Western Times News

Gujarati News

કોલકાતાની વિજયી શરૂઆત, હૈદરાબાદને પરાજય આપ્યો

નવી દિલ્હી: નિતીશ રાણા અને રાહુલ ત્રિપાઠીની આક્રમક અડધી સદી બાદ બોલર્સે કરેલા શાનદાર પ્રદર્શનની મદદથી કોલકાતા નાઈટ રાઈડર્સે ઈન્ડિયન પ્રીમિયર લીગની ૧૪મી સિઝનમાં વિજયી શરૂઆત કરી છે. આઈપીએલ-૨૦૨૧મા રવિવારે ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં કોલકાતાએ સનરાઈઝર્સ હૈદરાબાદને ૧૦ રને પરાજય આપ્યો હતો. હૈદરાબાદે ટોસ જીતીને કોલકાતાને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. નિતીશ રાણાની ૮૦ તથા રાહુલ ત્રિપાઠીની ૫૩ રનની તાબડતોબ ઈનિંગ્સની મદદથી કોલકાતાએ નિર્ધારીત ૨૦ ઓવરમાં છ વિકેટે ૧૮૭ રનનો મજબૂત સ્કોર નોંધાવ્યો હતો.

જેના જવાબમાં હૈદરાબાદની ટીમ ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૭૭ રન નોંધાવી શકી હતી. મનિષ પાંડે અને જાેની બેરસ્ટોએ અડધી સદી ફટકારી હોવા છતાં તેઓ ટીમને વિજય અપાવી શક્યા ન હતા. મનિષ પાંડેએ અણનમ ૬૧ રન નોંધાવ્યા હતા. ૧૮૮ રનનો લક્ષ્યાંક પાર પાડવા માટે સનરાઈઝર્સ હૈદરાબાદને આક્રમક શરૂઆતની જરૂર હતી. પરંતુ હૈદરાબાદની ઓપનિંગ જાેડી ટીમને યોગ્ય શરૂઆત અપાવી શકી ન હતી. હૈદરાબાદની શરૂઆત ખરાબ રહી હતી. રિદ્ધિમાન સહા અને કેપ્ટન ડેવિડ વોર્નરની જાેડી નિષ્ફળ રહી હતી. રિદ્ધિમાન સહા સાત રન નોંધાવીને આઉટ થયો હતો.

જ્યારે વોર્નર ફક્ત ત્રણ રન જ નોંધાવી શક્યો હતો. ૧૦ રનના સ્કોર પર ટીમે તેના બંને ઓનપર ગુમાવી દીધા હતા. બંને ઓપનર નિષ્ફળ રહ્યા બાદ મનિષ પાંડે અને જાેની બેરસ્ટોએ આક્રમક બેટિંગ કરી હતી. આ જાેડીએ ટીમ માટે વિજયની આશા જગાવી હતી. તેમણે ૯૨ રનની ભાગીદારી નોંધાવી હતી. બંને બેટ્‌સમેનોએ પોત-પોતાની અડધી સદી પૂરી કરી હતી. જાેની બેરસ્ટો ૪૦ બોલમાં પાંચ ચોગ્ગા અને ત્રણ સિક્સરની મદદથી ૫૫ રનની ઈનિંગ્સ રમીને આઉટ થયો હતો. જાેકે, આ બંને બેટ્‌સમેનોની અડધી સદી ટીમને વિજય અપાવવા માટે પૂરતી ન હતી. મનિષ પાંડે ૪૪ બોલમાં ૨ ચોગ્ગા અને ૩ સિક્સરની મદદથી ૬૧ રન નોંધાવીને નોટઆઉટ રહ્યો હતો. મોહમ્મદ નબીએ ૧૪ તથા વિજય શંકરે ૧૧ રન નોંધાવ્યા હતા. અબ્દુલ સમદ ૧૯ રનને નોટ આઉટ રહ્યો હતો. કોલકાતા માટે પ્રસિદ્ધ ક્રિષ્નાએ બે વિકેટ ઝડપી હતી. જ્યારે સાકીબ અલ હસન, પેટ કમિન્સ અને આન્દ્રે રસેલને એક-એક સફળતા મળી હતી.

અગાઉ સનરાઈઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને કોલકાતાને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. શુભમન ગિલ અને નિતીશ રાણાનીની ઓપનિંગ જાેડીએ કોલકાતાને શાનદાર શરૂઆત અપાવી હતી. રાણા અને ગિલની જાેડીએ ૭ ઓવરમાં ૫૩ રનની ભાગીદારી નોંધાવી હતી. જાેકે, ગિલ પોતાની સારી શરૂઆતને મોટી ઈનિંગ્સમાં બદલી શક્યો ન હતો. ગિલ ૧૩ બોલમાં એક ચોગ્ગા અને એક સિક્સરની મદદથી ૧૫ રન નોંધાવીને રાશિદ ખાનના બોલ પર બોલ્ડ થયો હતો. શુભમન ગિલ આઉટ થયા બાદ રાહુલ ત્રિપાઠી બેટિંગમાં આવ્યો હતો. નિતીશ રાણાએ રાહુલ ત્રિપાઠી સાથે મળીને ટીમના સ્કોરને ઝડપથી આગળ ધપાવ્યો હતો.

રાણા અને રાહુલની જાેડીએ બીજી વિકેટ માટે ૯૩ રનની ભાગીદારી નોંધાવી હતી. રાહુલ ત્રિપાઠીએ ધમાકેદાર બેટિંગ કરી હતી અને પોતાની અડધી સદી પૂરી કરી હતી. જાેકે, અડધી સદી નોંધાવ્યા બાદ તે વધારે સમય ક્રિઝ પર ટકી શક્યો ન હતો. તેણે ૨૯ બોલમાં પાંચ ચોગ્ગા અને બે સિક્સરની મદદથી ૫૩ રનની ઈનિંગ્સ રમી હતી. જાેકે, કોલકાતાની બેટિંગનું મુખ્ય આકર્ષણ ઓપનર નિતીશ રાણાની ધમાકેદાર બેટિંગ કરી હતી. તેણે શુભમન ગિલ અને રાહુલ ત્રિપાઠી સાથે મળીને ટીમના માટે મોટા સ્કોરનો પાયો નાંખ્યો હતો. તેણે પોતાની અડધી સદી પૂરી કરી હતી. તેની પાસે સદી પૂરી કરવા માટે તક હતી

પરંતુ તે તેમ કરવામાં નિષ્ફળ રહ્યો હતો. જાેકે, આઉટ થયા પહેલા તેણે ટીમને મજબૂત સ્થિતિમાં મૂકી દીધી હતી. નિતીશ રાણાએ ૫૬ બોલમાં ૯ ચોગ્ગા અને ૪ સિક્સરની મદદથી ૮૦ રન ફટકાર્યા હતા. જાેકે, આન્દ્રે રસેલ પાંચ અને કેપ્ટન ઈઓન મોર્ગન બે રન નોંધાવીને આઉટ થયા હતા. પરંતુ દિનેશ કાર્તિકે ૯ બોલમાં બે ચોગ્ગા અને એક સિક્સરની મદદથી ૨૨ રનની અણનમ ઈનિંગ્સ રમી હતી. હૈદરાબાદ માટે મોહમ્મદ નબી અને રાશિદ ખાને બે-બે વિકેટ ઝડપી હતી. જ્યારે ભુવનેશ્વર કુમાર તથા નટરાજનને એક-એક સફળતા મળી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.