Western Times News

Gujarati News

રાજ્યની ૬ મહાનગરપાલિકામાં ૪૧.૯૩% મતદાન-અમદાવાદમાં સૌથી ઓછુ મતદાન 

અમદાવાદ, રાજ્યમાં સવારે મહાનગરપાલિકાઓમાં મતદાન યોજાયું હતું. સવારે ૭ વાગ્યાથી સાંજે ૬ વાગે મતદાન પૂર્ણ થયું હતું. જેમાં સરેરાશ ૪૧.૯૩ ટકા મતદાન નોંધાયું હતું. રાજ્યની ૬ મહાનગર પાલિકાની ચૂંટણી માટે યોજાયેલા મતદાન બાદ ઉમેદવારોનું ભાવિ આગામી ૨૩ ફેબ્રુઆરીએ મતગણતરી બાદ નક્કી થશે.

મહાનગરપાલિકાઓમાં અમદાવાદની ૧૯૨, સુરતની ૧૧૬, વડોદરાની ૭૬, રાજકોટની ૭૨, ભાવનગરની ૫૨ અને જામનગરની ૬૪ બેઠકો પર મતદાન યોજવામાં આવ્યું હતું. ચૂંટણી આયોગની વેબસાઈટ અનુસાર આજે સાંજે ૬ વાગ્યા સુધી અમદાવાદમાં ૩૮.૭૩ ટકા, સુરતમાં ૪૩.૧૮ ટકા, વડોદરામાં ૪૨.૮૨ ટકા, ભાવનગરમાં ૪૩.૬૬ ટકા, રાજકોટમાં ૪૬.૨૪ ટકા, અને જામનગરમાં ૪૯.૬૪ ટકા મતદાન નોંધાયું હતું. સૌથી વધુ મતદાન જામનગરમાં થયું હતું, જ્યારે સૌથી ઓછી મતદાન અમદાવાદ થયું હતું.

કોરોના મહામારીના પગલે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મતદાન મથકો પર વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. રાજ્યના ચૂંટણી કમિશ્નર સંજય પ્રસાદે કોરોના દર્દી મતદાન કરી શકે તે માટે અંતિમ કલાકમાં ખાસ વ્યવસ્થા કરી હતી.

તો બીજી તરફ ૪૮ ક્યુઆરટીની ટીમ, ૧૬ સ્ટ્રોંગરૂમ, ૧૬ રિસીવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટર બનાવાયા હતા. ઉપરાંત ૫૨૨૬ બુથ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. અતિસંવેદનશીલ વિસ્તારમાં કુલ ૧૭૭ બુથ અને સંવેદનશીલ બુથો પર ૧૭૯૯ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો.

૬ મહાનગરપાલિકાની પાછલી ચૂંટણી જે વર્ષ ૨૦૧૫માં યોજાઈ હતી તેના પરિણામ પર નજર કરીએ તો, વર્ષ ૨૦૧૫માં અમદાવાદ મહાનગરપાલિકા ની ચૂંટણીમાં ભાજપની જીત થઈ હતી. તમામ મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો હતો. તો સાથે જ કયા મહાનગરપાલિકામાં કોને કેટલી બેઠક મળી હતી તે પણ જાણીએ.

અમદાવાદ મહાનગરપાલિકાની ૧૯૨ બેઠકમાંથી ભાજપે ૧૪૨ બેઠક જીતી હતી. કોંગ્રેસે ૪૯ બેઠક જીતી હતી. જ્યારે ૧ બેઠક અપક્ષ ઉમેદવારના ફાળે ગઈ હતી. રાજકોટ મહાનગરપાલિકાની વર્ષ ૨૦૧૫ની ચૂંટણીમાં ભાજપની જીત થઈ હતી. રાજકોટ મહાનગરપાલિકાની ૭૨ બેઠક પર ભાજપે ૪૦ બેઠક જીતી હતી. કોંગ્રેસે ૩૨ બેઠકો જીતી હતી.

વર્ષ ૨૦૧૫ની ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામ પર નજર કરીએ તો વર્ષ ૨૦૧૫માં ભાવનગર મહાનગર પાલિકામાં ભાજપે ચૂંટણી જીતી હતી. ભાવનગર મહાનગરપાલિકાની ૫૨ બેઠકમાંથી ભાજપ ૩૪ બેઠક જીતી હતી. કોંગ્રેસે ૧૮ બેઠક જીતી હતી.

જામનગરમાં વર્ષ ૨૦૧૫માં ભાજપે ચૂંટણી જીતી હી. જામનગર મહાનગપાલિકાની ૬૪ બેઠકમાંથી ૩૮ બેઠક પર ભાજપની જીત થઈ હતી. કોંગ્રેસે ૨૪ બેઠક જીતી હતી. જ્યારે ૨ અપક્ષ ઉમેદવારોએ જીતી હતી. સુરત મહાનગરપાલિકામાં વર્ષ ૨૦૧૫માં ભાજપે ચૂંટણી જીતી હતી. સુરતમહાનગરપાલિકાની ૧૧૬ બેઠકમાંથી ભાજપે ૮૦ બેઠક જીતી હતી. જ્યારે કોંગ્રેસે ૩૬ બેઠક જીતી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.