Western Times News

Gujarati News

તાંત્રિક વિધિથી રુપિયા ડબલની લાલચે ૫.૫ લાખ ગુમાવી દીધા

પ્રતિકાત્મક

બાવળાના શખ્સને તાંત્રિક અને તેના બે સાથી છેતરીને ફરાર થઇ ગયા, યુવકના હાથમાં માત્ર નારિયેળ જ આવ્યું

વડોદરા,  વધારે પૈસાની લાલચ રાખો તો નુકસાન ભોગવવાનો જ વારો આવે. આવું જ કંઈક બાવળાના એક વ્યક્તિ સાથે થયું છે. જેને તાંત્રિક વિધિ દ્વારા રુપિયા બમણા કરવાની લાલચમાં ૫.૫ લાખની રોકડ ગુમાવવાનો વારો આવ્યો છે અને બદલામાં તેના હાથમાં માત્ર ‘નારિયેળ’ આવ્યું છે.

બાવળામાં રહેતા જયદીપસિંહ પરમારે બોડેલી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા તાંત્રિક અને તેના બે સાથીઓ શંકર તેમજ અબ્દુલ સામે ૫.૫ લાખ રુપિયા લઈને નાસી ગયા હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ પૈસા ફરિયાદી અને તેના પિતરાઈ ભાઈ ધનરાજસિંહે આપ્યા હતા.

ધનરાજસિંહને તેના બે મિત્રો સાહિલ અને મનિષ પાસેથી જાણકારી મળી હતી કે, છોટા ઉદેપુરમાં આશ્રમ ધરાવતો તાંત્રિક કેટલીક વિધિ કરીને પૈસા ડબલ કરી આપે છે. તેઓ ચારેય ૧૭મી ફેબ્રુઆરીએ અબ્દુલ અને શંકરની સાથે આશ્રમ ગયા હતા અને શરુઆતમાં ૨.૫ લાખ રુપિયા રોકડા આપ્યા હતા.

તાંત્રિકે સ્ટીલની પેટીમાં રોકડ રકમ રાખી હતી અને વિધિ બાદ તે પરમારને આપી હતી. સાથે જ જ્યાં સુધી કહેવામાં ન આવે ત્યાં સુધી તેને ન ખોલવા માટે પણ કહ્યું હતું. વિધિ પત્યા બાદ ૧૭મી ફેબ્રુઆરીએ મોડી રાતે તાંત્રિકે તેમને ઘરે જવા માટે કહ્યું હતું.

૨૦મી ફેબ્રુઆરીએ, તાંત્રિકે ધનરાજસિંહને ફોન કર્યો હતો કે ૧૧ દિવસ પછી રુપિયા બમણા થઈ જશે, પરંતુ જાે તે તાત્કાલિક પરિણામ ઈચ્છે છે તો તેણે વધુ ૩ લાખ રૂપિયા રોકડા આપવા પડશે. ધનરાજસિંહે આ અંગે પરમારને જાણ કરી હતી અને બાદમાં બંને ૨૨મી ફેબ્રુઆરીએ બોડેલી ગયા હતા, જ્યાં તેમણે વિધિ માટે રોકડ આપી હતી. મંદિર બહાર અચાનક પીસીઆર વાન ઉભી રહેતા તાંત્રિકે વિધિ રોકી હતી અને અબ્દુલ સાથે રોકડ લઈને નાસી ગયો હતો.

પરમારે કહ્યું કે, શરુઆતમાં તેને ખ્યાલ આવ્યો નહીં કે શું થયું, પરંતુ જ્યારે તેણે તાંત્રિકે આપેલી સ્ટીલની પેટી ખોલી તો તેમાં રોકડ નહોતી, તેમા માત્ર એક નારિયેળ હતું. તાંત્રિકે મૂર્ખ બનાવ્યા હોવાની જાણ થતાં પરમારે મંગળવારે તાંત્રિક, શંકર અને અબ્દુલ સામે ફરિયાદ નોંધાવી હતી.

પીસીઆર વાન યોગાનુયોગ મંદિર પાસેથી પસાર થઈ રહી હતી, પરંતુ તાંત્રિક ડરી ગયો હતો અને નાસી છૂટ્યો હતો. અમે તાંત્રિકના બે સાથીઓ વિશે ફરિયાદીના મિત્રોની પૂછપરછ કરી રહ્યા છીએ’, તેમ બોડેલી પોલીસ સ્ટેશનના સબ-ઈન્સપેક્ટર સરવૈયાએ જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.