Western Times News

Gujarati News

મ્યુનિ.કોર્પોરેશન ‘ફોગીંગ’નું ખાનગીકરણ કરશે’!!

 

કોન્ટ્રાક્ટરોના ફાયદા પેટે ખરીદ કરવામાં આવેલ રૂ.૧.પ૦ કરોડની દવાનું નુકશાન કરવા તંત્ર તૈયાર

અમદાવાદ : ચોમાસાની સિઝન દરમ્યાન થયેલ વસરદા બાદ મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. જેને નિયંત્રણમાં લેવા માટે ભાજપના કોર્પોરેટરો ઘરે ઘરે ફોગીંગ કરી રહ્યા છે. સદ્દર પરિસ્થિતિના  નિર્માણ માટે મ્યુનિસિપલ હોદ્દેદારોને જ જવાબદાર માનવામાં આવી રહ્યા છે. દર વખતે ચોમાસાની સિઝન અગાઉ આઈઆર સ્પ્રેની કામગીરી શરૂ કરવામાં આવે છે. જેને રાજકીય કારણોસર હજુ શરૂ કરવામાં આવી નથી તથા ચાલુ વર્ષ દરમ્યાન આઈઆર સ્પ્રેનું કામ થાય એવી શક્યતાઓ પણ નહિવત છે.

મ્યુનિસિપલ હોદ્દદારોની ખોટી મમતના પરિણામે આરોગ્ય વિભાગ દ્વારા ખરીદ કરવામાં આવેલી દવા ધુળ ખાઈ રહી છે. જ્યારે માનીતા કોન્ટ્રાક્ટરોના ફાયદા માટે ફોગીંગનું ખાનગીકરણ કરવાની હિલચાલ શરૂ થઈ છે. મ્યુનિસિપલ ભાજપની આ બેવડી નીતિ ચર્ચાનો વિષય બની છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મચ્છર નિયંત્રણ માટે દર વરસે ચોમાસાની સિઝન શરૂ થાય તે માટે ઈન્ડોર રેસીડયુલ સ્પ્રેની કામગીરી શરૂ કરવામાંં આવે છે. જેના માટે ઝોન દીઠ લેબર કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. જ્યારે દવા ખરીદી મનપા દ્વારા થાય છે ચાલુ વરસે પણ આરોગ્ય ખાતાએ જરૂરીયાત મુજબ રૂ.૧.રપ કરોડની દવા ખરીદ કરે છે. તેમજ નિયત સમયે લેબર કોન્ટ્રાક્ટ માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં તમામ કોન્ટ્રાક્ટરોંએ ઘરદીઠ રૂ.૩પ ના ભાવ આપ્યા હતા.

જેની સામે મ્યુનિસિપલ શાસકોએ રૂ.રર ના ભાવની માંગણી કરી હતી. જેનો અસ્વીકાર થયા બાદ રી-ટેન્ડર કરવામાં આવ્યા હતા. જેમાં પણ રૂ.૩પ ના ભાવ જ ભરવામાં આવ્યા છે.  મ્યુનિસિપલ શાસકોના મંતવ્ય મુજબ દર વરસે રૂ.૧૬ થી રૂ.૧૮ના ભાવથી કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. તેથી ડબલ ભાવ આપી શકાય નહીં.

જ્યારે કોન્ટ્રાક્ટરોની દલીલ એવી છે કે દર વસરે સાડા સાત લાખ મકાનોમાં સ્પ્રે કરવાના કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. જેની સામે ચાલુ વરસે માત્ર સવા બે લાખ મકાનમાં જ સ્પ્રે કરવામાં આવી રહ્યા છે. એવી જ રીતે અગાઉ દૈનિક સરરેશ ૧૩૦ મકાનોમાં સ્પ્રે કરવાની શરત હતી. જ્યારે ચાલુ વરસે દૈનિક સરેરાશ ૮૦ મકાનોની જ શરત રાખવામાં આવી છે. જેના પરિણામે લેબર કોસ્ટ વધી જાય છે.

લઘુતમ વેતન ધારા મુજબ લેબરનો પગાર, પીએફ.,ઇન્સ્યોરન્સ તથા મેડીકલ સહિતના ખર્ચની ગણતરી કરવામાં આવે તો રૂ.૩પ થી ઓછા ભાવ પોષાય એમ નથી.  મ્યુનિસિપલ હોદ્દેદારો કોઈપણ સંજાગોમાં રૂ.૩પ ના ભાવ આપવા તૈયાર નથી જ્યારે કોન્ટક્ટ્રરો નીચા ભાવથી કામ કરવા રાજી નથી. આ બંન્નની જીદનો ભોગ શહેરીજનો બની રહ્યા છે.

તેમજ આરોગ્યખતા દ્વારા ખરીદ કરવામાં આવેલી રૂ.૧.રપ કરોડની દવા ધુળ ખાઈ રહી છે. ભાજપના એક હોદ્દેદારના મંતવ્ય મુજબ આ દવાનો ઉપયોગ આગામી વરસે પણ થઈ શકે છે. જ્યારે જાણકારોના જણાવ્યા અનુસાર દવાની એકસપાયરી એક વર્ષની જ હોય છે તેથી ર૦ર૦ બાદ આ દવાનો ઉપયોગ થાય એવી શક્યતા નહીવત છે.

મ્યુનિસિપલ હોદ્દેદારો વધુ ભાવના કારણોસર આઈઆર સ્પ્રેનો કોન્ટ્રાકટ આપવા રાજી નથી. જ્યારે માનીતા રાજકીય કોન્ટ્રાકટરોના લાભાર્થે ફોગીંગનું ખાનગીકરણ કરવા તૈયાર થયા છે. સુત્રોએ જણાવ્યા અનુસાર મેલેરીયા વિભાગ પાસે ૧૦૦ કરતા વધુ ફોગીંગ મશીનો છે. દર વરસે ઝોન દીઠ ર૦ થી રપ ફોગીંગ મશીનનો ઉપયોગ થાય છે. સામાન્ય સંજાગોમાં આટલા મશીનો પુરતા છે.

તેમ છતાં સતાધીશો ઘર દીઠ રૂ.રરના ભાવથી ફોગીંગનો કોન્ટ્રાક્ટ આપવા જઈ રહ્યા છે. જેમાં મશીન, દવા અને લેબર કોન્ટ્રાક્ટરના રહેશે. જેની સામે તગડી રકમ પણ વસુલવામાં આવે છે.  સામાન્ય રીતે કોઈ એક ટાઉનશીપમાં ઓછામાં ઓછા ૪૦૦ થી પ૦૦ મકાનો હોય છે. ખાનગી કોન્ટ્રાક્ટર ટાઉનશીપ કેમ્પસમાં ફોગીંગ કરશે.

જેની સામે ઘર દીઠ રૂ.રર લેખે પેમેન્ટ ચુકવવામાં આવશે. ફોગીંગ ખાનગીકરણનો ડ્રાફટ લગભગ ચાર મહિનાથી તૈયાર છે. તથા પ્રાયોગિક ધોરણે પાલડી વોર્ડમાં તેનો અમલ કરવાની તૈયારી પણ થઈ ચુકી હતી. જે વાત લીક થયા બાદ તેનો અમલ કરવામાં વિલંબ થયો છે. પરંતુ ફોગીંગનું ખાનગીકરણ નિશ્ચિત હોવાના કારણોસર જ આઈઆર સ્પ્રેના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા નથી તેમ સુત્રોએ વધુમાં જણાવ્યુ હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.