Western Times News

Gujarati News

ડભોઈ હાઈવે પર હોટલમાં ખાળકૂવો સાફ કરવા ઉતરેલા સાતના મોત

મૃતકોમાં ત્રણ વેઈટરો અને ચાર સફાઈ કામદારો : હોટલમાં સંચાલકો હોટલ બંધ કરી નાસી છૂટ્યા

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : વડોદરા-ડભોઈ હાઈવે પર ફરતીકૂઈ ગામ નજીક આવેલી એક હોટલમાં મોડી રાત્રે ખાળ કૂવાની ચાલતી કામગીરી દરમ્યાન ઝેરી ગેસના કારણે ગુંગળાઈ જતાં હોટલના ત્રણ વેઈટરો અને ચાર સફાઈ કામદારો સહિત સાત જણાના કરૂણ મોત નિપજતાં ભારે અરેરાટી ફેલાઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ અંગેની વિગત એવી છે કે વડોદરા ડભોઈ હાઈવે પર ફરતીકૂઈ ગામ નજીક ‘દર્શન’ નામની હોટલ આવેલી છે. આ હોટલના ખાળકૂવો ભરાઈ ગયો હોવાથી ગઈ મોડી રાત્રે ખાળકૂવો સાફ કરવાની કામગીરી શરૂ કરાઈ હતી.એક સફાઈ કામદાર મોડી રાત્રે આશરે ત્રણ વાગ્યાના સુમારે ખાળકૂવો સાફ કરવા માટે અંદર ઉતર્યો હતો.

ખાળકૂવો ઉડો હોવાના કારણે આ મજુર ખાળકૂવાની સફાઈ થતાં બહાર ઉભેલા હોટલના વેઈટરો અને અન્ય સફાઈ કામદારોએ ખાળકૂવામાં ફસાયેલા સફાઈ કામદારોને બચાવવા ભારે પ્રયાસ કર્યો હતો. અને તેઓ હાથ પકડીને બહાર ખેંચવાનો પ્રયત્ન કરતાં હતા એ દરમ્યાન એક પર એક એમ સાત જણા ખાળકૂવામાં ખાબક્યા હતા. જેમાં ઝેરી ગેસની ગંભીર અસર થતાં હોટલના ત્રણ વેઈટરો અને ચાર સફાઈ કામદારોના ગુંગળાઈ જવાના કારણે ઘટનાસ્થળે જ કરૂણ મૃત્યુ નિપજ્યા હતા.

ડભોઈ નજીક ફરતીકૂઈ પાસે આવેલા દર્શન હોટલના વેઈટર તરીકે નોકરી કરતાં સહદેવ વસાવા, અશોક અને વિજય ચૌધરી હતા. આ ત્રણેય વેઈટરો સફાઈ કામદારોની મદદ કરતા ખાળકૂવામાં ઝેરી ગેસની ગંભીર અસરથી ગુંગળાઈ જવાના કારણે મોત થયા હતા. જ્યારે મહેશ હરિજન, અશોક હરિજન, હિતેશ હરિજન અને પરહેશ પાટણવાડીયા નામના ચાર સફાઈ કામદારોના પણ ઝેરી ગેસની અસરના કારણે ગુંગળાઈ જવાથી મોત નિપજ્યા હતા.
આ ઘટનામાં કુલ સાત જણાના મોત થયા હતા. તથા આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટીની લાગણી પ્રસરી જવા પામી છે. ખાળકૂવાની સાફસફાઈ માટે ઉતરેલા સાત લોકોના મોત નિપજ્યા હોવાની ઘટનાની જાણ થતાં જ દર્શન હોટલ નજીક લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા.

બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડના જવાનો અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અને જારશોરથી બચાવ રાહત કામગીરી શરૂ કરી હતી અને પાંચ કલાકની ભારે જાહેમત બાદ સાતેય લાશોને ખાળકૂવામાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ડભોઈના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપી હતી.

ખાળકૂવાની દુર્ઘટનાની જાણ થતાં જ મૃતકોના સગાવહાલાઓ તથા અન્ય પરિવારજનો પણ હોટલ દર્શન પર દોડી આવ્યા હતા. પરિવારજનોના કલ્પાંતના કારણે ભારે કરૂણ દ્રષ્યો સર્જાયા હતા.  મળતી માહિતી અનુસાર જ્યારે મોડીરાત્રે ખાળકૂવામાં સફાઈ કામ કરતી વખતે સાત જણાને ઝેરી ગેસની ગંભીર અસર થવાની ઘટના બની ત્યારે હોટલના સંચાલક ફસાયેલાઓને મદદ કરવાના બદલે હોટલને તાળા મારીને ફરાર થઈ ગયા હતા.

મૃતકોના પરિવારજનોએ પણ આક્રોશ કરતા જણાવ્યુ હતુ કે હોટલના ખાળકૂવામાં પણ કોઈપણ જાતની ફાયર સેફટીની વ્યવસ્થા વગર જ મજુરોને ઉતારવામાં આવ્યા હોવાથી આ ગંભીર ઘટના બનવા પામી છે.

પોલીસે હોટલના સંચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. અને મૃતકોના પરિવારજનોના નિવેદનો લઈ આગળની સઘન તપાસ હાથ ધરી છે. વડોદરા નજીક ડભોઈ પાસે દર્શન હોટલમાં બનેલી આ ચોંકાવનારી ઘટના બાદ પોલીસતંત્ર પણ હરકતમાં આવી ગયું છે આ ઘટના બાદ દર્શનના હોટલના માલિકને ઝડપી લેવા માટે પોલીસ સક્રિય બની છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.