Western Times News

Gujarati News

હિંસામાં લોકોને ઉશ્કેરવાના આરોપમાંથી ટ્રમ્પ મુક્ત થયા

પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ પર કાર્યવાહી માટે બે તૃતીયાંશ સભ્યોનું સમર્થન જરૂરી હતું, ટ્રમ્પની તરફેણમાં ૪૩ મત

વોશિંગ્ટન, અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને એક ઐતિહાસિક જીત મળી છે. મહાભિયોગના પ્રસ્તાવ અંગે ચર્ચા કર્યા પછી ૬ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ વોશિંગ્ટનના કેપિટલ હિલમાં થયેલી હિંસાના મામલે ટ્રમ્પને યુએસ સેનેટમાંથી નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. મતદાન પ્રક્રિયા દરમિયાન ટ્રમ્પની તરફેણમાં ૪૩ મત પડ્યા હતા, જ્યારે ૫૭ સેનેટરોએ તેમની વિરુદ્ધ મતદાન કર્યું હતું.

આમ, ટ્રમ્પને દોષી ઠેરવવા માટે જરૂરી બે તૃતીયાંશ મત મળી શક્યા નહીં. જેથી ટ્રમ્પને કેપિટલ હિલ્સમાં થયેલી હિંસામાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. બીજી વખત મહાભિયોગનો સામનો કરી રહેલા યુએસના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વકીલોએ સેનેટમાં પુરાવા રજૂ કરતા કહ્યું કે, તેમના પર હિંસા ભડકાવવાનો જે આરોપ મૂકવામાં આવ્યો છે તે સૌથી મોટું જુઠ છે.

બીબીસીના એક અહેવાલ મુજબ, વકીલ માઇકલ વેન ડેર વીને કહ્યું હતું કે, ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ ડેમોક્રેટ સાંસદોએ શરૂ કરેલી મહાભિયોગ કાર્યવાહી રાજકીય પ્રેરિત હતી. ટ્રમ્પ પર ૬ જાન્યુઆરીએ યુએસ સંસદ ભવન (કેપિટોલ) માં થયેલી હિંસાનો આરોપ હતો, જેમાં પાંચ લોકો મોત નીપજ્યા હતા.

જાેકે તેમણે આ આરોપોને નકારી દીધા હતા. આ દરમિયાન મોટાભાગના રિપબ્લિકન ધારાસભ્યોએ સંકેત આપ્યો છે કે તેઓ ટ્રમ્પને દોષી ઠેરવવા માટે મત નહીં આપે. બચાવ પક્ષે મહાભિયોગની સુનાવણીના ઝડપી નિષ્કર્ષ માટે ચાર કલાકથી ઓછા સમય લીધો. ત્યારબાદ સેનેટરોને બંને પક્ષના પ્રશ્નો પૂછવા માટે ચાર કલાકનો સમય આપવામાં આવ્યો હતો.

આ પહેલા સેનેટરોએ સંસદમાં બે દિવસીય બેઠક યોજી હતી જેમાં વિડીયો અને ઓડિયો ફૂટેજની તપાસ કરવામાં આવી હતી. ડેમોક્રેટિક વકીલોએ બતાવવાની કોશિશ કરી કે ટ્રમ્પ હિંસા ભડકાવવાનું વલણ ધરાવે છે. તેમણે તોફાનોને રોકવા માટે કંઇ જ કર્યું ન હતું અને કોઈ દુઃખ પણ વ્યક્ત નહોતું કર્યું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.