Western Times News

Gujarati News

ભાભી-દિયરના મુકાબલામાં ભાજપે કોંગ્રેસને પછાડ્યું

ભાજપના ઉમેદવાર પાયલબેન બાપોદરાએ તેમના સગા દિયર કોંગ્રેસના વિજય બાપોદરાને પરાજય આપ્યો

પોરબંદર,  આજે જ્યારે ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોના પરિણામ આવી રહ્યા છે. ત્યારે પોરબંદર-છાંયા સંયુક્ત નગરપાલિકાના વોર્ડ નં-૧ના પરિણામે બધાને ચોંકાવી દીધા છે અને જ્યાં જુઓ ત્યાં છેક આખા ગુજરાતમાં આ પરિણામની ચર્ચા જાગી છે.

તેનું મુખ્ય કારણ વોર્ડ નંબર ૧માં સામસામે ઉભા રહેલા બે ઉમેદવારો છે. ભાજપમાંથી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ અજય બાપોદરાના પત્ની પાયલબેન બાપોદરાને ટિકિટ આપી ચૂંટણી લડાવવામાં આવી હતી જેની સામે કોંગ્રેસમાંથી તેમના સગા દિયર વિજય બાપોદરા ચૂંટણી લડ્યા હતા.

જાેકે આજે પરિણામમાં કોંગ્રેસ ઘર અને નગરપાલિકા બંને જગ્યાએ હારી ગયું છે. મહત્વનું છે કે વિજેતા ભાભી પાયલબેનના દિયર વિજય બાપોદરા કાૅંગ્રેસમાં જાેડાયેલા તે પહેલાં બોખીરામાં ભાજપના નેતા હતા અને ૧૦ વર્ષથી ખૂબ જ સક્રિય હતા. જાેકે, તેઓ પોતાના ૩૦૦ ટેકેદારો સાથે મોઢાવાડિયાની હાજરીમાં કાૅંગ્રેસમાં જાેડાઈ ગયા હતા. જેથી ચૂંટણી પૂર્વે ડિસેમ્બરમાં જ કોંગ્રેસમાં જાેડાયેલા વિજયભાઈને ટિકિટ આપીને કોંગ્રેસ સમજતી હતી કે તેણે હુકમનું પાનું મેદાને ઉતાર્યું છે જાેકે આજે ચૂંટણી પરિણામના દિવસે આખી બાજી પલટાઈ ગઈ હતી.

પોરબંદર છાંયા નગરપાલિકાના વૉર્ડ નંબર ૧માં એક જ પરિવારના બે સભ્યો અલગ અલગ પક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી. જેમાં દિયર કોંગ્રેસમાંથી અને તેમના ભાભીએ ભાજપમાંથી ઉમેદવારી નોંધાવતા કોને મત આપવો તેને લોકો દુવિધામાં હતા. વ્યક્તિને મત આપવો કે પક્ષને પરંતુ લાગે છે કે મતદારોએ આ મુશ્કેલીમાંથી પોતાનો ઉપા શોધી લીધો હશે અને સવાલનો જવાબ પણ તેમણે આપી દીધો છે.

અને છાયાની સંયુક્ત નગરપાલિકા બન્યા બાદ આ પહેલી ચૂંટણી છે. તેવામાં ચૂંટણીના થોડા સમય પહેલા જ સ્થાનિક સ્તરે ભાજપના પ્રભાવશાળી નેતામાં ગણાતા વિજય બાપોદરાએ કોંગ્રેસનો હાથ પકડી લેતા આ ચૂંટણીમાં નવા જૂની થવાના એંધાણ દેખાતા હતા જાેકે પરિણામ આવતા તમામ લોકો આશ્ચર્યા પામ્યા હતા.

આ અંગે ભાજપના ઉમેદવાર પાયલબેન બાપોદરાએ કહ્યું હતું કે અમે ચૂંટણી પહેલા જ લોક સંપર્કમાં દરેક મતદારને જણાવતા હતા કે તમે વ્યક્તિ નહીં પક્ષે કરેલા વિકાસ કાર્યોને જુઓ અને અમારી વિકાસલક્ષી રાજનીતિનો આખરે વિજય થયો છે.
ચૂંટણી પહેલા કોંગ્રેસનો હાથ પકડતા વિજય બાપોદરાએ ભાજપ સામે આરોપ મૂકતા કહ્યું હતું કે ભાજપ પક્ષમાં ભ્રષ્ટાચાર સિવાય બીજી કોઈ વાત નથી હાલ મોંઘવારી વધી રહી છે તેનું કારણ પણ ભ્રષ્ટાચાર છે.

અમારો વોર્ડ ગરીબ અને પછાત વિસ્તાર છે. મારા મોટાભાઈ ભાજપના હોદ્દેદાર છે પરંતુ હું તેમની વિચારધારાથી સહમત નથી. મારા ભાભી મારી સામે ચૂંટણી લડવા ઉતર્યા છે પણ હું જ જીતવાનો છે. વોર્ડના અનેક પ્રશ્નો છે સફાઈ થતી નથી, પાણીની લાઈનો નથી, રસ્તામાં લાઈટો નથી આ તમામ સુવિધા આપવાની મારી પ્રતિજ્ઞા છે.

તો બીજી તરફ પાયર બાપોદરાએ પોતાના દિયરના આક્ષેપો સામે વળતો જવાબ આપતા કહ્યું હતું કે, ‘મારા સામા પક્ષે મારા દિયર વિજય દેશ વિરોધી પક્ષ કોંગ્રેસમાંથી ચૂંટણી લડે છે ,અમારે દિયર-ભાભીના સબંધો ભાઈ બહેન જેવા છે પરંતુ તે વિરોધ પક્ષમાંથી ચૂંટણી લડે છે તેથી તે લોકોને દબાવી અને દબંગાઈ કરી દબાવી અને ધાકધમકીઓ આપી ચૂંટણી લડી શકે છે.

તેમને જેમ યોગ્ય લાગે તેમ કરે પરંતુ અમે તો લોકોના કામ કરી લોકો પ્રત્યે જવાબદેહ બનવાની નેમ સાથે ચૂંટણી લડવા નીકળ્યા છે અને અમારી જીત નિશ્ચિત છે’ કહેવાય છે કે રાજકારણમાં કોઈ કોઈના સગા નથી હોતા એ કહેવત પોરબંદરમાં ખરેખર સાચી પડી છે.

પોરબંદર છાયા નગરપાલિકાના વોર્ડ નંબર ૧ માં સગા દિયર કોંગ્રેસ અને ભાભી ભાજપમાંથી ચૂંટણી લડ્યા અને આજે પરિણામ આવતા ભાભી દિયર સામે જીતી ગયા છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસની વિચારધારાની આ લડાઈમાં ભાજપે નગરપાલિકાની સાથે ઘરમાં પણ કોંગ્રેસને ધોબી પછાડ આપી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.