Western Times News

Gujarati News

નર્મદા જિલ્લા કલેક્ટરના અધ્યક્ષપદે યોજાઇ જિલ્લા સંકલન-સહ-ફરિયાદ નિવારણ સમિતિની બેઠક

કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેના વિવિધ પ્રવાસન પ્રોજેક્ટસ સહિત અન્ય સરકારી પ્રોજેક્ટસમાં અસરગ્રસ્ત ૬ ગામના રોજગારવાંચ્છુ ઉમેદવારો સહિત જિલ્લાના સ્થાનિક લોકોને અગ્રિમતા સાથે રોજગારીની વિશેષ તક પૂરી પાડવા જિલ્લા કલેક્ટરશ્રી આઇ.કે. પટેલનો ખાસ અનુરોધ

હોટેલ મેનેજમેન્ટ-હોસ્પિટાલીટી સેવા માટે આઇ.ટી.આઇ.ને વિશેષ તાલીમવર્ગોનું સુચારૂં આયોજન ઘડી કાઢવા અપાયેલી સૂચના

જનપ્રતિનિધિશ્રીઓના લોકપ્રશ્નોના વાજબી-સમયસર અને ઝડપી ઉકેલ લાવવાની સાથે નિયત સમયાવધિમાં લેખિત પ્રત્યુત્તર પાઠવવા શ્રી પટેલની તાકીદ

 

રાજપીપલા, નર્મદા જિલ્‍લા કલેકટરશ્રી આઇ.કે.પટેલે જિલ્લામાં કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આકાર પામી રહેલા પ્રવાસન વિકાસને લગતા વિવિધ પ્રોજેક્ટસ ઉપરાંત જિલ્લાના વિવિધ સરકારી વિભાગો દ્વારા હાથ ધરાતા અન્ય પ્રોજેક્ટસ અને તેના અમલીકરણમાં નર્મદા યોજનાના અસરગ્રસ્ત છ ગામોના રોજગારવાચ્છું ઉમેદવારો સહિત જિલ્લાના સ્થાનિક લોકોને અગ્રિમતા આપી રોજગારીની વિશેષ તક પૂરી પાડવા ખાસ અનુરોધ કર્યો છે.

ભરૂચના સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવા, દેડીયાપાડાના ધારાસભ્યશ્રી મહેશ વસાવાના પ્રતિનિધિશ્રી, નિવાસી અધિક કલેકટરશ્રી એચ.કે.વ્યાસ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી રાજેશ પરમાર, નાયબ વન સંરક્ષકશ્રી પ્રતિક પંડયા, પ્રાયોજના વહિવટદારશ્રી આર.વી.બારીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એલ.એમ.ડીંડોર, પ્રાંત અધિકારીશ્રી કે.ડી. ભગત, શ્રી દિપક બારીયા અને શ્રી જય બારોટ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી ગીતાંજલી દેવમણી સહિત જિલ્લાના વિવિધ અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં જિલ્લા કલેકટરશ્રી આઇ.કે.પટેલના અધ્યક્ષપદે યોજાયેલી જિલ્લા સંકલન-સહ-ફરિયાદ નિવારણ સમિતિની બેઠકને સંબોધતા શ્રી પટેલે જનપ્રતિનિધિઓના લોકપ્રશ્નોની રજુઆતોનો વાજબી-સમયસર અને ઝડપી ઉકેલ લાવવાની સાથે નિયત સમયાવધિમાં જિલ્લા કલેકટર કચેરીની જાણ હેઠળ સંબંધિત જનપ્રતિનિધિશ્રીને લેખિત પ્રત્યુત્તર પાઠવવા ખાસ તાકીદ કરી હતી.

