Western Times News

Gujarati News

પૂના શહેરમાં પાન માટેનું ATM શરૂ કરવામાં આવ્યું

નવી દિલ્હી: ભારતીયો પાન ખાવાના શોખીન છે. જમ્યા પછી અને શુભ પ્રસંગોમાં લોકો પાન ખાતા જાેવા મળે છે. દરેક શહેરમાં આપણને અઢળક પાનની દુકાનો જાેવા મળે છે પણ પૂનામાં હવે પાન માટેનું એટીએમ શરૂ કરાયું છે. જ્યાં એટીએમમાંથી પૈસાની જગ્યાએ ખાવાના વિવિધ પાન નીકળે છે.

પાનના શોખીનો માટે આ પાન એટીએમ મશીનની વ્યવસ્થા કરનાર દુકાનનું નામ પણ શોખીન છે. આ દુકાનના માલિકનો એવો દાવો છે કે આ ભારતનું પ્રથમ ઓટોમેટિક પાન વિતરક મશીન છે. આ મશીનમાંથી મનપસંદ પાન નીકાળવા માટે ગ્રાહકે તે મશીન પર લાગેલું એક બારકોડ સ્કેન કરવાનું રહેશે. ત્યારબાદ ગ્રાહકના ફોન પર ત્યાં ઉપલબ્ધ પાનનું લિસ્ટ જાેવા મળશે.

પછી ઓનલાઈન પેમેન્ટ કર્યા બાદ એક નાના બોક્સમાં પેક કરવામાં આવેલું પાન બહાર આવશે. ગત અઠવાડિયે પૂના શહેરમાં પાનનું આ એટીએમ મશીન લગાવવામાં આવ્યું છે. આ મશીનમાંથી પાનના શોખીનો ચોકલેટ, મેંગો, ડ્રાયફ્રૂટ, મસાલા વગેરે વિવિધ ફ્લેવરના પાન નીકાળીને ખાઈ શકે છે.

પૂનામાં કોરોનાના કેસોને ધ્યાનમાં રાખતા હાલ નાઈટ કર્ફ્‌યુ લાગુ કરાયો છે એટલે આ પાન એટીએમ ૨૪ કલાક ખુલ્લુ રહેતું નથી. પણ એકવખત કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં આવતા આ પાન એટીએમને ૨૪ કલાક ગ્રાહકો માટે ખુલ્લુ રાખવામાં આવશે. હાલ આ પાન એટીએમ સવારે ૧૧થી રાત્રે ૧૧.૩૦ સુધી ખુલ્લુ રહે છે. અહીં પાન એટીએમમાં મળતા પાનની કિંમત ૩૫ રૂપિયાથી શરૂ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.