Western Times News

Gujarati News

ભારત કરપ્શન ઈન્ડેક્સમાં ૯૩મા નંબરે

કરપ્શન સામેની લડાઈમાં ભારતને ધારી સફળતા હજુ પણ મળી નથી

નવી દિલ્હી, ભારતમાં ટેક્નોલોજીની મદદથી અને નોટબંધીથી ભ્રષ્ટાચાર ઘટશે તેવી માન્યતા હતી પરંતુ ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલના રિપોર્ટ પ્રમાણે છેલ્લા એક વર્ષમાં ભારતમાં ભ્રષ્ટાચારમાં કોઈ મોટો ફેરફાર નથી થયો.

વિશ્વના ૧૮૦ દેશોમાં કરપ્શનના આધારે એક રેન્કિંગ આપવામાં આવ્યું છે જેમાં ભારત ૯૩મા સ્થાન પર છે. વર્ષ ૨૦૨૩માં ભારતને ૩૯નો સ્કોર મળ્યો હતો અને ૯૩મું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તેનાથી એક વર્ષ અગાઉ ૨૦૨૨માં ભારતનો સ્કોર ૪૦ હતો અને તેનું રેન્ક ૮૫ હતું.

આ ગણતરીમાં સ્કોર જેટલો ઓછો તેટલો દેશ વધારે પારદર્શક. અને સ્કોર જેમ વધારે તેમ કરપ્શન પણ વધારે. ભારત એ બાબતમાંથી કદાચ દિલાસો લઈ શકે કે સાઉથ એશિયામાં ભારતના પડોશી દેશો ભારત કરતા પણ વધુ ભ્રષ્ટ છે. ઉદાહરણ તરીકે પાકિસ્તાનને ૧૩૩મો ક્રમ મળ્યો છે જ્યારે આ લિસ્ટમાં શ્રીલંકા ૧૧૫મા ક્રમ પર છે. પરંતુ આ બે દેશો જંગી દેવાના બોજ હેઠળ દબાયેલા છે.

ભારતનો પડોશી દેશ ચીન આ લિસ્ટમાં ૭૬મા ક્રમે છે જે ભારત કરતા ૧૪ ક્રમ આગળ છે. છેલ્લા એક દાયકામાં ચીને ભ્રષ્ટ અધિકારીઓ સામે સખત કાર્યવાહી કરી છે અને ૩૭ લાખ ઓફિસરોને પકડીને આકરી સજા કરી છે.

સૌથી ઓછા ભ્રષ્ટ અથવા પ્રામાણિક દેશોની વાત કરવામાં આવે તો તેમાં ડેનમાર્ક નંબર વન છે અને તેને ૯૦ ગુણ મળ્યા છે. બીજા નંબર પર ફિનલેન્ડને ૮૭ પોઈન્ટ મળ્યા છે. ન્યૂઝિલેન્ડ ૮૫ પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે અને નોર્વે ૮૪ પોઈન્ટ સાથે ચોથા ક્રમે છે. ત્યાર પછી સિંગાપોર, સ્વીડન અને સ્વિટ્‌ઝર્લેન્ડનો વારો આવે છે.

સૌથી ભ્રષ્ટ દેશોની વાત કરવામાં આવે તો તેમાં સોમાલિયાનું નામ લેવાય છે જેને ૧૧ પોઈન્ટ મળ્યા છે. ત્યાર પછી વેનેઝુએલા, સિરિયા, સાઉથ સુદાન, યેમેન, નિકારાગુઆ અને નોર્થ કોરિયામાં ભારે ભ્રષ્ટાચાર છે. દુનિયાના સૌથી ઓછા ભ્રષ્ટ અથવા પારદર્શક દેશો જોવામાં આવે તો તેમાંથી મોટા ભાગના યુરોપના છે.

સરકારી વ્યવસ્થા અને પારદર્શિતાની બાબતમાં નોર્થ કોરિયા, મ્યાનમાર, અફઘાનિસ્તાનની હાલત સૌથી ખરાબ છે અને આ દેશોમાં અત્યાર સુધીની સૌથી ગંભીર માનવીય કટોકટીની સ્થિતિ છે. આ રિપોર્ટમાં જણાવાયું છે કે પાકિસ્તાનમાં તંત્ર ભ્રષ્ટ છે, પરંતુ સુપ્રીમ કોર્ટે લોકોના અધિકાર વધારવા માટે કેટલાક પગલાં લીધા છે. પાકિસ્તાનમાં નાગરિકોને રાઈટ ટુ ઈન્ફોર્મેશન હેઠળ વધુ તાકાત મળી છે.

બાંગ્લાદેશ પણ સૌથી ઓછા વિકસીદ દેશોના સ્ટેટસમાંથી બહાર આવ્યું છે. બાંગ્લાદેશને પોતાની ગરીબી ઘટાડવામાં સફળતા મળી છે અને લોકોનું જીવનધોરણ સુધરી રહ્યું છે. જોકે, સરકાર અને મીડિયા વચ્ચે ટક્કર ચાલે છે અને પ્રેસને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

પારદર્શિતાની બાબતમાં ભારતમાં સ્થિતિ સુધરવાના બદલે બગડે તેવી શક્યતા છે. તેનું કારણ છે કે સરકારે નવો ટેલિકોમ ધારો પસાર કર્યો છે જેના કારણે લોકોના મૂળભૂત અધિકારો જોખમાય તેવી શક્યતા છે. આગામી લોકસભાની ચૂંટણી અગાઉ લોકોના નાગરિક અધિકારી દબાવવામાં આવે તેવી શક્યતા આ રિપોર્ટમાં વ્યક્ત કરવામાં આવી છે.

માહિતીના અધિકારના કાયદા દ્વારા ભારતમાં સરકારી અધિકારીઓની જવાબદારી નક્કી કરી શકાશે એવું માનવામાં આવતું હતું. પરંતુ તેનાથી પણ ધાર્યા પરિણામો મળ્યા નથી. માહિતીના અધિકારના કાયદાને અગાઉની તુલનામાં હળવો બનાવવામાં આવ્યો છે અને ઘણી વખત તેનો દુરુપયોગ થાય છે. તેથી ભારતમાં હજુ પણ ભ્રષ્ટાચારની સમસ્યા યથાવત છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.