Western Times News

Gujarati News

મેયર-કમીશ્નર ઈલેકટ્રીક મોટરકારનો ઉપયોગ કરશે

(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છેલ્લા કેટલાક સમયથી પર્યાવરણની જાળવણી માટે સજાગ થયું છે. શહેરમાં પ્રદુષણ ની માત્રામાં ઘટાડો કરવા માટે જનમાર્ગ અંતર્ગત ઈલેકટ્રીક બસ ખરીદ કરવામાં આવી છે. તેમજ “જેટ” અંતર્ગત ૪૮ ઈ.રીક્ષા પણ લેવામાં આવી છે. ઈલેકટ્રીક વાહનો માટે ૧૦૦ જેટલા રી-ચાર્જ પોઈન્ટ તૈયાર કરવા માટે ભારત સરકારની સંસ્થા સાથે કરાર કરવામાં આવ્યા છે. સદ્દર સંસ્થા દ્વારા બે ઈલેકટ્રીક મોટરકાર કોર્પોરેશનને આપવામાં આવી છે. જેનો પ્રયોગ સફળ થશે તો ભવિષ્યમાં ઈલેકટ્રીક કાર ની ખરીદી કરવામાં આવશે. સંસ્થા દ્વારા આપવામાં આવેલ કારનો ઉપયોગ મેયર અને કમીશ્નર કરશે.

ગ્લોબલ વોર્મીગના પગલે પર્યાવરણની સુરક્ષા જરૂરી બની છે. કેન્દ્ર સરકારના નિર્દેશ બાદ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા જનમાર્ગ માટે પ૦ ઈલેકટ્રીક બસની ખરીદી કરવામાં આવી છે. જે પૈકી ૧૧ બસ ની ડીલીવરી પણ મળી ગઈ છે. જેના માટે રાણીપ અને નારણપુરા ડેપોમાં ચાર્જીગ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. રાણીપ ડેપોમાં ૧૮ તથા નારણપુરામાં ૩ર બસ ચાર્જ થઈ શકે છે. જનમાર્ગમાં વધુ ૩૦૦ બસ ની ખરીદી માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

જનમાર્ગમાં ઈલેકટ્રીક વાહનોની સફળતા બાદ બે દિવસ અગાઉ લોન્ચ કરવામાં આવેલ “જેટ”માં પણ ૪૮ ઈલેકટ્રીક રીક્ષાની ખરીદી કરવામાં આવી છે. તથા વિશ્વ પર્યાવરણ દિવસે ભારત સરકારના એકમ એનર્જી એકસીયન્સી લીમીટેડ સાથે ૧૦૦ ચાર્જીગ સેન્ટર તૈયાર કરવાના કરાર કરવામાં આવ્યા છે. તે જ દિવસે સદ્દર સંસ્થાએ કોર્પોરેશનને બે ઈલેકટ્રીક મોટરકાર આપી છે.

જેનો પ્રાયોગીક ધોરણે બે મહીના માટે મેયર અને કમીશ્નર દ્વારા વપરાશ કરવામાં આવશે. મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન અમુલભાઈ ભટ્ટના સંપર્ક કરતા તેમણે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે એનર્જી એફીસીયન્સી લીમીટેડ તરફથી બે નંગ ઈલેકટ્રીક મોટરકાર “ડેમો” માટે આપવામાં આવી છે.

આ બંને કારના ઉપયોગ મેયર અને કમીશ્નર દ્વારા કરવામાં આવશે. બે મહીના બાદ તેના પરીણામ ના આધારે ઈલેકટ્રીક કારની ખરીદી માટે નિર્ણય કરવામાં આવશે. પ્રદુષણ પર નિયંત્રણ મેળવવા તથા કરકસરના ભાગરૂપે કોર્પોરેશન દ્વારા તબકકાવાર ઈલેકટ્રીક વાહનોની ખરીદી થઈ શકે છે. તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

મ્યુનિ. કોર્પોરેશનના આંતરીક સુત્રોએ જણાવ્યા મુજબ એનર્જી એફીસીયન્સી લીમીટેડ દ્વારા ટાટા કંપનીની ઈલેકટ્રીક મોટરકાર કોર્પોરેશનને આપવામાં આવી છે. જેની બજારકિંમત રૂ.૧ર લાખ છે કે એક વખત ચાર્જીગ કર્યા બાદ ૧ર૦ કિલોમીટર દોડી શકે છે. ગુજરાતમાં આ પ્રકારની મોટરકારનો ઉપયોગ કરનાર અમદાવાદ પ્રથમ મહાનગરપાલિકા છે. બે મહીનાના ડેમો બાદ પણ કાર કોર્પોરેશન પાસે જ રહેશે. તથા પરીણામના આધારે ખરીદી માટે નિર્ણય કરીને ટેન્ડર જાહેર કરવામાં આવશે તેમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.