Western Times News

Gujarati News

સાયબર વોરફેરની વૈશ્વિક સમસ્યાનો સામનો કરવા માટે ગુજરાત સુસજ્જ

ગાંધીનગર, છેલ્લા ૨૦ થી ૨૫ વર્ષમાં ડિજિટલ ઈકોનોમીની શરૂઆત થઇ છે. જેમાં ભારત દુનિયાની ત્રીજી સૌથી મોટી ડિજિટલ ઈકોનોમી હોવાથી સ્વાભાવિક રીતે ડિજિટલ ક્રાઈમ થવાની શક્યતાઓ વધતી હોય છે. સાયબર વોરફેરની આ વૈશ્વિક સમસ્યાનો સામનો કરવા માટે ગુજરાત પણ સજ્જ થયું છે તેમ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજ કુમારે જણાવ્યું હતું.

અઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ગુજરાતના નાગરિકોમાં સાયબર ક્રાઈમ અંગેની લોક જાગૃતિ કેળવવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે ગુજરાત ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી રાજ કુમાર તેમજ પોલીસ મહાનિદેશક આશિષ ભાટિયાની પ્રેરક ઉપસ્થિતિમાં “સાયબર સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષા” કાર્યક્રમ યોજાયો હતો.

રાજ કુમારે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના તમામ સાયબર ક્રાઈમ સેલમાં હાલમાં ૧૨૦૦ જેટલા અધિકારી-કર્મચારીઓ કાર્યરત છે. આ ઉપરાંત સાયબર વોલન્ટીયર યોજના થકી વધુમાં વધુ સાયબર વોલન્ટીયર્સને જાેડીને આ ટીમને એક લાખ સુધી પહોંચાડવાનું લક્ષ્ય છે. સાયબર વોલન્ટીયર્સ સાયબર સુરક્ષામાં ફોર્સ મલ્ટીપ્લાયર સાબિત થઇ રહ્યા છે, જે સમાજ વચ્ચે રહીને સાયબર ક્રાઈમ વિશે લોકોને જાગૃત કરવાનું કામ કરી રહ્યા છે તેમ તેમણે ઉમેર્યું હતું.

રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયાએ સાયબર ક્રાઈમ યુનિટની વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે, સાયબર ક્રાઈમ સામે લડવા પહેલા કોઈ ખાસ માળખું ન હતું, ત્યારે વર્ષ ૨૦૦૮માં અમદાવાદમાં સૌપ્રથમ સાયબર ક્રાઈમ યુનિટ ઉભું કરવામાં આવ્યું હતું. માત્ર અમદાવાદ જ નહિ પરંતુ સમગ્ર રાજ્યમાં નોંધાતા સાયબર ક્રાઈમને ડામવા સી.આઈ.ડી. ક્રાઈમ અંતર્ગત વર્ષ ૨૦૧૧માંરાજ્યસ્તરના સાયબર સેલની શરૂઆત કરવામાં આવી હતી.

આ ઉપરાંત વર્ષ ૨૦૧૯માં ગુજરાતના મુખ્ય શહેરોમાં ૪ ક્રાઈમ સેલ તેમજ રેન્જ કક્ષાએ ૯ સાયબર પોલીસ સ્ટેશનો શરુ કરવામાં આવ્યા હતા.તેમણે ઉમેર્યું કે, વર્ષ ૨૦૨૦માં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે શરુ થયેલ “સાયબર આસ્વસ્ત પ્રોજેક્ટ” અંતર્ગત રાજ્યની સાયબર સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે વર્ષ ૨૦૨૧માં જિલ્લા કક્ષાએ જરૂરી સાધનો અને અદ્યતન સુવિધા ધરાવતા ૧૦ નવા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા સાયબર ક્રાઈમમાં તાત્કાલિક મદદ માટે ૧૯૩૦ ટોલ-ફ્રી નંબર અને NCCRP પોર્ટલ આપવામાં આવ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, રાજ્યમાં અત્યાર સુધીમાં સાયબર ક્રાઈમના ૫૦૦૦ જેટલા નોંધાયેલા ગુના સામે ૪૫૦૦થી વધુ આરોપીઓની ધરપકડ કરાઈ છે, ઈમરજન્સી રિસ્પોન્સ યુનિટની મદદથી ૬.૫૦ કરોડથી પણ વધુ નાણા નાગરિકોને પરત આપાવ્યા છે.

આ કાર્યક્રમ દરમિયાન એફ.એસ.એલ.ના નિયામક એચ. પી. સંઘવી દ્વારા “સાયબર સ્વચ્છતા” અંગે પોલીસ અધિક્ષક નીરજ બડગુજર દ્વારા “સાયબર ક્રાઈમના કાયદા અને જાેગવાઈઓ” અંગે નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સૌરભ તોલંબીયા દ્વારા “સાયબર ક્રાઈમના પ્રકારો” અંગે તેમજ પોલીસ મહાનિરીક્ષક શ્રી સુભાષ ત્રિવેદી દ્વારા “સાયબર ક્રાઈમનો ભોગ બન્યા બાદ શું કરવું?”

તે વિષય પર પોતાના વક્તવ્ય આપ્યા હતા. જ્યારે સી.આઈ.ડી ક્રાઈમના પોલીસ મહાનિદેશક શ્રી ટી.એસ.બિષ્ટ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે સાયબર ક્રાઈમ અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર પોલીસકર્મીઓ, સાયબર વોલન્ટીયર્સ તથા ઓનલાઈન સ્લોગન અને ક્વીઝ સ્પર્ધાના વિજેતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.ss3kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.