Western Times News

Gujarati News

સ્ટુડન્ટ વિઝાને નામે રૂ.દસ લાખનો ચૂનો લગાડનાર મુંબઈની ગેંગ ઝડપાઈ

બે ભાઈ અને એક મહિલા મળીને લોકો પાસેથી વિઝાના નામે રૂપિયા પડાવી લેતાં હતાં

અમદાવાદ, વિદેશમાં સ્ટુડન્ટ વિઝા સહિત અનેક વિઝાઓની લોભામણી સ્કીમ આપીને ઠગાઈ કરી મુંબઈની ગેંગનો પર્દાફાશ (naroda police arrested mumbai based fake student visa gang ) નરોડા પોલીસે કરતાં એક મહિલા સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. નરોડા પોલીસ સ્ટેશનમાં ૧૦ લાખ રૂપિયાના ચીટિંગની ફરિયાદ નોંધાઈ હતી જેમાં પોલીસે ત્રણેય લોકોની ધરપકડ કરી છે.

નરોડા વિસ્તારમાં આવેલા લક્ષ્મીવિલા ગ્રીન્સમાં રહેતા નીલેશ પટેલે નરોડા પોલીસ સ્ટેશનમાં ૧૪.પ૦ લાખ રૂપિયાના ચીટિંગની ફરિયાદ કરી હતી. નીલેશ પટેલે વિદેશમાં સ્ટુડન્ટ વિઝા પર જવાનું હોવાથી તેને મુંબઈના એજન્ટ દીક્ષિત પરષોત્તમભાઈ મેણાત અને તેના ભાઈ હિમાંશુ મેણાત અને માનસી ઉર્ફે મધુ યશવંતરાવ સાથે મુલાકાત થઈ હતી. વર્ષ ર૦૧૯ બાદ આ ટોળકીએ નીલેશ પટેલ પાસેથી નોર્થ અમેરિકામાં સ્ટુડન્ટ વિઝા કરાવી આપવાના ટુકડે ટુકડે ૧૪.પ૦ લાખ રૂપિયા લીધા હતા.

રૂપિયા લીધા બાદ આ ત્રણેય જણાએ નીલેશને વિઝા કરાવી આપ્યા નહી અને ગમે તેમ સમય પસાર કર્યો હતો ત્યારબાદ નીલેશને જયારે તેની સાથે ચિટિંગ થઈ હોવાની જાણ થઈ ત્યારે તેણે રૂપિયા પરત માગવાનું શરૂ કર્યું હતું બે ભાઈ અને એક મહિલાએ નીલેશને રૂ.૪.પ૦ લાખ રૂપિયા પરત કર્યા હતા  જયારે ૧૦ લાખ રૂપિયા પરત આપવા માટે આનાકાની કરતા હતા.

અનેક વખત નીલેશે ઉઘરાણી કરી છતાંય તેમને રૂપિયા નહી આપતા અંતે નરોડા પોલીસે ત્રણેય જણા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. પોલીસે ૧૦ લાખ રૂપિયાના ચીટિંગના કેસમાં ગઈકાલે દીક્ષિત, હિમાંશુ અને માનસીની મુંબઈથી ધરપકડ કરી છે. ત્રણેય આરોપીઓ વિરુદ્ધ વિદેશમાં લઈ જવાના બહાને લાખ રૂપિયાની ચીટિંગની ફરિયાદ પોલીસ સ્ટેશનોમાં નોંધાઈ છે.

વર્ષ ર૦૧૪માં મુંબઈના આંબોલી પોલીસ સ્ટેશનમાં તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી, જયારે વર્ષ ર૦૧૬માં મુંબઈના ખાર પોલીસ સ્ટેશનમાં તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. (એન.આર.)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.