Western Times News

Gujarati News

અમદાવાદ બાદ સુરતમાં મહિલા તબીબે આપઘાત કર્યો

પ્રતિકાત્મક

મહિલા ડોક્ટરે આપઘાત પહેલાં સ્યુસાઈડ નોટમાં લખ્યું હતું કે મારા પપ્પાને ખુબ પ્રેમ કરું છું, પપ્પાનું ધ્યાન રાખજાે

સુરત,  રાજ્યભરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. હોસ્પિટલમાં દર્દીઓ એટલા વધી ગયા છે કે બેડ ખુટી પડ્યા છે. સરકારી હોસ્પિટલમાં કામના ભારણને કારણે ઘણા શહેરમાં તબીબો હડતાળ પર ઉતર્યા છે. આ સ્થિતિમાં સુરતમાંથી એક મહિલા ડોક્ટરે આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે.

શહેરના અડાજણ વિસ્તાર ખાતેની ખાનગી હોસ્પિટલ ખાતે કામ કરતી મહિલા તબીબનાં આપઘાતની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે.અડાજણના મુક્તાનંદ સોસાયટી પાર્ક કૃતિ એપાર્ટમેન્ટમાં રહેતી ૨૯ વર્ષીય ડોક્ટર અહલ્યા સથીષ ખાનગી હોસ્પિટલમાં એનેસ્થેસિયા તરીકે ફરજ બજાવતી હતી.

આજે તેણે અચાનક જ કોઈ અગમ્ય કારણો સર પોતાના ઘરમાં આપઘાત કરી જીવન ટુંકાવી લીધું. આપઘાત પહેલા ડોક્ટરે સ્યુસાઈડ નોટ પણ લખી છે. જેમાં લખ્યું છે કે ‘આ પગલું ભરું છું તે માટે કોઇ જવાબદાર નથી. મારા પપ્પાને પ્રેમ કરું છું પપ્પાનું ધ્યાન રાખજાે.

આ અંગે અડાજણ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી અને તપાસ હાથ ધરી છે. જાેકે આ સમયે હાલમાં તબીબોની હોસ્પિટલમાં અછત વર્તાઈ રહી છે, તેવામાં આ મહિલા તબીબનાં આપઘાતને લઈને તબીબી આલમમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા આજે સવારે અમદાવાદના મહિલા તબીબે પણ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં આપઘાત કરી લીધો હતો.

ગુજરાત કેન્સર સોસાયટીમાં હેડ તરીકે ફરજ બજાવતા મહિલા ડૉક્ટર મનીષા ચૌહાણે જીવન ટૂંકાવ્યું છે. ડૉક્ટર મનીષા ચૌહાણ અડાલજના અદાણી શાંતિગ્રામ સ્થિત પોતાના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. અહીં નોંધનીય છે કે મૃતક ડૉક્ટર મનીષા ચૌહાણના પતિ ડૉક્ટર નિલેશ ચૌહાણ સોલા મેડિકલ કોલેજમાં અસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.