Western Times News

Gujarati News

શ્રી હેમચંદ્રાચાર્ય સંસ્કૃત પાઠશાળામાં ૩૫ બાળકોનો વિદ્યારંભ સંસ્કાર કાર્યક્રમ  યોજાયો

ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ અમદાવાદના  સુભાષબ્રીજ ખાતે ખાદી ગ્રામોદ્યોગ પ્રયોગ સમિતિ સંચાલિત ‘ ગુરુકુલમ્ ‘માં બાળકોનો કરાવ્યો મંગળ પ્રવેશ

આર્ય શિક્ષણ વ્યવસ્થા આધારિત  શિક્ષણ બાળકનો સાચા અર્થમાં સર્વાંગી વિકાસ કરે છે :- ગૃહ રાજ્યમંત્રીશ્રી

‘ગુરુકુલમ્’ – શિક્ષણ, સંસ્કૃતિ અને કળાનો ત્રિવેણી સંગમ છે :-  શ્રી હર્ષભાઈ સંઘવી

ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ અમદાવાદના સુભાષબ્રીજ ખાતે ખાદી ગ્રામોદ્યોગ પ્રયોગ સમિતિ સંચાલિત ‘ ગુરુકુલમ્ ‘માં બાળકોનો મંગળ પ્રવેશ કરાવ્યો છે.

આર્ય સંસ્કારના પાયા પર શિક્ષણ આપનાર  ‘ગુરુકુલમ્’માં બાળકોના પ્રવેશ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આજના આધુનિક યુગમાં જ્યારે શિક્ષણમાં પણ પાશ્ચાત્ય સંસ્કૃતિનો બહોળો ફેલાવો થયેલો જોવા મળે છે ત્યારે આપણી પ્રાચીન ધરોહર અને વૈદિક તેમજ આર્ય શિક્ષણ-પ્રણાલીને જાળવી રાખતી ગુરુકુલમ્ જેવી શિક્ષણ સંસ્થાઓ આજે ખરેખર વરદાનરૂપ છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આર્ય શિક્ષણ વ્યવસ્થા આધારિત અલગ અલગ કલાઓ અને મૂલ્ય આધારિત શિક્ષણ બાળકનો સાચા અર્થમાં સર્વાંગી વિકાસ કરે છે.

ગૃહ રાજ્યમંત્રી શ્રીએ કૌશલ્યવર્ધન શિક્ષણ અંગે વાત કરતાં કહ્યું કે, આજના જમાનામાં આપણી સમાજ વ્યવસ્થા અને સામાજિક મૂલ્યોના જતન માટે આવનારી પેઢીને તૈયાર કરવા માટે આજે આવું મૂલ્ય વર્ધિત અને કૌશલ્યવર્ધન શિક્ષણ બાળકોને તેમના ભવિષ્યમાં સાચી દિશા ચીંધે છે અને આવી પેઢી સમાજ અને દેશને વિશ્વ ફલક પર આગવી ઓળખ અપાવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુરુકુલમમાં આર્ય સંસ્કારના પાયા પર શિક્ષણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, અહીં બાળકોને આર્ય શિક્ષણ વ્યવસ્થા પ્રમાણે શિક્ષણ આપીને તેમના સર્વાંગી વિકાસ તરફ ધ્યાન આપવામાં આવે છે. આર્ય શિક્ષણ વ્યવસ્થામાં માનવજીવનના સોળ સંસ્કારોમાંના એક એવા વિદ્યારંભ સંસ્કારની પરંપરાને આદર્શ રાખીને આજરોજ ગુરુકુળમાં બાળકોને વાજતે ગાજતે ઢોલ-નગારા સાથે વરઘોડા સાથે પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.

આ ગુરુકુલમ્ માં બાળકોને વિષય આધારિત જ્ઞાનની સાથો-સાથ સંગીત, વાદ્યો, વૈદિક ગણિત, વ્યાયામ, શારીરિક કૌશલ્યો, હસ્તલેખન, ચિત્રકલા, માટીકલા જેવા વિષયોનું તલસ્પર્શી જ્ઞાન સંપૂર્ણ નૈસર્ગિક વાતાવરણમાં આપવામાં આવે છે.

અહી બાળકોને ઓર્ગેનિક ખાદ્યપદાર્થો આધારિત સાત્વિક ભોજન પૂરું પાડવામાં આવે છે. આમ, શિક્ષણથી લઈને આહાર સુધીની બાળવિકાસ માટેની તમામ બાબતોનું સુપેરે સંચાલન કરવામાં આવે છે.

આ પ્રસંગે ગૃહ મંત્રીશ્રી એ ગુરુકુલમ્ ના બાળકો દ્વારા પ્રસ્તુત કરાયેલાં વ્યાયામ, સંગીત, વાદ્યો, વૈદિક ગણિત, જ્યોતિષશાસ્ત્ર આધારિત પ્રદર્શનો તેમજ રંગોળીને પણ નિહાળી હતી. આ અવસરે ગુરુકુલમ્ ના સંચાલકશ્રી, શિક્ષકગણ  તેમજ વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. -મીનેશ પટેલ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.