Western Times News

Gujarati News

અગ્નિપથની જ્વાળાએ ગુજરાતને પણ દઝાડી: જામનગરમાં અગ્નિપથનો વિરોધ કરનારા પર લાઠીચાર્જ

જામનગર, જામનગર શહેરમાં આજે અગ્નિપથ નો વિરોધ કરવા આવેલા ૧૧ થી વધુ જિલ્લાના યુવાનો અને પોલીસ વચ્ચે ટ્રાફિક જામ મુદ્દે થોડું ઘર્ષણ થયું હતું, અને પોલીસ દ્વારા કેટલાક યુવાનો પર હળવો લાઠીચાર્જ કરવાનો પ્રયત્ન કર્યો હતો, જ્યારે અડધો ડઝન જેટલા યુવાનોની થોડી ક્ષણો માટે અટકાયત પણ કરી હતી. આખરે ટોળા વિખેરાયા હતા.

જામનગરના આર્મી એરિયાને દ્વારે અગ્નિપથનો વિરોધ કરવા માટે આવેલા કેટલાક યુવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. આર્મીના રિક્રુટમેન્ટ ઓફિસર દ્વારા રજૂઆત કરવા માટે આવેલા ૨૦ જેટલા યુવાનોને બોલાવીને તેઓ સાથે મસલતો કર્યા પછી તેઓની લેખિત સ્વરૂપમાં રજૂઆત લઇ લેવામાં આવી હતી, અને ઉચ્ચ કક્ષાએ સમગ્ર મામલાની વાત કરવાની ખાતરી આપ્યા પછી વીસ લોકોનું પ્રતિનિધિમંડળ આર્મી એરિયામાંથી બહાર આવ્યું હતું, અને સર્વે યુવાનોને પોતાના ઘેર જવાનું કહ્યું હતું.

દરમિયાન કેટલાક યુવાનો ઉશ્કેરાયા હતા, અને સૂત્રોચ્ચાર કર્યો હતો. જ્યારે રસ્તા પર ટ્રાફિક અવરોધે તેવી પરિસ્થિતિ હોવાથી પોલીસે રસ્તો ખુલ્લો કરવા માટે બળપ્રયોગ કર્યો હતો. તે દરમિયાન ઘર્ષણ થતાં કેટલાક યુવાનો ઇન્દિરા માર્ગ પરથી ખસેડવા માટે પોલીસ દ્વારા લાકડીઓ વિંજવામાં આવી હતી. જેથી નાસ ભાગ થઈ હતી.

દરમિયાન પોલીસ તંત્ર દ્વારા છ જેટલા યુવાનોની અટકાયત કરીને પોલીસ વેનમાં બેસાડી દેવામાં આવ્યા હતા. જેથી ટોળા વિખેરાયા હતા. જાેકે પાછળથી તમામ યુવાનો ને મુક્ત કરી દેવાયા છે, અને હાલ સજજડ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે, અને અંબર રોડ તેમજ ઈન્દિરા માર્ગ સહિતનો ટ્રાફિક જળવાયેલો રહે, તે માટે પોલીસ પહેરો ગોઠવી દેવાયો છે.SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.