Western Times News

Gujarati News

ખાનગી વાહનો પર MLA જેવા લખાણની સામે કાર્યવાહી થશે

ગાંધીનગર , ખાનગી ટુ વ્હીલર તેમજ ફોર વ્હીલર પર પોલીસ કે એમએલએ લખીને બિન્ધાસ્ત રીતે ફરતા લોકો સામે હવે પોલીસ કાર્યવાહી કરશે. આ મામલે વાહન વ્યવહાર વિભાગ દ્વારા એક નોટિફિકેશન જાહેર કરાયું છે, જેમાં જણાવાયું છે કે ખાનગી વાહન પર આવું કોઈપણ લખેલું દેખાય તો વાહનચાલક કે વાહન માલિક સામે કાયદેસરના પગલાં લેવામાં આવે.

વિધાનસભાની જાહેર હિસાબ સમિતિએ આ અંગે કાર્યવાહી કરવા માટે માગ કરી હતી, જે બાદ સરકારે વાહનો પર ગેરકાયદે લખાણ લખાવતા લોકો સામે કાર્યવાહી કરવા માટે આદેશ બહાર પાડવામાં આવ્યો છે. અગાઉ પણ વાહનો પર પોલીસ કે એમએલએ લખનારા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હોવાના દાખલા છે. કેટલાક લોકો તો જાણે પોતાને કોઈ કાયદા લાગુ ના પડતા હોય તેમ આવા લખાણ લખાવીને બેરોકટોક ફરતા હોય છે.

મોટર વ્હીકલ્સ એક્ટમાં વાહન પર આવા કોઈપણ લખાણ ના લખાવાની જાેગવાઈ છે જ, પરંતુ પોલીસ તેનો ભાગ્યે જ અમલ કરે છે. વળી, મોટાભાગના નેતાઓ તેમજ પોલીસવાળાના જ વાહનો પર આવા લખાણ લખેલા જાેવા મળતા હોવાથી પોલીસ તેમની સામે કાર્યવાહી કરવાનું પણ ટાળતી હોય છે.

હવે જ્યારે વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ દ્વારા આ અંગે ટકોર કર્યા બાદ સફાળો જાગેલો વાહન વ્યવહાર વિભાગ કેટલી કડકાઈથી આ નિયમનું પાલન કરાવે છે તે હવે જાેવું રહ્યું.

મોટર વ્હીકલ એક્ટ હેઠળ વાહન પર માત્ર ગેરકાયદે લખાણ જ નહીં, પરંતુ વધારાની લાઈટ્‌સ, નિયતમાત્રાથી વધુ ઘોંઘાટ કરે તેવા હોર્ન ઉપરાંત વાહનને મોડિફાઈ કરાવવું તેમજ નંબર પ્લેટ સાથે ચેડા કરવા પણ ગુનો બને છે. ટ્રાફિક પોલીસ અવારનવાર આ અંગે ડ્રાઈવ ચલાવતી હોય છે. પરંતુ થોડા દિવસની ડ્રાઈવની અસર ઓસર્યા બાદ બધું ફરી જૈસે થેની જેમ શરુ થઈ જતું હોય છે.SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.