Western Times News

Gujarati News

કયા પ્રકારના ૧૦ લોકોના ઘરે ભોજન કરવાથી આપણે મુસીબતમાં મુકાઈ શકીએ છીએ..

ગરૂડ પુરાણના આચાર કાંડમાં ખૂબ જ વિસ્તાર પૂર્વક આ બાબતે સ્પષ્ટતા કરવામાં આવી છે.આવો જોઈએ કે કયા ૧૦ લોકોના ઘરે ભોજન કરવાથી આપણે મુસીબતમાં મુકાઈ શકીએ છીએ..

(૧) ચોર અને અપરાધીઃ જો કોઈ વ્યક્તિ ચોરી કરતો હોય કે અપરાધી સિદ્ધ થઈ ગયો હોય અને આપણે એ જાણતા હોઈએ તો એના ઘરે ભોજન કદી ન કરવું કારણ કે ચોરી કરેલા પૈસામાંથી એનું ભોજન બને છે અને એ ભોજન ગમે તેવું હોય તો પણ તમારા પેટમાં એ કીડા પેદા કરે છે.આવા વ્યક્તિના ઘરે ભોજન કરવાથી તમે પણ એની ચોરીના પાપના ભાગીદાર બનો છો અને તેનું ખરાબ ફળ ભોગવવું પડે છે.

(૨) વ્યાજખોર વ્યક્તિઃ અત્યારે અનેક લોકો વ્યાજનો ધંધો કરે છે.વ્યાજ ખાવું એ એક મોટું પાપ છે.વ્યાજે પૈસા આપનારા લોકો બીજાની મજબૂરીનો ફાયદો ઉઠાવતા હોય છે,તેમની પાસેથી અનેક ગણું વ્યાજ વસુલ કરતાં હોય છે.બીજાની ગરીબીનો ખોટો ફાયદો ઉઠાવીને આવા લોકો ખોટી રીતે પૈસા ભેગા કરતાં હોય છે.ગરૂડ પુરાણ કહે છે કે આવા લોકોને ત્યાં ભોજન કરવાથી વ્યાજ આપનાર ગરીબ-મજબૂરની આંતરડી કકળી હોય એનો દોષ તમને પણ લાગી શકે છે અને તમે જીવનમાં પરેશાન થઈ શકો છો.

(૩) ચારિત્ર્યહિન સ્ત્રીઃ સ્ત્રીને આપણે ત્યાં શક્તિ અને માતા કહેવામાં આવે છે પણ જ્યારે સ્ત્રી પોતે જ પોતાની ગરીમા ભુલાવીને ચારિત્ર્યહિન બને છે ત્યારે એ પાપીણી કહેવાય છે.જ્યારે કોઈ સ્ત્રી સ્વેચ્છાએ, પોતાની મરજીથી,મોજશોખ માટે અધાર્મિક આચરણ કરે,અનૈતિક શારીરિક સંબંધો બાંધે અને પોતાના પતિને દગો કરતી હોય ત્યારે તેવી સ્ત્રીના હાથે બનેલું ભોજન ખાવાથી તમે પણ તેના પાપના ભાગીદાર બનો છો અને ગરૂડ પુરાણમાં એની સજા પણ વર્ણવી છે.

(૪) બીમાર વ્યક્તિઃ જ્યારે કોઈ વ્યક્તિ કોઈ પણ પ્રકારની ગંભીર બીમારીથી ગ્રસિત હોય છે ત્યારે એની આસપાસનું વાતાવરણ પણ એવું જ બીમારી ફેલાવનારું બની જતું હોય છે.આથી આવા લોકોને ત્યાં ભોજન કરવાથી એ બીમારીના જીવાણુંઓ તમને પણ લાગી શકે છે.તમારૂ સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. માટે કદી કોઈ બિમાર વ્યક્તિના ઘરે ભોજન ના કરશો.

(પ) ક્રોધી વ્યક્તિઃ ક્રોધ માનવીનો સૌથી મોટો શત્રુ છે, એ એક નહીં પણ અનેક લોકોને એક સાથે બરબાદ કરે છે.માનવીને ક્રોધ આવે છે ત્યારે તેને સારા-નરસાનું ભાન નથી રહેતું.જો તમે ક્રોધી માનવીના ઘરે ભોજન કરશો તો તેના આ અવગુણો તમારામાં પણ પ્રવેશ કરશે અને તમે પણ ક્રોધ કરીને તમારૂં જીવન બરબાદ કરીશો.

(૬) નપુંશક અને કિન્નરઃ આપણા સમાજમાં કિન્નરોને દાન દેવાનું કાર્ય પુણ્ય કાર્ય માનવામાં આવ્યુ છે, એવું પણ કહેવાય છે કે કિન્નરોને દાન દેવાથી આપણને અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે પણ એક વાત ખાસ યાદ રાખવી જાઈએ કે કિન્નરો અનેક લોકોના ઘરેથી દાન પ્રાપ્ત કરતાં હોય છે,એમને દાન દેનારા લોકો કેવા પ્રકારનું ધન કમાયા હોય છે એ આપણે જાણતા નથી.

