Western Times News

Gujarati News

જામનગરમાં જયેશ પટેલ ગેંગના શાર્પશૂટર સહિત સાતની ધરપકડ

જામનગરના બિલ્ડર પર ગોળીબારનો મામલો-બિલ્ડર પર ફાયરિંગ કરી ફરાર શાર્પશૂટરને ઓળખી કાઢવામાં જામનગર પોલીસને સફળતા મળી

જામનગર, બે દિવસ પહેલા જામનગરના ભૂ-માફીયા જયેશ પટેલના વિરોધી બિલ્ડર પર ગોળીબારની ઘટના બની હતી. શહેરના ઈવા પાર્કની એક અબજના જમીન પ્રકરણમાં બિલ્ડર પર ગુરુવારે વહેલી સવારે અજાણ્યા શખ્સોએ ફાયરીંગ કરતા સનસનાટી મચી જવા પામી હતી. અગાઉ જયેશ પટેલે જેને પતાવી દેવાની ધમકી આપી હતી.

તે જ બિલ્ડર ટીના પેઢલીયા ઉપર અજાણ્યા શખ્સોએ ફાયરીંગ કરતા એક ગોળી ટીનાભાઈના મોઢામાં ઘૂસી જતાં તેમને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે હવે જામનગર બિલ્ડર પર ફાયરિંગ કરનાર જયેશ પટેલ ગેંગના શાર્પશૂટર સહિત સાત શખ્સોની ધરપકડ કરાઈ છે.

જામનગરના બિલ્ડર પર ફાયરિંગ કરીને ભાગી છૂટેલા શાર્પશૂટરને ઓળખી કાઢવામાં પોલીસને સફળતા મળી છે. ઘટનાની વિગતો મુજબ, જામનગરમાં ગુરુવારે સવારે ૯ વાગ્યાની આસપાસ લાલપુર રોડ ઉપર રહેતા ટીનાભાઈ પેઢલીયા પોતાના ઘરેથી ઈવા પાર્ક ખાતેની સાઈટ ઉપર પહોંચ્યા હતા.

ત્યારે ત્યાં પહેલાથી ઉપસ્થિત અજાણ્યા શખ્સોએ ટીનાભાઈ ઉપર ફાયરીંગ કરતા નાસભાગ મચી જવા પામી હતી. આડેધડ ગોળીબારમાં એક ગોળી ટીનાભાઈના મોઢાના ભાગે ઘૂસી જતાં તેમને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. બીજી તરફ અજાણ્યા શખ્સો ગોળીબાર કરીને નાસી છૂટ્યા હતા. સમગ્ર બનાવના પગલે એલસીબી, એસઓજી અને જીલ્લાભરની પોલીસે નાકાબંધી કરી હુમલાખોરોને પકડવા તાજવીજ હાથ ધરી હતી.

દરમિયાન પોલીસ દ્વારા સંખ્યાબંધ સીસીટીવી કેમેરાઓની તપાસ કરતા ચારેય શાર્પશૂટર જામનગર શહેરના હોવાનું અને ફાયરિંગની ઘટનાને અંજામ આપીને જામનગર શહેરની બહાર ભાગી છૂટયા હોવાનું જાણવા મળી રહ્યું હતું. જે તમામને પકડી પાડવા માટે પોલીસે જિલ્લા બહાર દોડધામ શરૂ કરી હતી. ત્યારે હવે જામનગર બિલ્ડર પર ફાયરિંગ કરનાર જયેશ પટેલ ગેંગના શાર્પશૂટર સહિત સાત શખ્સોની ધરપકડ કરાઈ હોવાનું જાણવા મળ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.