Western Times News

Gujarati News

ત્રાસથી આપઘાત કરવા જાય છે તેવું જણાવતા પતિએ ‘તું મરી જા અને વીડિયો મોકલજે’

Files Photo

અમદાવાદ: પતિ-પત્નીના સંબંધોમાં એવી અનેક ઘટનાઓ સામે આવતી હોય છે જેમાં પત્ની પતિ વચ્ચે ગંભીર ઝઘડાઓ થાય છે પરંતુ આ ઝઘડાઓમાં ક્યારેક એવી સ્થિતિ આવે છે કે વ્યક્તિ પોતાનો જીવ આપવા મજબૂર થઈ જાય છે, જીવ આપતા પહેલાં એ ત્યાં સુધી કહે છે કે કુદરત હવે મને માણસોનું મોઢું નથી જાેવું. બસ આવી જ એક પરિણીતાએ જિંદગીથી થાકી હારી અને સાબરમતીમાં ઝંપલાવી આપઘાત કરી લીધો છે.

બે દિવસ પહેલા સાબરમતી રિવરફ્રન્ટ પરથી નદીમાં ઝંપલાવી એક મહિલાએ આપઘાત કરી લેતા આ મામલે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે મહિલાના પતિ સામે ગુનો નોંધ્યો છે.પરિણીતા આપઘાત કરવા પહોંચી તે પહેલા પિતાના ખબર અંતર પૂછ્યા હતા. બાદમાં પતિને પણ ફોન કરી તે તેના ત્રાસથી આપઘાત કરવા જાય છે તેવું જણાવતા પતિએ ‘તું મરી જા અને વીડિયો મોકલજે’ તેવું જણાવતા મહીલાએ આપઘાત કરતા પહેલા પતિને વિડીયો પણ મોકલ્યો હતો. ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમે પરિણીતાની લાશ બહાર કાઢી પોલીસને જાણ કરતા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

વટવા માં રહેતા લિયાકતઅલી મકરાણી સિલાઈ કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓને સંતાનમાં મોટી દીકરી હીના કે જેના લગ્ન થઈ ગયા છે, દીકરો આમિર, દીકરો અરમાન છે અને દીકરી આઇશા ઉર્ફે સોનુ હતી. તેઓએ દીકરી આઇશા ઉર્ફે સોનુના લગ્ન વર્ષ વર્ષ ૨૦૧૮ માં રાજસ્થાન ખાતે રહેતા આરીફ ખાન સાથે કરાવ્યા હતા. લગ્ન બાદ આઇશા ને તેનો પતિ અને સાસરિયાઓ દહેજ બાબતે ત્રાસ આપતા હતા. વર્ષ ૨૦૧૮માં ડિસેમ્બર માસમાં તેનો પતિ દહેજ માંગી ઝઘડો કરી આઇશા ને પિયરમાં મૂકી ગયો હતો.

બાદમાં સમાજના લોકો ભેગા કરી સમાધાન કરી તેને પાછી સાસરે વળાવી હતી.બાદમાં જમાઈ આરીફ આઇશા ના ઘરે આવ્યો અને દહેજ માંગી દોઢ લાખ રૂપિયા લઈ ગયો હતો. બાદમાં ફરી આઇશાને તેડી જઈ પાછી તેને પિયરમાં મૂકી જતા આઇશાએ વટવા પોલીસસ્ટેશનમાં પતિ, સાસુ સસરાએ સહિતના લોકો સામે ફરિયાદ નોંધાવી હતી અને કોર્ટમાં પણ ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કર્યો હતો. બાદમાં આ આઇશા બેંકમાં મ્યુચ્યુલ ફન્ડ વિભાગમાં નોકરી કરવા લાગી હતી.

ગત ગુરુવાર ના રોજ આઇશા નોકરીએ ગઈ હતી. પિતાને ફોન કરી જાણ કરી અને આઇશા રિવરફ્રન્ટ પર પહોંચી હતી. બાદમાં આઇશાની માતાએ કોઈ પગલું ન ભરે તે માટે સમજાવી હતી. બાદમાં માતા પિતા તેને શોધવા નિકળયા ને આઇશાના ફોન પરથી અજાણી વ્યક્તિએ ફોન કરીને જણાવ્યું કે બેગ અને ફોન ખોડિયાર નગર રિવરફ્રન્ટ વોક વે પાસે બિનવારસી મળી આવ્યો છે. જેથી ત્યાં જઈને તપાસ કરી તો ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમે નદીમાં સર્ચ કરી એક મહિલાની એટલેકે આઇશાની ડેડબોડી બહાર કાઢી હતી.

જેથી ત્યાં પોલીસને જાણ કરાતા રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ પણ ત્યાં પહોંચી અને બાદમાં આઇશાના મોબાઈક ફોનમાં જાેયું તો તેણે એક વિડીયો બનાવી તેના પતિને મોકલ્યો હતો. પતિના ત્રાસથી આઇશાએ આપઘાત કરતા પોલીસે આ મામલે વિડીયોના પૂરાવાના આધારે આઇશાના પતિ સામે દુષપ્રેરણા નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.