Western Times News

Gujarati News

ખેડૂતોની ટ્રેક્ટર પરેડ હિંસામાં ૧૫૦થી વધુ પોલીસ ઇજાગ્રસ્ત

નવી દિલ્હી: પ્રજાસત્તાક દિવસ નિમિત્તે રાજધાની દિલ્હીમાં વિરોધ કરી રહેલા ખેડૂતોએ ઉગ્ર પરિસ્થિતિનું નિર્માણ કર્યું. ત્રણ નવા કૃષિ કાયદાઓ વિરુદ્ધ ટ્રેક્ટર પરેડ કરી રહેલા ખેડૂતોના વિશાળ જૂથે ઐતિહાસિક લાલ કિલ્લા પર તોફાનો કર્યા અને ત્યાં પોતાના ધાર્મિક ધ્વજ લગાડ્યા. આ દરમિયાન વાહનોમાં તોડફોડ, પોલીસ સાથે અથડામણ, તલવારબાજી જેવા દ્રશ્યો પણ જાેવા મળ્યા હતા.

આ ટ્રેક્ટર પરેડ હિંસામાં ૧૫૦થી વધુ પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા હોવાની પુષ્ટિ થઈ છે, જ્યારે બે લોકોની હાલત ગંભીર હોવાથી આઈસીયુમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, ટ્રેક્ટર રેલી દરમિયાન એકલા દ્વારકા જિલ્લામાં મોહન ગાર્ડન પોલીસ સ્ટેશનના એસએચઓ સહિત તેના ૩૦ કર્મચારીઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

ઘાયલ પોલીસ જવાનોમાંથી ૨૨ને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. એલએનજેપીમાં દાખલ બે પોલીસકર્મીની હાલત નાજુક છે. માથામાં ગંભીર ઈજાઓ થઈ હોવાથી હાલમાં તેમને ટ્રોમા વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. મંગળવારે ટ્રેક્ટર પરેડ દરમિયાન વિરોધ કરી રહેલા એક ખેડૂતનું પણ મોત નીપજ્યું હતું.

પોલીસે દાવો કર્યો હતો કે આઇટી બેરિકેડ્‌સ હટાવતી વખતે તેનું ટ્રેક્ટર પલટાયું હતું જેને કારણે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જાે કે, કેટલાક વિરોધીઓએ દાવો કર્યો છે કે પોલીસે ખેડૂતને માથામાં ગોળી મારી હતી, જેના પગલે તેનું મોત નીપજ્યું હતું.અત્રે ઉલ્લેખનિય છે કે પોલીસ અને ઉગ્ર વિરોધ કરી રહેલા ખેડૂતો વચ્ચે થયેલી અથડામણમાં બંને પક્ષના લોકો ઘાયલ થયા હતા. ઘાયલોમાં મોહન ગાર્ડન પોલીસ સ્ટેશનના એસએચઓ પણ હતા, તેમના બંને હાથમાં ફ્રેક્ચર થયા છે.

ત્રણ નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરવા માટે દિલ્હીમાં નીકળેલી ખેડુતોની ટ્રેક્ટર પરેડમાં થયેલી હિંસા સંદર્ભે પોલીસે અત્યાર સુધી જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ૧૫ એફઆઈઆર નોંધી છે. એટલું જ નહીં, ટ્રેક્ટર પરેડમાં ધમાલ થતાં લાલ કિલ્લાની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.