Western Times News

Gujarati News

ગુજરાતને મેડિકલ ટૂરિઝમનું હબ બનાવવું છે – મુખ્યમંત્રી

બોપલ ખાતે સરસ્વતિ મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદઘાટન કરતા મુખ્યમંત્રી

  • મેડિકલ પોલિસી જાહેર કરીને તાલુકાથી સિવિલ હોસ્પિટલ સુધી સ્વાસ્થ્યસેવાનો વિસ્તાર કર્યો છે
  • દુનિયાના સ્વાસ્થ્ય માપદંડ સાથે કદમ મિલાવવા છે
  • રાજ્યની દશે દિશાઓમાં મલ્ટીસ્પેશીયાલિટી આરોગ્ય સગવડો ઊભી કરવાની નેમ
  • અંતરિયાળ વિસ્તારમાં મલ્ટીસ્પેશીયાલિટી હોસ્પિટલ બને તો તેને સાધનોની ખરીદી, વીજ બિલમાં ઈન્સેન્ટિવ અપાશે.

 મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યની દશે દિશાઓમાં સ્વાસ્થ્ય-આરોગ્ય સેવાઓનો વ્યાપ વિસ્તારી ગુજરાતને મેડિકલ ટૂરિઝમનું હબ બનાવવાની નેમ વ્યક્ત કરી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, રાજ્યમાં નવી મેડિકલ પોલિસી જાહેર કરીને તાલુકાથી શહેરી ક્ષેત્ર સુધી મલ્ટિસ્પેશ્યાલિટી આરોગ્ય સેવાઓનું ફલક વિસ્તારવાનો અભિગમ છે.

અમદાવાદના બોપલમાં  સરસ્વતિ મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પિટલનું ઉદઘાટન કરતાં તેમણે કહ્યું કે, વસતીના માપદંડ પ્રમાણે રાજ્યમાં ડૉક્ટરોની સંખ્યા વધારી દુનિયાના સ્વાસ્થ્યના માપદંડ પ્રમાણે સ્પર્ધા કરવી છે.

તેમણે કહ્યું કે, રાજ્યમાં નવી આરોગ્ય નીતિને પગલે રાજ્યમાં મેડિકલની ૯૦૦ બેઠકો હતી તે વધીને 5500 જેટલી થઈ છે. છ નવી હોસ્પિટલોનું નિર્માણ કર્યું છે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, દિવસેને દિવસે નવા-નવા રોગનું સંક્રમણ વધે છે. તેના ઉપાયો અને સારવાર માટે અધ્યતન સગવડો ઉભી કરવી જરૂરી છે તેથી જ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 8000 બેડની સગવડ વધારીને 12000 બેડની કરી છે. કિડની હોસ્પિટલ યુ. એન. મહેતા હ્યદયરોગ હોસ્પિટલ જેવી આધુનિક હોસ્પિટલ દ્વારા સિવિલ હોસ્પિટલ મેડિસિટી બની રહી છે તેમણે કહ્યું કે, જો કોઈ ડૉક્ટર રાજ્યના અંતરિયાળ વિસ્તારમાં મલ્ટી-સ્પેશ્યાલિટી હોસ્પિટલ શરૂ કરે તો તેને મેડિકલ સાધનો, વીજબિલ વગેરેમાં રાજ્ય સરકાર તરફથી ઈન્સેન્ટિવ પણ આપવામાં આવશે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે લોકોની સ્વાસ્થ્ય રક્ષા માટે મા-અમૃતમ, વાત્સલ્ય, આયુષ્માન ભારત જેવી આરોગ્ય યોજનાઓ દ્વારા લોકોને રૂ. પાંચ લાખ સુધી ની વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે. 70 લાખ લોકોને આ યોજના ના કાર્ડ રાજ્યમાં આપ્યા છે.

તેમણે અકસ્માત વેળા એ રૂ. 50000 ની તાત્કાલિક સહાય, સિનિયર સિટીઝન માટે ‘ની-રિપ્લેસમેન્ટ’ ટ્રાન્સપ્લાન્ટ માટે ‘ગ્રીન કોરિડોર’ ની વ્યવસ્થા જેવા સ્વાસ્થ્યલક્ષી પગલાઓની વિશદ છણાવટ કરી હતી. મુખ્યમંત્રીશ્રી એ નવનિર્મિત સરસ્વતિ હોસ્પિટલ 125 બેડમાંથી 500 બેડની બની લોકોની સ્વાસ્થ્ય સેવા કરી દિન દુખિયાના દર્દ દૂર કરે તેવી કામના કરી હતી.

સરસ્વતિ હોસ્પિટલના ડૉ. એમ. એસ.અગ્રવાલે સ્વાગત પ્રવચન માં પૈસાના અભાવે કોઇ દર્દી હોસ્પિટલમાંથી પાછો ન જાય તેવા ડૉક્ટર ધર્મની ખાતરી આપી હતી. આ અવસરે જગન્નાથ મંદિરના મહંતશ્રી દિલીપદાસજી મહારાજ, ભારતી આશ્રમના મહંતશ્રી વિશ્વંભર ભારતીબાપુએ આશીર્વચન આપ્યા હતા. આર.એસ.એસ.ના પશ્ચિમ ક્ષેત્રના સંચાલકશ્રી ડૉ. જયંતિભાઈ ભાડેશિયાએ પ્રાસંગિક પ્રવચન કરી સમાજમાં સંત શિક્ષક પછી ચિકિત્સકનું કાર્ય અગત્યનું હોય છે તેમ જણાવ્યું હતું.

આ ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્યશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કલેકટરશ્રી ડૉ. વિક્રાંત પાંડે, આર.એસ.એસ.ના પ્રચારકશ્રી નંદલાલજી, અગ્રવાલ કુટુંબના અગ્રણીઓ તથા પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.