Western Times News

Gujarati News

ઉઠમણું કરનાર પાસે મહાજને ૩૮ લાખની ઉઘરાણી કઢાવી

અમદાવાદ: લાંબા સમયથી કાપડ ઉદ્યોગ મંદીનો માર સહન કરી રહ્યો છે, ત્યારે જ કોરોના પહેલા અમદાવાદના કાપડ બજારમાં વિવાન ટેક્સટાઈલના નામે ધંધો કરતા વેપારીઓ બજારમાંથી કરોડો રૂપિયાનો માલ ઉધારમાં ખરીદ્યો હતો. ટાર્ગેટ મુજબનો માલ કબજામાં આવી જતાં માલિકો ઉઠમણું કરી ગયા હતા.

જાે કે, કરોડોનું ઉઠમણું કરનાર વેપારીએ રૂપિયા ચૂકવવાની ખાતરી આપતા મસ્કતી કાપડ માર્કેટના મહાજને ફસાયેલી ૩૮ લાખની ઉઘરાણી કઢાવી હતી. જણાવી દઈએ કે, હજુ પણ અમદાવાદના કાપડ બજારમાં ફરતા લેભાગુ વેપારીઓ અને દલાલોથી કાપડ ઉદ્યોગ પરેશાન છે.

મળતી માહિતી પ્રમાણે વિવાન ટેક્સટાઈલને ઉધાર માલ આપપીને ફસાયેલા વેપારીઓએ આ બાબતે મસ્કતી કાપડ મહાજન સમક્ષ ફરિયાદ કરીને ન્યાય અપાવવા માટે રજૂઆત કરી હતી. મહાજનના પ્રમુખ ગોરાંગ ભગત અને તેમની ટીમે ભોગ બનેલા વેપારીઓની ફરિયાદ બાબતો પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત કરી લેભાગુ વેપારીને ઝડપી લેવા વિનંતી કરી હતી.

પોલીસે કાર્યવાહી શરૂ કરતાં જ વિવાન ટેક્સટાઈલના માલિક મસ્કતી કાપડ મહાજનના શરણે આવી ગયો હતા અને ઉધાર લીધેલા માલની પૂરેપૂરી કિંમત આપવા ખાતરી આપી હતી.

આ સાથે અમદાવાદના જુદા જુદા માર્કેટમાં આવેલી પોતાની ૧૪ દુકાનો વેચીને વેપારીઓને રૂપિયા પરત ચૂકવવાની મહાજન સમક્ષ એફિડેવિટ પર કરી આપી હતી.

ત્યારબાદ વિવાન ટેક્સટાઈલના માલિકો દ્વારા મહાજન સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે, પેઢી ઉઠી ગઈ હોવાની જાણ થતાં તેમની પણ લાખો રૂપિયાની ઉઘરાણી ફસાઈ ગઈ છે, તે પણ પરત આવે તેવી શક્યતા નથી.

જેથી વિવાન ટેક્સટાઈલને મદદ કરવા માટે મહાજને પણ કાનૂની કાર્યવાહી હાથ ધરીને જે વેપારીઓએ વિવાન ટેક્સટાઈલના માલિકને રૂપિયા ચૂકવવાના હતા તેમને પણ નોટિસ ફટકારી હતી.

આમ મસ્કતી માર્કેટના મહાજનની દરમિયાનગીરીથી અનેક વેપારીઓએ વિવાન ટેક્સટાઈલના માલિકને રૂપિયા ચૂકવવાની શરૂઆત કરી હતી. બીજી તરફ મહાજનના પ્રયાસના પગલે વિવાન ટેક્સટાઈલની રૂપિયા ૩૮ લાખની ઉઘરાણી રિકવર થઈ હતી. પરંતુ કરોડો રૂપિયાનો માલ લીધો હોવાથી હવે વિવાન ટેક્સટાઈલના માલિક પોતાની દુકાનો વેચીને વેપારીઓને રૂપિયા ચૂકવવાની પ્રક્રિયા શરૂ કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.