જેતપુરમાં ૧૪ વર્ષ પહેલાં બનેલી શાકભાજી માર્કેટ હરાજીના અભાવે બિસ્માર
શાકભાજીનાં ફેરીયાઓ મુખ્યમાર્ગ પર ધંધો કરવા મજબૂર, ટ્રાફીક જામની સમસ્યાથી લોકો ત્રાહિમામ
જેતપુર, જેતપુર નગરપાલિકા દ્વારા ૧૪ વર્ષ પુર્વ શહેરના કણકીયા પ્લોટમાં બનાવાયેલી શાકભાજી માર્કેટ હરાજી ન થવાના વાંકે બિસ્માર અને અસામાજીક તત્વોનો અડ્ડો બની ગઈ છે. વળી શાકભાજીના ફેરીયાઓ શહેરના મુખ્ય માર્ગ પર સરકારી હોસ્પિટલ સામેલારી રાખી ઉભા રહે છે. જેનાં કારણે ટ્રાફીક જામની સમસ્યા તેમજ રાહદારીઓ પશુઓની ઢીકે ચડવા જેવી સમસ્યા પણ ઉદ્ભવી રહી છે.
જેતપુર નગરપાલિકા દ્વારા ૧૪ વર્ષ પૂર્વે શહેરના બસ સ્ટેન્ડ પાછળ કણકીયા પ્લોટ વિસ્તારમાં જુના વોલીબોલ મેદાનમાં લાખો રૂપિયાનાં ખર્ચે શાકભાજી માર્કેટ બનાવાઈ હતી.
જેનાથી શહેરીજનો અનેક આશા સેવી રહયા હતા. શાકભાજી માર્કેટ માટે નગરપાલિકા દ્વારા ૧૧૪ થડા બનાવાયાં હતા. તેની હરાજી માટે કલેકટરે તંત્રમાં વર્ષ ર૦૧પમાં દરખાસ્ત કરવામાં આવી હતી. પરંતુ તત્કાલીન સમયે સ્થાનીક વિસ્તારમાં ભાવ મુલ્યાંકન બાબતે તે દરખાસ્ત નામંજૂર થઈ હતી. હવે ફરીથી દરખાસ્ત તૈયાર કરી થડાની હરાજીમાટે સરકારમાં મોકલવામાં આવી હોવાનું નગરપાલિકાના હેડ કલાર્ક દીપક પટોળીયાએ જણાવ્યું છે.
૧૪-૧૪ વર્ષ જેટલા લાંબા સમયથી આ ખુલ્લી માર્કેટ રેઢી પડી હોવાથી તે અસામાજીક તત્વોનો અડ્ડો બની ગઈછે. અહી ચારે બાજુ દેશી દારૂની ખાલી પોટોલીઓ તેમજ અંગ્રેજી દારૂની બોટલો જોવામળે છે.
ઉપરાંત બે વર્ષે પુર્વ અહી અગાસી પર એક યુવાનની હત્યા જેવો ગંભીર બનાવ પણ બન્યો હતો. જેથી આ શાકભાજી માર્કેટ કોઈ પણ ભોગે તાત્કાલીક હરાજી કરી શાકભાજીના ફેરીયાઓને આપવામાં આવે તો શહેરીજનોને ટ્રાફીકજામમાંથી મુકિત, રેઢીયાળ ઢોર શાકભાજીનો કચરો ખાવા રોડ પર પડયા પાથર્યા રહે છે. તેમાંથી મુકિત તેમજ અસામાજીક તત્વો પણ દુર થાય અને ગુનાહીત નગરપાલિકાને ભાડાની આવક પણ ચાલુ થઈ જાય તેમ છે.