જિલ્લા કલેકટરશ્રી આઇ.કે.પટેલે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેકટને લીધે આગામી સમયમાં હોટેલ મેનેજમેન્ટ અને હોસ્પિટાલીટી સેવાઓની વિશેષ જરૂરીયાતને લક્ષમાં લઇને સ્થાનિક ઔદ્યોગિક તાલીમ સંસ્થાને આ પ્રકારના છ માસના વિશેષ તાલીમ વર્ગોનું સુચારૂ આયોજન ઘડી કાઢી જિલ્લાના સ્થાનિક ઉમેદવારોને તાલીમબધ્ધ કરવાની પણ સુચના આપવા ઉપરાંત લીડ બેન્ક મેનેજરને મહત્તમ લાભાર્થીઓને મુદ્દા લોન મળી રહે તેની વિશેષ કાળજી રાખવાની પણ હિમાયત કરી હતી.

જિલ્લા કલેકટરશ્રી આઇ.કે.પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નર્મદાના અસરગ્રસ્ત છ ગામોના ૧૯૫ અને રાજપીપલાના સ્થાનિક ૧૩૨ તેમજ ૩૪ સહિત ૩૬૧ ઉમેદવારોને અન્ય વિશેષ તજજ્ઞતા ધરાવતાં રોજગારી પૂરી પાડવામાં આવી છે. તદ્ઉપરાંત ૧૫૦ જેટલા સ્થાનિક ઉમેદવારોની હોમગાર્ડઝમાં પણ પસંદગી કરવામાં આવી છે અને જરૂરિયાત મુજબ વધુ સંખ્યામાં ગ્રામરક્ષક દળમાં સ્થાનિક ઉમેદવારોની પસંદગી પણ કરાશે, તેવી જાણકારી આપી હતી.

આ બેઠકમાં સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવાના સ્થાનિક ઉમેદવારોને રોજગારી, શિક્ષણ, માર્ગ દુરસ્તી, ફોરેસ્ટ વિલેજમાં વિજ કનેક્શન, એસ.ટી. સેવા, ખાણ ખનીજ, પવિત્ર યાત્રાધામોના વિકાસ, વિવિધ સ્થળોએ ખાસ વૃક્ષારોપણ વગેરે જેવી બાબતો અંગે કરાયેલી રજૂઆત સંદર્ભે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરાઇ હતી અને સંબંધિત અમલીકરણ અધિકારીઓને આ દિશામાં જરૂરી કાર્યવાહી હાથ ધરવા પણ જિલ્લા કલેક્ટરશ્રી આઇ.કે. પટેલે સૂચના આપી હતી.

જિલ્લા કલેક્ટરશ્રી આઇ.કે. પટેલે જિલ્લામાં યોજાતી રાત્રિ સભાઓમાં ગામ લોકો તરફથી કરાતી રજૂઆતો સંદર્ભે પણ જે તે વિભાગના અધિકારીઓને તેમના હસ્તકની કામગીરી ઝડપથી હાથ ધરવા, મહાત્વાકાંક્ષી જિલ્લા તરીકેની કામગીરી સંદર્ભે યોગ્ય મોનીટરીંગ કરવા જિલ્લા આયોજન મંડળના મંજૂર થયેલા અને તાંત્રિક મંજૂરી બાકી હોય તેવા તમામ કામોને તાંત્રિક મંજૂરી આપવા ઉપરાંત મંજૂર થયેલા અને શરૂ ન થયા હોય તેવા કામો સત્વરે શરૂ થાય તે જોવાની પણ શ્રી પટેલે તાકીદ કરી હતી.

આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી પટેલે નિવૃત્ત સરકારી કર્મચારીઓના પેન્શન, ગ્રેજ્યુઇટી, પ્રોવિડન્ટ ફંડ, સરકારી વિમાની રકમ વગેરે સહિતના નિવૃત્તિના લાભો સમયસર મળી રહે તે માટે તેનું યોગ્ય મોનીટરીંગ અને નિયમિત સમીક્ષા હાથ ધરવા ઉપરાંત સરકારી બાકી વસુલાત ઝુંબેશરૂપે ઘનિષ્ઠ બનાવવાની જરૂરિયાત ઉપર પણ તેમણે ભાર મૂક્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.