Western Times News

Gujarati News

શ્રી ખોડલધામ મંદિરે ઉજવાયો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

કાગવડ, રાજકોટઃ  ૨૧ જૂન એટલે વિશ્વ યોગ દિવસ.. યોગનો વધુને વધુ પ્રચાર-પ્રસાર થાય અને લોકો નિયમિત જીવનમાં યોગ અપનાવી શારીરિક અને માનસિક સ્વસ્થ રહે તે માટે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા શ્રી નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ છેલ્લા ૬ વર્ષથી વિશ્વ યોગ દિવસની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવે છે.

ત્યારે આ વર્ષે પણ વિશ્વ યોગ દિવસની મા ખોડલના સાનિધ્યમાં શ્રી ખોડલધામ મંદિરે વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. યોગ દિવસ નિમિત્તે મા ખોડલના વિશેષ શણગાર કરવામાં આવ્યા છે.

વિશ્વ યોગ દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, ખોડલધામના આ પવિત્ર પરિસરમાં આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે મા ખોડલની કૃપાથી રળિયામણા અને કુદરતી સૌંદર્યની વચ્ચે ખોડલધામ દ્વારા યોગ દિવસ મનાવવા જઈ રહ્યા છીએ

ત્યારે દેશવાસીઓને ખૂબ ખૂભ શુભકામના. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ આજે દરેક વિષયો ઉપર કામ કરી રહ્યું છે ત્યારે યોગ અને યોગની સાથે સંકળાયેલી પ્રવૃત્તિને ખોડલધામ ખૂબ જ પ્રાધાન્ય આપે છે. આજના આ દોડધામના સમયમાં યોગ જ આપણને તણાવથી બચાવી શકે છે.

આગળ વાત કરતાં શ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું કે, રાજકોટ સ્થિત શ્રી સરદાર પટેલ ભવન ખાતે ખોડલધામ અને શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન દ્વારા નિયમિત યોગના વર્ગો ચાલી રહ્યા છે પરંતુ આજે વિશ્વ યોગ દિવસે ખોડલધામના માધ્યમથી યોગનો વધુ પ્રચાર થાય તે માટેની કોશિશ હરહંમેશ ખોડલધામ કરતું રહ્યું છે.

ખોડલધામ દ્વારા ઉજવાતા યોગ દિવસમાં દર વર્ષે કોઈ નવી બાબત રજૂ કરવામાં આવતી હોય છે. શરીર માટે યોગના શું ફાયદાઓ છે તેના દર્શન ખોડલધામ થકી થતાં હોય છે.

આજ રોજ ૨૧ જૂન, ૨૦૨૨ ને મંગળવારના રોજ વિશ્વ યોગ દિવસ નિમિત્તે શ્રી ખોડલધામ મંદિરે યોજાયેલા આ કાર્યક્રમની શરૂઆત સવારે ૬ કલાકે મા ખોડલ સહિત દેવી-દેવતાઓની આરતીથી કરવામાં આવી હતી. આરતી બાદ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલે પ્રાસંગિક સંબોધન કર્યું હતું

અને ત્યારબાદ યોગ નિષ્ણાતો દ્વારા વિવિધ યોગ, આસન, પ્રાણાયામ અને કસરત રજૂ કરવામાં આવી હતી. આ વર્ષે ખાસ કરીને યોગ, પ્રાણાયામ, આસન અને કસરતના માધ્યમથી શારીરિક અને માનસિક ફિટનેસ કેવી રીતે જાળવી રાખવી તેના પર ભાર મૂકવામાં આવ્યો હતો. ઉઠવા-બેસવાની ટેવથી લઈને કંઈ રીતે યોગ્ય સ્થિતિમાં ઉભા રહેવું, સુવા માટેની યોગ્ય રીત કંઈ હોઈ શકે જેવા વિષયો અંગે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ખાસ કરીને હાલ લોકોને કમરના દુઃખાવાની તકલીફ વધુ હોવાથી કરોડરજ્જુને કેવી રીતે મજબૂત બનાવવી અને કમરના દુઃખાવા ન થાય તે માટે નિયમિત કેવી કેવી કસરતો કરવી તે કસરતો જણાવવામાં આવી હતી.

આ ઉપરાંત શરીરના અન્ય અંગો જેવા કે, ડોક, પેટ, હાથ-પગના સાંધા, કમર વગેરે કેવી રીતે મજબૂત અને ફીટ રાખવા તે માટેની કસરતો પણ રજૂ કરવામાં આવી હતી. શારીરિક ફિટનેસની સાથે સાથે યોગ થકી માનસિક ફિટનેસ કેવી રીતે જાળવવી તે અંગેના યોગ જણાવવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.