Western Times News

Gujarati News

વધુ ૨ ઈનિંગ્સમાં નહીં ચાલે તો બની જશે સૌથી ખરાબ રેકોર્ડ

નવી દિલ્હી: વિરાટ કોહલી આ નામ સામે આવે એટલે સતત રન ફટકારનાર બેટ્‌સમેનનું નામ જ નજરની સામે આવે. પરંતુ છેલ્લાં કેટલાંક સમયથી તેનું બેટ બોલ્યું નથી. ટેસ્ટ હોય કે વન-ડે. પછી ટી-૨૦. વિરાટ કોહલી એકપણ ફોર્મેટમાં સદી ફટકારી શક્યો નથી. હાલમાં ઈંગ્લેન્ડ સામે ચાર ટેસ્ટ મેચની સિરીઝ ચાલી રહી છે. તેમાં ચાહકોને આશા હતી કે વિરાટ કોહલીના બેટમાંથી રનનો ધોધ નીકળશે. પરંતુ તે તમામ આશા ઠગારી નીવડી.

એક નહીં પરંતુ ત્રણ ટેસ્ટ પૂરી થઈ ગઈ છે. પરંતુ હજુ સુધી કોહલીના બેટમાંથી સદી નીકળી શકી નથી. વિરાટ કોહલીને સચિન તેંડુલકરની ૧૦૦ સદીના રેકોર્ડને તોડવાનો દાવેદાર માનવામાં આવી રહ્યો છે. પરંતુ લાંબા સમયથી તે પોતાની ૭૧મી સદી માટે તરસી રહ્યો છે. વિરાટ કોહલીએ છેલ્લે બાંગ્લાદેશ સામે નવેમ્બર ૨૦૧૯માં ડે-નાઈટ ટેસ્ટમાં સદી ફટકારી હતી. પરંતુ તેના પછીથી કોહલી ક્રિકેટના એકપણ ફોર્મેટમાં સદી ફટકારી શક્યો નથી.

સંયોગની વાત એ છે કે તેની છેલ્લી સદી પણ ડે-નાઈટ ટેસ્ટમાં જ જાેવા મળી હતી. કોહલીએ ૨૦૦૮માં આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી હતી. તેના પછી ૨૦૨૧ સુધી ૧૩ વર્ષમાં ૭ સદી ફટકારી છે. ૨૦૧૯ના અંત સુધી ફેન્સ દાવો કરવા લાગ્યા હતા કે જે સ્પીડથી કોહલી સદી ફટકારી રહ્યો છે તે સચિનનો રેકોર્ડ તોડી નાંખશે. તેના પછી જાણે કોહલીને નજર લાગી ગઈ. ૧૧ ઈનિંગ્સથી સદી માટે તરસતો કોહલી અમદાવાદ ટેસ્ટમાં માત્ર ૨૭ રન બનાવીને આઉટ થઈ ગયો. ૫૮ બોલ રમ્યા પછી તેને જેક લીચે કલીન બોલ્ડ કરી દીધો.

કોહલીની કારકિર્દીમાં આ બીજી વખત એવું બન્યું છે. જ્યારે તે ૧૧ ઈનિંગ્સમાં કોઈ સદી ફટકારી શક્યો નથી. તેની પહેલાં ઓગસ્ટ ૨૦૧૫થી લઈ જુલાઈ ૨૦૧૬ની વચ્ચે ૧૧ ઈનિંગ્સ સુધી કોહલીના બેટમાંથી એકપણ સદી નીકળી ન હતી. સદી માટે સૌથી લાંબો ઈંતઝાર કોહલીને ૨૦૧૧-૧૨માં કરવો પડ્યો હતો. જ્યારે ૧૩ ઈનિંગ્સમાં તે એકપણ સદી ફટકારી શક્યો ન હતો. ૨૦૦૮ પછીથી ૨૦૨૦નું પહેલું એવું કેલેન્ડર યર હતું

જ્યારે વિરાટ કોહલીના બેટમાંથી કોઈ સદી નીકળી નથી. કોરોનાથી પ્રભાવિત રહેલા વર્ષ ૨૦૨૦માં વધારે ક્રિકેટ મેચ રમી શકાઈ નહીં. કોહલીએ ૬ ટેસ્ટ મેચની ૧૧ ઈનિંગ્સમાં ૩ વખત અર્ધસદી ફટકારી છે. જાેકે તે એકપણ વાર તેને સદીમાં ફેરવી શક્યો નથી. વન-ડે અને ટી-૨૦ મેચમાં પણ કોહલીના નામે આ સમયમાં કોઈ સદી નથી. કોહલીએ વન-ડેમાં છેલ્લે પોતાની સદી ઓગસ્ટ ૨૦૧૯માં વેસ્ટ ઈન્ડિઝ સામે ફટકારી હતી.

જ્યારે ટી-૨૦ મેચમાં કોહલી બે વખત સદીની નજીક પહોંચ્યો. પરંતુ સફળ થઈ શક્યો નહીં. ત્રણેય ફોર્મેટમાં મળીને કુલ ૩૫ ઈનિંગ્સ (૧૧ ટેસ્ટ, ૧૨ વન-ડે અને ૧૨ ટી-૨૦)થી વિરાટ કોહલીનું બેટ સદીથી વંચિત રહ્યું છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ૪થી ૮ માર્ચની વચ્ચે ચોથી ટેસ્ટ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. હાલ ૪ ટેસ્ટ મેચની સિરીઝમાં ભારત ૨-૧થી આગળ છે. છેલ્લી ટેસ્ટ મેચ જીતીને ભારત વર્લ્‌ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પ્રવેશવાનો પ્રયાસ કરશે. ત્યારે શું આ મેચમાં કોહલીનો રનનો દુકાળ પૂરો થશે કે પછી તેને હજુ વધારે સમય રાહ જાેવી પડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.