Western Times News

Gujarati News

બાયડ નજીક પીકઅપ ડાલાએ બાઈકને અડફેટે લેતા ઘટનાસ્થળે બે યુવકોના મોત

જ્યારે  સારવાર દરમિયાન ત્રીજા એક આશાસ્પદ યુવાનનું મોત લગ્નપ્રસંગમાં રાસ ગરબા રમવા બાઇક પર નીકળેલા યુવકોને  કાળ ભેટી ગયો

અરવલ્લી જીલ્લામાં અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે વાહનચાલકો ટ્રાફિકના નિયમોનો ઉલાળીયો કરી બેફામ ગતિએ વાહન હંકારતા જીલ્લાના માર્ગો રક્તરંજીત બની રહ્યા છે બાયડના વાંટડાના ચાર યુવકો બાઈક પર સરપોટીયા ગામે લગ્નપ્રસંગમાં નીકળ્યા હતા બાયડ-કપડવંજ રોડ પર કાવઠ પાટીયા નજીક પીકઅપ ડાલાએ બાઈકને અડફેટે લેતા ત્રણ યુવકોના મોત નિપજ્યા હતા

એક યુવકના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે દવાખાને ખસેડાયો હતો અકસ્માતની ઘટનાની જાણ બાયડ પીઆઈ એન.જી.ગોહીલને થતા તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી મૃતક યુવકોની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી એક જ ગામના ત્રણ યુવકોના અકસ્માતમાં મોત નિપજતા આખું ગામ હીબકે ચઢ્યું હતું અકસ્માતના પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું

શનિવારે સાંજે લગ્ન પ્રસંગમાં જવા નીકળેલ વાંટડાના ત્રણ યુવકોને રસ્તામાં કાળનો ભેટો થઇ જતા અકસ્માતમાં ત્રણ યુવકોના મોત નિપજ્યા હતા વાંટડા ગામના નવીનભાઈ સુરેશભાઈ પરમાર,વિનોદકુમાર અરવિંદભાઈ પરમાર,મહેશ ભાઈ છગનભાઈ પરમાર અને વિશાલકુમાર રમેશભાઈ નાયક બાઈક પર સરપોટીયા ગામે સબંધીના ઘરે લગ્નપ્રસંગમાં રાસ-ગરબાનો પ્રોગ્રામ હોવાથી બાઈક લઈને નીકળ્યા હતા બાયડ-કપડવંજ રોડ પર આવેલ કાવઠ પાટિયા નજીક માતેલા સાંઢની માફક આવી રહેલા પીકઅપ ડાલાના ચાલકે બાઈકને ધડાકાભેર ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો

જેમાં નવીનભાઈ અને વિનોદ કુમારનું ઘટનાસ્થળે પ્રાણપંખેરુ ઉડી ગયું હતું ગમખ્વાર અકસ્માતને પગલે આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા અને અકસ્માતમાં ગંભીર ઈજાગ્રસ્ત મહેશ ભાઈ અને વિશાલ કુમારને સારવાર અર્થે દવાખાને ખસેડાતા સારવાર દરમિયાન વધુ એક યુવક મહેશભાઈનું મોત નિપજતા ભારે ચકચાર મચી હતી વિશાલ કુમારની હાલત હાલ સ્થીર હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી અકસ્માતની ઘટનાના પગલે મૃતક યુવકોના પરિવારજનો અને સગા-સબંધી મોટી સંખ્યામાં ઉમટ્યા હતા અને આક્રંદ કરી મુકતા વાતાવરણમાં ગમગીની છવાઈ હતું

બાયડના નાનકડા વાંટડા ગામના ત્રણ આશાસ્પદ યુવકોને કાળ ભરખી જતા આખું ગામ શોકમગ્ન બન્યું હતું એક સાઠે ત્રણ ત્રણ અર્થી ગામમાંથી ઉઠતા ગામ આખું હીબકે ચઢ્યું હતું કોણ કોણે સાંત્વના આપે તેવી કરુણ સ્થિતીનું નિર્માણ થયું હતું      બાયડ પોલીસે જયંતીભાઈ છગનભાઇ પરમારની ફરિયાદના પીકઅપ ડાલાના અજાણ્યા ચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુન્હો  નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

 

દિલીપ પુરોહિત.  બાયડ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.