Western Times News

Gujarati News

ગુજરાત અને રાજસ્થાન રાજ્યના બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર, એચ.ઈ. પીટર કૂકે ધોલેરાની મુલાકાત લીધી

ગાંધીનગર, ગુજરાત અને રાજસ્થાન રાજ્ય ખાતેના બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર, એચ.ઈ. પીટર કૂકે આ સપ્તાહમાં ધોલેરાની લીધેલી મુલાકાત વખતે ભારતના સૌથી મોટા ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટીમાં રોકાણના સંદર્ભમાં અધિકારીઓ અને યુકેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સંકળાયેલા પ્રતિનિધિમંડળો સાથે ટૂંકમાં વાતચીત કરી હતી.

ખાસ કરીને દક્ષિણ એશિયાનું સૌથી મોટું લેન્ડ પાર્સલ તરીકે જાણીતું ધોલેરા દિલ્હી મુંબઈ ઔદ્યોગિક કોરિડોરના આગામી વૈશ્વિક સંકલિત મલ્ટિ મોડલ લોજિસ્ટિક્સ હબ પર વ્યૂહાત્મક રીતે સ્થિત છે.

ગ્રીનફિલ્ડ ઔદ્યોગિક સ્માર્ટ સિટીએ તેની અસંખ્ય પહેલોને સાંકળી છે, જે વાઇબ્રન્ટ આર્થિક કોરિડોરમાં સંભવિત ઉદ્યોગોને નોંધપાત્ર ફાયદો કરશે અને રોકાણની અનેક તકો શરૂ કરશે.ધોલેરા ખાતે અધિકારીઓએ બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર સમક્ષ રાજ્યના આર્થિક માળખામાં વિશેષ રોકાણ ક્ષેત્રની ભૂમિકા અને દેશ તરફના તેના ફાળા અંગે પણ પ્રદર્શન રજૂ કર્યું હતું.

ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ (ડીઆઈસીડીએલ)ના મેનેજિંગ ડિરેક્ટર, આઈએએસ, શ્રી હરીત શુક્લએ જણાવ્યું હતું કે “અમે બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર, અમદાવાદ, એચ.ઈ.પીટર કૂકનું ધોલેરામાં સ્વાગત કરીએ છીએ અને  ઉદ્યોગની તેમની અદભૂત સમજ માટે આભાર માનીએ છીએ.

ધોલેરા એ સંરક્ષણ, ઉત્પાદન, હેવી એન્જિનિયરિંગ, ઓટો અને ઓટો એન્સિલરી, ફાર્મા અને બાયોટેક, એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ અને અન્ય ઘણા ઉદ્યોગો માટે રોકાણનું એક આંતરરાષ્ટ્રીય સ્થળ છે, જે ભારતના આર્થિક વિકાસ માટે સમાયોજક (એગ્રીગેટર) તરીકે કામ કરશે.”

આ મુલાકાતમાં ગ્રીનફીલ્ડ ઔદ્યોગિક સ્માર્ટ સિટીની કામગીરીને લગતી કાર્યક્ષમતાના વૃદ્ધિ માર્ગ અને ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસને ઉત્તેજન આપવા લેવાયેલા વિવિધ પગલાં તથા ધોલેરામાં વ્યવસાયની કાર્યક્ષમતા અને ગુણવત્તામાં વધારો કરવા માટે ટેકનોલોજી અપનાવવા પર ભાર મૂકાયો હતો.

મુલાકાત દરમિયાન અમદાવાદ ખાતેના બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર, એચ. ઈ. પીટર કૂકે જણાવ્યું હતું કે “ધોલેરાની મુલાકાત લેવાનું અને પરસ્પર ફાયદાકારક તકો શોધવાનું ખૂબ રસપ્રદ છે. ધોલેરામાં એવી ઘણી સંભાવનાઓ છે જેમાં યુ.કેના ઉદ્યોગોને રસ પડશે. અમે યુ.કેમાં ઉદ્યોગ અધિકારીઓ સાથે વધુ ચર્ચા કરીને આને ચોક્કસ આગળ ધપાવીશું.

ધોલેરા એ પહેલું ગ્રીનફિલ્ડ ઔદ્યોગિક શહેર છે જેની સ્થાપના ઇન્ડસ્ટ્રી 4.0ની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે કરવામાં આવી રહી છે.આવા વિશેષ રોકાણ ક્ષેત્રની સ્થાપના તેના સર્વગ્રાહી વિકાસને વધુ વેગ આપશે અને ગુજરાતને મેન્યુફેક્ચરીંગથી ચાલતા અર્થતંત્રમાં અગ્રેસર બનાવશે.”

શ્રી પીટર કૂકેગુજરાત અને રાજસ્થાન ખાતેના બ્રિટીશ ડેપ્યુટી હાઈ કમિશનર તરીકે અમદાવાદમાં તેમના કાર્યકાળ પહેલા કતારમાં બ્રિટીશ ચેમ્બર ઑફ કોમર્સના મેનેજિંગ ડિરેક્ટર તરીકે ફરજ બજાવી હતી અને યુકે ફોરેન એન્ડ કોમનવેલ્થ ઓફિસ (એફસીઓ) સાથે તેમની લાંબી અને વૈવિધ્યસભર કારકિર્દી રહી છે.

તેમણે બેલ્જિયમ, નેધરલેન્ડ્સ અને લક્ઝમ્બર્ગમાં કોન્સ્યુલ જનરલ અને ડિરેક્ટર ઑફ ટ્રેડ તરીકે કામગીરી બજાવી છે. અગાઉ તેઓ ડેપ્યુટી કોન્સ્યુલ જનરલ ઇસ્તંબુલ અને તુર્કીમાં ડેપ્યુટી ડાયરેક્ટર ઑફ ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ હતા. તેમણે ડેન્માર્ક, બાર્બાડોસ, કતાર, ગુયાનામાં ફરજ બજાવી છે અને ન્યૂ યોર્કમાં યુએન માટે યુકે મિશનમાં પણ સેવા આપી છે.

ધોલેરા તેના મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે પહેલાથી જ વિશાળ વ્યાપાર તેમજ શહેરી વિકાસ માટે એક મહત્ત્વનું સ્થળ બની ચૂક્યું છે અને તે એક મોડેલ ગ્રીનફિલ્ડ ઔદ્યોગિક સ્માર્ટ સિટી બનવાની તૈયારીમાં છે. આગામી દિવસોમાં, ધોલેરા ઈન્ડસ્ટ્રીયલ સિટી ભારતીય બજારોમાં કામગીરીને વિસ્તારવા માંગતી રાષ્ટ્રીય તેમજ વૈશ્વિક કંપનીઓ માટે ઉત્તમ પસંદગી બની શકે છે, કારણ કે આ પ્રદેશ વૈશ્વિક ગુજરાતનો બિલ્ડિંગ બ્લોક બનાવવાની કલ્પના છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.