Western Times News

Gujarati News

સિકંદરાબાદમાં યુવકનું મોત, ૩૦૦ ટ્રેનોના સંચાલન ખોરવાયા

બિહારથી શરુ થયેલો વિરોધ દેશના અન્ય રાજ્યોમાં ફેલાયો, એમપી, યુપી, હરિયાણા, તેલંગાણા અને પશ્ચિમ બંગાળમાં અગ્નિપથ સામે વિરોધ પ્રદર્શન

નવી દિલ્હી, સૈન્યમાં ભરતી માટે જાહેર કરાયેલી ‘અગ્નિપથ’ યોજના સામેનો વિરોધ શમવાનું નામ નથી લઈ રહ્યો. બિહારથી શરુ થયેલો હિંસક વિરોધ હવે દેશના અન્ય રાજ્યોમાં પણ ફેલાઈ રહ્યો છે. આજે તેલંગાણાના સિકંદરાબાદમાં પણ આ યોજના પાછી ખેંચી લેવાની માગ સાથે યુવાનો રસ્તા પર ઉતર્યા હતા, તેમજ ટ્રેનોનું સંચાલન ખોરવી નાખ્યું હતું. સિકંદરાબાદમાં હિંસક વિરોધ પ્રદર્શન દરમિયાન એક યુવકનું મોત થયા હોવાના પણ અહેવાલ છે.

બીજી તરફ, એરફોર્સ ચીફ તેમજ આર્મી ચીફે અગ્નિવીર યોજના હેઠળ ૨૪મી જૂનથી નવી યોજના હેઠળ પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.આ વર્ષે સરકાર ૪૫,૦૦૦ અગ્નિવીરની ભરતી કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ અગ્નિપથના વિરોધ અંગે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, પ્રદર્શનકારીઓ આ યોજનાની યોગ્ય માહિતીથી અજાણ છે.

તેમને તેના વિશે પૂરતી માહિતી મળી જશે ત્યારબાદ તેમને વિશ્વાસ થશે કે અગ્નિપથ યોજના ના માત્ર યુવકો પરંતુ સૌના માટે લાભદાયી છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, આગામી બે દિવસમાં જ અગ્નિપથ માટેનું નોટિફિકેશન જાહેર કરી દેવાશે. ત્યારબાદ આર્મી ભરતીનો વિગતવાર કાર્યક્રમ જાહેર કરશે. તેમણે કહ્યું હતું કે અગ્નિવીરની પહેલી બેન્ચની ટ્રેનિંગ ડિસેમ્બર ૨૦૨૨માં શરુ થશે, જ્યારે એક્ટિવ સર્વિસ ૨૦૨૩ના મધ્ય સુધીમાં શરુ થઈ જશે.

બીજી તરફ, આ યોજનાનો વિરોધ કરતા આજે સિકંદરાબાદમાં હિંસક દેખાવો કરી રહેલા યુવાનોએ ૪-૫ ટ્રેન એન્જિનને આગ ચાંપી દીધી હતી, તેમજ ૨-૩ કોચને પણ નુક્સાન પહોંચાડ્યું હતું. જેના કારણે સિકંદરાબાદ રેલવે સ્ટેશન પર ટ્રેનોનું સંચાલન રોકી દેવાની ફરજ પડી હતી. વિરોધની જ્યાંથી શરુઆત થઈ હતી તેવા બિહારમાં ત્રીજા દિવસે પણ હિંસક દેખાવો ચાલુ છે. આજે ૧૫૦૦ જેટલા દેખાવકારોએ દાનાપુર રેલવે સ્ટેશનમાં તોડફોડ કરી હતી.

પોલીસે તોડફોડ કરનારા ૨૪ લોકોની ધરપકડ કરી છે, જ્યારે સીસીટીવીના આધારે અન્ય લોકોને પકડવાની પ્રક્રિયા પણ શરુ કરાઈ છે. બિહાર, એમપી, યુપી, હરિયાણા અને તેલંગાણા બાદ હવે પશ્ચિમ બંગાળમાં પણ અગ્નિપથ સામે વિરોધ પ્રદર્શન શરુ થયું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, દેખાવકારોએ હાવડા બ્રિજને બ્લોક કરી દીધો હતો, તેમજ ૨૪ પગરણા જિલ્લાના ભાટપુરામાં પણ આડશો મૂકીને રસ્તો બંધ કરી દીધો હતો.

સિયાલદાહ-ઠાકુર નગર રેલવે સ્ટેશનમાં ઘૂસી ગયેલા દેખાવકારોએ ટ્રેક બ્લોક કરતાં ટ્રેનોનું સંચાલન ખોરવાયું હતું. સિલિગુડીના સિવોક રોડને પણ બંધ કરી દેવાતા ટુરિસ્ટ અટવાયા હતા. જ્યારે ગઈકાલે હિંસક દેખાવો થયા બાદ હરિયાણાના ગુરગાંવમાં કલમ ૧૪૪ લાગુ કરીને ચારથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. દિલ્હીમાં પણ વિદ્યાર્થી સંગઠનોએ દેખાવો શરુ કરતા આઈટીઓ મેટ્રો સ્ટેશનના તમામ દરવાજા બંધ કરી દેવાયા હતા.

ઉલ્લેખનીય છે કે, સરકારે મંગળવારે અગ્નિવીર યોજનાની જાહેરાત કરી હતી, જેમાં ૧૭.૫થી ૨૧ વર્ષના યુવાનો લશ્કરમાં ચાર વર્ષ માટે ભરતી થઈ શકે તેવી જાેગવાઈ હતી. જાેકે, બે વર્ષથી ભરતી ના થઈ હોવાથી વયમર્યાદા વટાવી ગયેલા ઉમેદવારોએ તેનો હિંસક વિરોધ શરુ કર્યો હતો. જેના કારણે સરકારે ઉપલી વયમર્યાદામાં બે વર્ષની છૂટ આપવાનો ર્નિણય ગઈકાલે મોડી સાંજે જાહેર કર્યો હતો.

એર ચીફ માર્શલ વી.આર. ચૌધરીએ આ અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે, હવે ૨૩ વર્ષ સુધીની વય ધરાવતા યુવા અગ્નિવીર બની શકશે. એરફોર્સમાં ૨૪ જૂનથી અગ્નિપથ યોજના હેઠળ ભરતી પ્રક્રિયા શરુ થઈ જશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.