હોળી એટલે નાત-જાત, કોમ, વર્ગ બધું ભૂલીને આપણા આત્માને શુદ્ધ કરવાનો દિવસ: મુખ્યમંત્રી
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ બિહાર દિવસ અને ફાલ્ગુન મહોત્સવમાં રહ્યા ઉપસ્થિત –ગુજરાતની ધરતી પર બિહાર દિવસની ઉજવણી બન્ને રાજ્યો વચ્ચેનો ગાઢ સાંસ્કૃતિક સંબંધ બતાવે છે : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
- ભારતના સામાજિક-સાંસ્કૃતિક એકીકરણ માટે તહેવારોની સહિયારી ઉજવણી જરૂરી
- વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં શરૂ થયેલા ભારતીય સાંસ્કૃતિક નવજાગરણ સાથે હવે આપણે સિદ્ધિઓનાં નવાં શિખરો સર કરવાનાં છે
- વડાપ્રધાનશ્રીએ શરૂ કરેલી જનસેવાની યાત્રા ડબલ એન્જિન સરકાર સુપેરે આગળ વધારી રહી છે
અમદાવાદ ખાતે હિન્દીભાષી મહાસંઘ દ્વારા આયોજિત બિહાર દિવસ તથા ફાલ્ગુન મહોત્સવમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ગુજરાતની ધરતી પર બિહાર દિવસની ઉજવણી બન્ને રાજ્યો વચ્ચેનો ગાઢ સાંસ્કૃતિક સંબંધ બતાવે છે. ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’નો મંત્ર આપનારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી છેલ્લાં દસ વર્ષમાં પ્રદેશ-પ્રદેશ વચ્ચેના સાંસ્કૃતિક અનુબંધ તથા સંબંધોની તીવ્ર ભાવના દેશવાસીઓમાં જગાવી છે. દેશમાં ભારતીય સાંસ્કૃતિક નવજાગરણનો પ્રારંભ થયો છે અને હવે આપણે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં સિદ્ધિઓનાં નવાં શિખરો સર કરવાનાં છે, એવું તેમણે ઉમેર્યું હતું.
હોળી પર્વની શુભેચ્છાઓ પાઠવતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે હોળી એટલે નાત-જાત, કોમ, વર્ગ બધું ભૂલીને આપણા આત્માને શુદ્ધ કરવાનો દિવસ. હોળી-ધુળેટીનું પર્વ સમગ્ર દેશવાસીઓ સાથે મળીને ઉત્સાહથી ઊજવતા હોય છે. ભારતના સામાજિક-સાંસ્કૃતિક એકીકરણ માટે તહેવારોની સહિયારી ઉજવણી જરૂરી છે, એવું તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશવાસીઓએ સુશાસનનો અનુભવ કર્યો છે. વડાપ્રધાનશ્રીએ શરૂ કરેલી જનસેવાની યાત્રા ડબલ એન્જિન સરકાર સુપેરે આગળ વધારી રહી છે. આવનારાં વર્ષોમાં ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક મહાસત્તા બનાવવાની વડાપ્રધાનશ્રીની ગેરન્ટી છે. દેશમાં એક તરફ જનકલ્યાણલક્ષી યોજનાઓ દ્વારા 25 કરોડથી વધુ લોકો ગરીબીમાંથી બહાર લવાયા છે તો બીજી તરફ દેશમાં વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થઈ રહ્યું છે. વડાપ્રધાનશ્રીએ દરેક નાગરિકની પરિવારજન જેવી કાળજી લીધી છે અને એટલે જ આજે એકસો ચાલીસ કરોડ દેશવાસીઓ ‘મોદીજી કા પરિવાર’ બની તેમની પડખે ઊભા છે, એવું તેમણે ઉમેર્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં અયોધ્યામાં ભવ્ય રામમંદિર થકી દેશવાસીઓની ૫૦૦ વર્ષની પ્રતિક્ષાનો અંત આવ્યો છે. દેશની નારીશક્તિને ૩૩ ટકા અનામત પ્રાપ્ત થઈ છે તો કરોડો દેશવાસીઓને આયુષ્યમાન ભારત કાર્ડ થકી આરોગ્ય કવચ પ્રાપ્ત થયું છે.
વડાપ્રધાનશ્રીના વિકસિત ભારતના સંકલ્પને સૌ સાથે મળીને વિકસિત ગુજરાતના નિર્માણ થકી સાકાર કરીશું, એવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા, સ્થાનિક ધારાસભ્યશ્રીઓ, હિંદીભાષી મહાસંઘના પ્રમુખ ડૉ. મહાદેવ ઝા, ગુજરાતમાં વસેલા હિંદીભાષી લોકો તથા નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.