કોઈ સારા કામથી પૈસા કમાયું હોય તો કોઈ ખરાબ કામથી એટલે જો તમે કિન્નરોના ઘરે ભોજન કરશો તો બે પ્રકારના પાપ લાગી શકે છે.એક તો જેને દાન દેવાનું હોય એના ઘરે ભોજન કરવાનું પાપ અને બીજુ અન્યાયી રસ્તે આવેલા દાનમાંથી ભોજન કરવાનું પાપ માટે ગરૂડ પુરાણ કહે છે કે આ બંને પાપથી બચવું હોય તો કદી કિન્નરોના ઘરે ભોજન ના કરવું.

(૭) નિર્દયી વ્યક્તિઃ નિર્દયી અને અન્યાયી વ્યક્તિની ગણના પાપી વ્યક્તિ તરીકે થાય છે. જે માણસ બીજા પ્રત્યે સદ્‌ભાવ નથી રાખતો, બીજાને કષ્ટ આપે છે, પરપીડન વૃત્તિથી રાજી થાય છે તેવા નિર્દયી માણસના ઘરે ક્યારેય ભોજન ના કરવું જોઈએ એવું ગરૂડ પુરાણ કહે છે કારણ કે એવા વ્યક્તિના ઘરે ભોજન કરવાથી તમારો સ્વભાવ પણ એવો જ થઈ જાય છે. તમે પણ એના જેવા નિર્દયી બની જઈ શકો છો.

(૮) નિર્દયી રાજા કે શાસકઃ રાજા અર્થાત શાસકનું પ્રથમ કર્તવ્ય પ્રજાનું હિત કરવાનું અને તેમને સુખી કરવાનું છે પણ કેટલાંક રાજાઓ એટલે આજના જમાનાના અર્થમાં જોઈએ તો એવા રાજકારણીઓ જે પોતાની જનતાનું સારૂં ઈચ્છતા ના હોય તેમની સુખાકારી માટે કંઈ કામ ના કરતાં હોય,

નિર્દયી રીતે વેરાઓ નાંખીને કે અન્ય રીતે પ્રજાને લુંટતા હોય,પ્રજાને વગર કારણે જુદી જુદી રીતે દંડીત કરતાં હોય એવા રાજા કે શાસકના ઘરે કદી ભોજન કરવું નહીં કારણ કે એ ભોજનમાં હજ્જારો લાખ્ખો દુઃખી લોકોનાં આંસુઓ ભળેલા હોય છે.જે વ્યક્તિ એવા રાજા કે શાસકને ત્યાં ભોજન કરે છે એ પણ આખી જિંદગી રડતો જ રહે છે.

(૯) ઈર્ષાળુ અને ચુગલીખોર વ્યક્તિઃ જે વ્યક્તિ બીજાની ઈર્ષા કરે છે કે જે વ્યક્તિ બીજાની ચુગલી કરીને આનંદ મેળવે છે એવા વ્યક્તિને ગરૂડ પુરાણે પાપી ગણ્યો છે.બીજાની ચુગલી કે ઈર્ષા કરવી એ બુરી આદત છે.ચુગલી કરનારા અને ઈર્ષા કરનારા લોકો બીજાને કોઈને કોઈ રીતે મુશ્કેલીમાં મુકી દેતા હોય છે અને તેનો આનંદ લેતા હોય છે

માટે આવા લોકોને ત્યાં ભોજન કરવાથી તમે પણ એમના પાપના ભાગીદાર બની જતા હો છો.આવા લોકોને લીધે અન્ય લોકોને જેવા કષ્ટો પડ્યા હોય એવા જ બેગણા કષ્ટો તમને પણ પડે છે માટે આવા વ્યક્તિને ત્યાં ભુલથી પણ ભોજન ના કરશો.

(૧૦) નશીલ ચીજોનું સેવન કે વેચાણ કરનાર વ્યક્તિઃ જે લોકો દારૂ,ચરસ,ગાંજો જેવા નશીલા પર્દાર્થોનું વેચાણ કે સેવન કરે છે એવા લોકોને ગરૂડ પુરાણમાં દુષ્ટો કહેવાયા છે કારણ કે એવા લોકોના કારણે કેટલાંય લોકો મરણને શરણ થાય છે અને અનેકના ઘર બરબાદ થઈ જાય છે માટે ગરૂડ પુરાણ કહે છે કે આવા લોકોના ઘરે તમે ભોજન કરશો તો બરબાદ થયેલા ઘરના લોકોના નિસાસા તમને પણ લાગશે. – વિનોદભાઈ માછી નિરંકારી (નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ, ૯૭૨૬૧૬૬૦૭૫)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.