતા નથી. જીલ્લા રજીસ્ટ્રારને પણ વર્ષોથી સંખ્યાબંધ ફરિયાદો ગઈ છે તેમ છતાં રજીસ્ટ્રારો બદલાય છે

પણ આ સોસાયટીઓના વહીવટદારો માટે તો જાણે આજીવન પદ લખી આપ્યુ હોય તેમ દેખાઈ રહયુ છે. શાસિત સરકાર અને જવાબદાર સાંસદો, ધારાસભ્યો, કોર્પોરેટરો ગંભીર પ્રકારની નોંધ લઈને અને આ તમામ પ્રશ્નોનો ઝડપી ઉકેલ લાવે તેવી સંખ્યાબંધ સોસાયટીઓના સભ્યોની લાગણી છે તેવુ જાણવા મળેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.