Western Times News

Gujarati News

બે કલાક સુધી ફસાયેલા ૨૦૦ બાળકો-કલાકારોને બચાવાયા

નવી દિલ્હી: પ્રજાસત્તાક દિવસની પરેડમાં બાળકો સહિત આશરે ૨૦૦ કલાકારો લાલ કિલ્લા નજીક તે સમયે ફસાઈ ગયા જ્યારે ટ્રેક્ટર પરેડમાં સામેલ ખેડૂતો હિંસક બન્યા હતા અને બેરીકેડ્‌સ તોડી નાખ્યા હતા. જાે કે, બાદમાં દિલ્હી પોલીસ બાળકોને અને કલાકારોને સુરક્ષિત રીતે ત્યાંથી બચાવી લીધા હતા.

એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, લગભગ બે કલાક સુધી ફસાયેલા બાળકો સહિત કલાકારોને દિલ્હી પોલીસના જવાનોએ બચાવી લીધા હતા. તેઓને નાસ્તો પીરસવામાં આવ્યો અને સલામત રીતે ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ખેડુતોની માંગને પૂરી કરવા માટે આયોજીત ટ્રેક્ટર પરેડમાં ભાગ લેનારા વિરોધીઓ હિંસા પર ઉતરી આવ્યા અને રાષ્ટ્રીય પાટનગરની સડકો પર ઉતરી આવ્યા હતા અને અવરોધો તોડી નાખ્યા હતા. ખેડૂત પ્રદર્શનાકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું.

વિરોધીઓએ અનેક વાહનોને પલટાવ્યા અને લાલ કિલ્લાના સ્તંભ પર જ્યાં દેશનો ત્રિરંગો લહેરાય છે, ત્યાં તેઓએ તેમનો ધાર્મિક ધ્વજ ફરકાવ્યો. કલાકો સુધી આખા વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો છે અને વિરોધીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો અને વાહનોને તોડફોડ કરી હતી. પોલીસે પરિસ્થિતિને કાબૂ કરવા માટે લાઠીચાર્જ તેમજ ટીયર ગેસ છોડ્યા હતા.

ત્રણ નવા કૃષિ કાયદાઓ વિરુદ્ધ ટ્રેક્ટર પરેડ કરી રહેલા ખેડૂતોના વિશાળ જૂથે ઐતિહાસિક લાલ કિલ્લા પર તોફાનો કર્યા અને ત્યાં પોતાના ધાર્મિક ધ્વજ લગાડ્યા. આ દરમિયાન વાહનોમાં તોડફોડ, પોલીસ સાથે અથડામણ, તલવારબાજી જેવા દ્રશ્યો પણ જાેવા મળ્યા હતા.

આ ટ્રેક્ટર પરેડ હિંસામાં ૧૫૦થી વધુ પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા હોવાની પુષ્ટિ થઈ છે, જ્યારે બે લોકોની હાલત ગંભીર હોવાથી આઈસીયુમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. મંગળવારે ટ્રેક્ટર પરેડ દરમિયાન વિરોધ કરી રહેલા એક ખેડૂતનું પણ મોત નીપજ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.