Western Times News

Gujarati News

આયશાએ આપઘાત પહેલાં ૭૦ મિનિટ પતિ સાથે વાત કરી

અમદાવાદ: બે દિવસ પહેલા રિવરફ્રન્ટ પર પરિણીતાના આપઘાતની ઘટનાએ સૌકોઈના રૂવાંટા ઊભા કરી નાંખ્યા હતા. આ ઘટનામાં પરિણીતાએ આપઘાત કરતા પહેલા એક વિડીયો બનાવી હસતા મોઢે પોતાની વાત જણાવી હતી. આ કેસમાં પોલીસે આરોપી પતિ આરિફની શોધખોળ હાથ ધરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આરીફખાન રાજસ્થાન કોઈ લગ્નમાં ગયો હતો, જ્યાંથી તે ફરાર થઇ ગયો હતો.

જેથી આમાં તેના પરિવારનો પણ હાથ હોવાની શક્યતા છે. હાલ પોલીસે આઇશાનો ફોન એફ.એસ.એલ માટે મોકલી આપ્યો છે અને સમગ્ર મામલે આઇશાના પરિવાર તરફી હેરેસમેન્ટ અને આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી આરીફખાનની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

આયશાની જેમ અન્ય કોઈ યુવતી સાથે આવું ન બને તે માટે આયશાના પિતા લિયાકત ભાઈએ અપીલ કરી છે કે તેમને ન્યાય મળે. તેમના વકીલનું કહેવું છે કે આયશાનો પતિ આરિફ તેને ખુબ જ ત્રાસ આપતો હતો અને તેને અન્ય કોઈ મહિલા સાથે લગ્નનું પ્લાનિંગ કરી રહ્યો હતો.

પોલીસે તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આયશાએ આપઘાત પહેલા ૭૦ મિનિટ આરીફ સાથે વાત કરી હતી. આ વાતચીતમાં આરીફ વારંવાર વટવામાં નોંધાવેલી ફરિયાદ પાછી લેવા દબાણ કરી ત્રાસ આપતો હતો. પોતાના લગ્ન જીવનથી કંટાળીને સાબરમતી નદીમાં ઝંપલાવીને આત્મહત્યા કરનારી વટવાની આયેશાએ તેના અંતિમ વીડિયોમાં પતિને ભલે માફી આપી હોય, પરંતુ તેના પિતા લિયાકતઅલી મકરાણી તેને માફ કરવા તૈયાર નથી. આયેશાના પિતાએ કહ્યું હતું કે ‘મને કોઈ ગમે તેટલા રુપિયા આપે તો પણ હું મારી દીકરીના હત્યારાને માફ નહિ કરું.

તેણે મારી દીકરીને આત્મહત્યા માટે મજબૂર કરી છે, તેની જિંદગી દોજખ બનાવી દીધી હતી. તે મારી દીકરીનો હત્યારો છે, તેને ક્યારેય માફ નહિ કરું. શહેરના વટવા વિસ્તારમાં રહેતી પરિણીતાએ રિવરફ્રન્ટ પરથી સાબરમતીમાં આપઘાત કરી હોવાની ઘટના સામે આવી હતી. પરિણીતાએ પહેલા પિતાના ખબર અંતર પૂછ્યા હતા અને બાદમાં પતિને ફોન કરીને તેના ત્રાસથી આપઘાત કરવા જાય છે

તેવું જણાવતા પતિએ ‘તું મરી જા અને વિડીયો મોકલજે’ તેવું કહ્યું હતું. પરિણીતાએ આપઘાત પહેલા રિવરફ્રન્ટ ખાતે એક વિડીયો બનાવીને પતિને મોકલ્યો હતો હવે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ સાથે આપઘાત પહેલા પરિણીતાએ તેના પિતા સાથે જે વાત કરી હતી તેનો પણ ઓડિયો વાઈરલ થયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.