Western Times News

Gujarati News

મોબાઈલ ચોરીની આશંકાએ યુવકને માર મારતા યુવકનું મૃત્યુ

અમદાવાદ, અમદાવાદના પૂર્વ વિસ્તાર ગુનાખોરીનું હબ બની ગયું હોય તેમ એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે. શહેરના નારોલ વિસ્તારમાં આવી જ એક હત્યાનો બનાવ સામે આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં મોટા ખુલાસા થયા છે. નારોલ વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો હતો. પોલીસને એક મૃતદેહ હોવાંની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો.

મૃતદેહ અંગે તપાસ કરતા હાથ પગ અને અન્ય જગ્યાઓ પર ઇજાના નિશાન હોવાને કારણે પોલીસે પીએમ કરાવ્યું હતું જેમાં હત્યા થઈ હોવાનુ સામે આવતા પોલીસે મૃતકની ઓળખની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસને જાણવા મળ્યું હતું કે મૃતકનું નામ ભેરુસિંહ છે અને તે મૂળ રાજસ્થાનનો વતની છે.

જે બાદમાં મૃતક ભેરૂસિહ નાં પિતાની ફરિયાદને આધારે પોલીસે હત્યારાઓની તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે ગત ૧૩ જૂનના રોજ નારોલ ગામમાં હિતેશ ઠાકોર નામના વ્યક્તિનો આઇફોન મોબાઈલ ચોરી થયો હતો. હિતેશનો મોબાઈલ ચોરી થતાં તેણે તેના મિત્રો દ્વારા તપાસ કરાવી હતી કે મોબાઈલ કોણે ચોરી કર્યો છે જે દરમ્યાન હિતેશને ખબર પડી કે ભેરૂસિંહ નામના વ્યક્તિએ તેનો આઇફોન ચોરી કર્યો હતો.

૧૬ જૂને સવારે ભેરુસિંહ સુદામા એસ્ટેટ ખાતે બેઠો હતો જેની જાણ થતાં હિતેશ ઠાકોર અને તેનો મિત્ર રાહુલ ઠાકોર ત્યાં પહોંચતા હતા અને ભેરૂસીંહને માર મારી ત્યાંથી તેના બાઇકમાં બેસાડી આકૃતિ ટાઉનશિપની સામેના મેદાનમાં લઈ આવ્યા હતા જ્યાં હિતેશના વધુ બે મિત્રો આકાશ ઠાકોર અને કમલ રાજપૂતને ફોન કરી બોલાવ્યા હતા. ચારેય મિત્રોએ મળી ભેરૂસિંહને માર મારી હત્યા નિપજાવી હતી.

પોલીસે મૃતક ભેરૂસિંહ મામલે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ભેરૂસિંહ નાની મોટી ચોરી કરવાની ટેવ વાળો હતો. મૃતક ભેરૂસિંહ અગાઉ ખેડા હાઈવે પર આવેલી એક હોટલમાં નોકરી કરતો ત્યાં પણ નાની મોટી ચોરીઓ કરતો હતો જેથી તેને હોટલ માંથી છૂટો કરવામાં આવ્યો હતો.

નારોલ ગામમાં હિતેશનો મોબાઈલ પણ ભેરૂસિંહે ચોરી કર્યો હતો જાેકે હિતેશ પાસે આઇફોન હતો એટલે ત્યાંના સ્લમ વિસ્તારમાં ભેરૂસિંહ આઇફોન લઇને બેઠો હતો જેની જાણ હિતેશ નાં મિત્રને થતાં તેને હિતેશ ને જાણ કરી હતી. હાલતો ભેરુસિંહને માર મારી મોત નીપજાવનાર હિતેશ ઠાકોર, રાહુલ ઠાકોર, આકાશ ઠાકોર અને કમલ રાજપૂતની પોલીસે ધરપકડ કરી . આગળની કાર્યવાહી હાથ ધરી છે અને ચારેય આરોપીનો અન્ય કોઈ ગુનાહીત ઇતિહાસ છે કે કેમ તે દિશામાં પણ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.