Western Times News

Gujarati News

વેપારીની પત્ની-નોકરાણીને બંધક બનાવી લાખોની લૂંટ

પ્રતિકાત્મક

ગ્વાલિયરની ચોંકાવનારી ઘટના-ડિલિવરી બોય બનીને ઘરમાં ઘૂસેલા શખ્સે ટોયગનની મદદથી કામ પાર પાડ્યું, જતાં માફી પણ માગી લીધી

ગ્વાલિયર,  ગ્વાલિયરમાં એક વેપારીની પત્ની અને ઘરની નોકરાણીને ટોય ગનની મદદથી એક શખસે બંધક બનાવી લાખોની મતા લૂટી ગયો. લુટારું ડિલિવરી બોય બનીને ઘરમાં ઘૂસ્યો અને વેપારીની પત્ની અને ઘરની નોકરાણીના હાથ-પગ બાંધી મોં પર ટેપ લગાવી દીધી અને ઘરમાં લૂંટ ચલાવી.

એ પછી તેણે વેપારીની પત્નીને પગે લાગી ચોરી કરવા માટે માફી માગી અને ત્યાંથી નાસી ગયો. માત્ર ૨૦ જ મિનિટમાં એ શખસ આ લૂંટને અંજામ આપીને ત્યાંથી ભાગી ગયો.

ગ્વાલિયરની સમાધિયા કોલોનીના કૃષ્ણા એન્કલેવમાં હોજરીના વેપારી દિલીપ કુકરેજના ઘરમાં કુરિટર બોય બનીને ગુરુવારની સાજે એક શખસ ઘૂસી ગયો. આ શખસે વેપારીની પત્ની શકુંતલા પર પિસ્તોલ તાકી ગોળી મારવાની ધમકી આપી. મહિલાએ સાહસ બતાવી તેની પિસ્તોલ પકડી લીધી, જે નકલી હતી.

તે પછી આ શખસે શકુંતલાના ગળે ચાકૂ મૂકી તેને અને નોકરાણી સુનીતાના હાથ-પગ બાંધી એક રૂમમાં બંધ કરી દીધી. તે પછી આ શખસે કબાટની ચાવી શોધી અને ૩ લાખ રૂપિયા અને સોનાની બે વીંટીની લૂંટ ચલાવી.

ચોંકાવનારી વાત તો એ છે કે, લુંટારાએ ઘરમાં રહેલી બંને મહિલાઓ સાથે સભ્ય રીતે વાત કરતા કહ્યું કે, ‘મારા ઘરમાં લગ્ન છે, રૂપિયાની જરૂર છે. દિલીપ ભાઈ સાહેબ પાસે રૂપિયા માગ્યા હતા, તેમણે રૂપિયા આપવાનો ઈનકાર કરી દીધો. જરૂર પડવા પર કોઈ સીધી રીતે રૂપિયા નથી આપતું. એટલે લૂંટવા આવ્યો છું. તેણે વેપારીની પત્નીને પગે લાગી કહ્યું કે, મને માફ કરજાે, બહેનના લગ્ન કરવાના છે. તમે મારી મા જેવા છો.

દિલીપ કુકરેજા અને તેમનો પુત્ર બંને દુકાને હતા અને બપોરના સમયે ઘરમાં તેમના પત્ની શકુંતલા અને નોકરાણી બે જણા હતા એ સમયે આ ઘટના બની હતી. લૂંટારાના ગયા બાદ ગભરાઈ ગયેલા શકુંતલાએ સાંજ ચાર વાગ્યાની આસપાસ પોતાના પતિને ફોન કરીને ઘરમાં લૂંટ થયાની જાણ કરી. દિલીપ અને તેમનો પુત્ર ઘરે આવ્યા ત્યારે પત્નીએ તેમને વિગતવાર હકીકત જણાવી. બાદમાં આ લૂંટ અંગે પોલીસને જાણ કરવામાં આવી.

દિલીપ કુકરેજાએ જણાવ્યુ કે, તેઓ એક આશ્રમમાં ખજાનચી છે. આશ્રમના કામ માટે અઢી લાખ રૂપિયા ખાતામાંથી ઉપાડીને રાખ્યા હતા. ૭૦થી ૮૦ હજાર રૂપિયા ખર્ચ માટે રાખ્યા હતા, તેની લૂંટ થઈ છે અને તે સાથે જ સોનાની બે વીંટી એ શખસ લૂંટી ગયો છે.

પોલીસે જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં એવું લાગે છે કે, લૂંટ કરનારો શખસ પહેલેથી કુકરેજા પરિવારથી પરિચિત છે. તે ઘરના દરેક સભ્યનું નામ જાણતો હતો. પોલીસે તેની ઓળખ કરવા માટે ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી કેમેરા ચેક કરી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.