Western Times News

Gujarati News

જોરદાર લડત છતાં ગુજરાત પરાજયનો સિલસિલો તોડી ન શક્યું, બંગાલ સામે 26-28થી પરાજય

અમદાવાદ, સોનુના 16 રેડમાં છ પોઈન્ટ અને સુકાની સુનીલ કુમારના પાંચ ટેકલમાં છ પોઈન્ટ છતાં પ્રો કબડ્ડી લિગમાં સતત સંઘર્ષ કરી રહેલી ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટસની કમનસીબી હજુ પણ પીછો છોડતી નથી. ઘરઆંગણે રમતા ટીમે બંગાળ વોરિયર્સ સામેની મેચ પણ જોરદાર સંઘર્ષ બાદ 26-28થી ગુમાવી હતી. ગુજરાતનો  સંઘર્ષ આજે બંગાલ વોરિયર્સ સામે પણ જારી રહ્યો હતો. યજમાન ટીમે ટ્રાન્સ સ્ટેડિયા પરની તેની આઠમી મેચમાં આ પાંચમી મેચ ગુમાવી છે. બંગાળે ગુજરાતને 28-26થી પરાજય આપ્યો હતો. આજે પણ મુકાબલો છેલ્લે સુધી જોરદાર રસાકસી ભર્યો રહ્યો હતો.

જોકે, બંગાળના ખેલાડીઓએ ગુજરાતને આગળ નીકળવાની તક આપી નહતી પણ બન્ને ટીમો વચ્ચેનું અંતર બહુ લાંબુ નહતું તેથી મેચ છેલ્લી ઘડીએ પણ કોઈની પણ તરફે વળે એમ લાગતી હતી. જોકે આ મેચમાં તો છેલ્લી બે મિનિટ બાકી હતી ત્યારે ગુજરાતના સુકાની સુનીલ કુમારે બંગાળના મનીન્દર સિંહના સુપર ટેકલને નિષ્ફળ બનાવીને ટીમને મહત્વના બે પોઈન્ટ અપાવીને સ્કોર બરોબર કર્યો હતો. એ પછી સોનુની રેડ નિષ્ફળ જતા યજમાન ટીમે પોઈન્ટ ગુમાવ્યો હતો.

પ્રથમ ત્રણ મેચમાં વિજય બાદ સતત ચાર મેચ હારનારી ગુજરાતની ટીમે શરૂઆત તો સારી કરી પરંતુ એ પછી યજમાન ટીમ તેની પારજયની હતાશા દૂર કરવામાં ઊણી ઊતરી હતી અને હાફ ટાઈમે બંગાલ વોરિયર્સે 17-12થી સરસાઈ મેળવી લીધી હતી.

બીજા હાફમાં પણ ગુજરાત તરફથી સોનુએ સફળ રેડ કરીને પોઈન્ટ મેળવ્યો પણ આ પોઈન્ટનો હરખ બહુ લાંબો ટકી ન શક્યો અને વોરિયર્સે તેનો દબદબો જાળવી રાખ્યો. બીજા હાફમાં બન્ને ટીમોએ એક પછી એક પોઈન્ટ મેળવ્યા હતા. ગુજરાતની ટીમ વળતી લડત આપવા પ્રતિબધ્ધ હતી તો વળી વોરિયર્સે મેચ પરની તેની પકડ જરાયે નબળી થવા દીધી નહતી. પ્રો કબડ્ડી લિગના આ સાતમા સત્રમાં દબંગ દિલ્હી 26 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે જ્યારે બેંગલુરુ બુલ્સ 22 પોઈન્ટ સાથે બીજા ક્રમે છે.

આ મેચ પહેલાં ગુજરાતના સાત મેચમાં ત્રણ વિજય અને ચાર પરાજય સાથે 18 પોઈન્ટ હતા અને તે પોઈન્ટ ટેબલમાં સાતમા ક્રમે હતું જયારે બંગાલ વોરિયર્સના છ મેચમાં ત્રણ વિજય અને બે પરાજય સાથે 20 પોઈન્ટ હતા અને તે ત્રીજા નંબરે હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.