Western Times News

Gujarati News

દક્ષિણ આફ્રિકા ખેલાડી ફાફ ડુપ્લેસીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો

દક્ષિણ આફ્રિકાના પુર્વ કેપ્ટન ફાફ ડુપ્લેસીએ ટેસ્ટ ક્રિકેટથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. તેણે બુધવારે સોશિયલ મીડિયા પર પોતાના આ ર્નિણયની જાણકારી આપી. તેણે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોર્ટ લખી કે મારું દિલ આ ર્નિણયને લઈ બિલકુલ સ્પષ્ટ છે. આ નવી શરૂઆત કરવા માટે બિલકુલ યોગ્ય સમય છે. ડુપ્લેસીએ દક્ષિણ આફ્રિકા માટે ૬૯ ટેસ્ટમાં ૪૦થી વધુની સરેરાશથી ૪૧૬૩ રન કર્યા છે. તેણે આ ફોર્મેટમાં કુલ ૧૦ સદી અને ૨૧ અડધી સદી ફટકારી છે.

ડુપ્લેસીએ લખ્યું કે, આ આપણા સૌ માટે મુશ્કેલીઓ સામે લડીને આગળ વધવાનું વર્ષ રહ્યું. ક્યારેક અનિશ્ચિતતા પણ રહી, પરંતુ અનેક પાસાઓને લઈને મારો સ્પષ્ટ મત ઊભો થયો. મારું દિલ સાફ છે અને આ નવા અધ્યાયની શરુઆત કરવા માટે યોગ્ય સમય છે.

તેણે વધુમાં કહ્યું કે, ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં દેશનું પ્રતિનિધિત્વ કરવું એ સન્માનની વાત છે, પરંતુ હવે મારા માટે ટેસ્ટ ક્રિકેટથી સંન્યાસ લેવાનો સમય આવી ગયો છે. ડુપ્લેસીએ કહ્યું કે, આગામી બે વર્ષે આઇસીસી ટી૨૦ વર્લ્‌ડ કપ હશે.

આ કારણે હું મારું ધ્યાન આ ફોર્મેટ માટે કેન્દ્રીત કરી રહ્યો છું. તેણે ગયા વર્ષે દક્ષિણ આફ્રિકાની ટેસ્ટ અને ટી૨૦ની કેપ્ટન્સીનું પદ છોડી દીધું હતું. તેણે ૨૦૧૬માં એબી ડિવિલિયર્સ બાદ આ જવાબદારી સંભાળી હતી.

દક્ષિણ આફ્રિકાના આ પૂર્વ કેપ્ટને કહ્યું કે, હું આગામી ઓસ્ટ્રેલિયા પ્રવાસ સાથે મારી ટેસ્ટ કારકિર્દી ખતમ કરવા માંગતો હતો. મારા માટે આ એવું જ હતું કે જિંદગી ફરીને એક સ્થળે આવી ગઈ હોય. મૂળે તેણે ૨૦૧૨માં ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ એડિલેડમાં પોતાની ટેસ્ટ કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે કહ્યું કે મારી કારકિર્દીનો અંત એવો નથી રહ્યો જેવો મેં વિચાર્યો હતો. તેમ છતાંય મારો વિચાર સ્પષ્ટ છે કે આ ર્નિણય લેવાનો આ યોગ્ય સમય હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.